સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતુ કે બેરિયમ અને અન્ય પ્રતિબંધિત રસાયણોનો ઉપયોગ કરીને ફટાકડા પર પ્રતિબંધ મૂકવાનો તેનો અગાઉનો નિર્ણય માત્ર દિલ્હી-એનસીઆરને લાગુ પડતો નથી, પરંતુ તે સમગ્ર દેશને લાગુ પડે છે. કોર્ટનો આ નિર્ણય એક અરજી પર આવ્યો છે જેમાં રાજસ્થાન સરકારને સુપ્રિમ કોર્ટના આદેશનું પાલન કરવાની સૂચના આપવામાં આવી હતી.

દેશભરમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજી પર કોર્ટના નિર્ણય બાદ સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં દેશની સર્વોચ્ચ અદાલતે દેશભરમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 07 નવેમ્બર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “દેશની સર્વોચ્ચ અદાલતે દેશભરમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય આપ્યો.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે કીવર્ડ સાથે સર્ચ કરતા અમને મીડિયા અહેવાલો પ્રાપ્ત થયા હતા. જેમાં સુપ્રીમ કોર્ટના હાલના નિર્ણય અંગેની માહિતી છે. કાનૂન બાબતોની વેબસાઈટ લાઈવ લો દ્વારા 7 નવેમ્બર, 2023 ના રોજનો પ્રસારિત અહેવાલમાં માહિતી આપવામાં આવી હતી કે, “સુપ્રીમ કોર્ટે મંગળવારે (07.11.2023) સ્પષ્ટતા કરી કે, ફટાકડામાં બેરિયમ અને અન્ય પ્રતિબંધિત રસાયણોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતો અગાઉનો નિર્ણય માત્ર દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં જ લાગુ નથી, પરંતુ તે સમગ્ર દેશમાં લાગુ છે.”

તેમજ વધુ તપાસ કરતા અમને જાગરણનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે બેરિયમ યુક્ત ફટાકડા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ માત્ર દિલ્હી-એનસીઆર પૂરતો મર્યાદિત નથી, તે દરેક રાજ્ય માટે બંધનકર્તા છે. સર્વોચ્ચ અદાલતના આ સ્પષ્ટતાની અસર સમગ્ર દેશ પર પડશે જેણે વાયુ અને ધ્વનિ પ્રદૂષણને રોકવા માટે 2018માં પરંપરાગત ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો હતો. જ્યારે કોર્ટને કહેવામાં આવ્યું હતું કે દિલ્હીને અડીને આવેલા રાજ્યોમાં પરાલી સળગાવવાને કારણે રાષ્ટ્રીય રાજધાનીની હવાની ગુણવત્તા પર અસર થઈ રહી છે, ત્યારે કોર્ટે હવામાન વિભાગને પણ પરાલી સળગાવવા અંગે જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.”
તેમજ એનડીટીવીના અહેવાલ મુજબ, “સુપ્રીમ કોર્ટે કહ્યું કે 2021નો આદેશ જેમાં ગ્રીન ફટાકડાના ઉપયોગને મંજૂરી આપવામાં આવી હતી તે માત્ર દિલ્હી-એનસીઆર જ નહીં પરંતુ સમગ્ર દેશને લાગુ પડે છે. સુપ્રીમ કોર્ટ રાજસ્થાન સરકારને બેરિયમ સોલ્ટ અને અન્ય પ્રદૂષિત રસાયણોમાંથી બનેલા ફટાકડા પર પ્રતિબંધ મૂકવાના નિર્દેશની માંગ કરતા કેસની સુનાવણી કરી રહી હતી. આ સાંભળીને કોર્ટે સ્પષ્ટતા કરી કે જસ્ટિસ એએસ બોપન્ના અને એમએમ સુંદરેસનની બેન્ચે સ્પષ્ટ કર્યું કે કોઈ નવા નિર્દેશોની જરૂર નથી. બેંચે કહ્યું કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય સમગ્ર દેશને લાગુ પડે છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતુ કે બેરિયમ અને અન્ય પ્રતિબંધિત રસાયણોનો ઉપયોગ કરીને ફટાકડા પર પ્રતિબંધ મૂકવાનો તેનો અગાઉનો નિર્ણય માત્ર દિલ્હી-એનસીઆરને લાગુ પડતો નથી, પરંતુ તે સમગ્ર દેશને લાગુ પડે છે. કોર્ટનો આ નિર્ણય એક અરજી પર આવ્યો છે જેમાં રાજસ્થાન સરકારને સુપ્રિમ કોર્ટના આદેશનું પાલન કરવાની સૂચના આપવામાં આવી હતી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:સુપ્રિમ કોર્ટ દ્વારા સમગ્ર દેશમાં ફટાકડા ફોડવા પર પાંબધી નથી લગાવવામાં આવી…
Written By: Frany KariaResult: Missing Context
