
સોશિયલ મિડિયા પર એક ફોટો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં સોનિયા ગાંધી સાથે એક વ્યક્તિ જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે સોનિયા ગાંધી સાથે જોવા મળતો વ્યક્તિ ઓત્તવિયો ક્વાત્રોચી છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોમાં સોનિયા ગાંધી સાથે રાહુલ ગાંધી છે. ઓત્તવિયો ક્વાત્રોચી હોવાની વાત તદ્દન ખોટી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
राष्ट्रवादी योद्धा નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 November 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે સોનિયા ગાંધી સાથે જોવા મળતો વ્યક્તિ ઓત્તવિયો ક્વાત્રોચી છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયો હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને 04 ડિસેમ્બર 2017ના ન્યુ ઈન્ડિયન એક્સપ્રેસની ફોટો ગેલેરી મળી હતી, જેના શીર્ષકમાં ‘હેપ્પી બર્થ ડે રાહુલ ગાંધી: શોક ગ્રસ્ત દિકરાથી લઈ અને રાજકીય વારસ સુધી, કોંગ્રેસના વડાના જીવનની દુર્લભ ક્ષણો છે.’ પોસ્ટ સાથે જે ફોટો વાયરલ થઈ રહ્યો છે તે પણ આ ફોટોગેલેરીમાં સામેલ હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, આ ફોટો સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપના રાઇઝિંગ ડે ફંક્શનમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલનો હતો. અને તે 08 એપ્રિલ 1996ના રોજ નવી દિલ્હીમાં લેવામાં આવ્યો હતો. અને તેનો શ્રેય પીટીઆઈને આપવામાં આવ્યો હતો.
તેમજ વધુ સર્ચ કરતા અમને મિન્ટ.કોમનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. ઓત્તવિયો ક્વાત્રોચી ઈટાલિયન બિઝનેસમેન અને બોફોર્સ કૌભાંડમાં મુખ્ય વ્યક્તિ હતા. CBI દ્વારા 1999માં દાખલ કરાયેલ બોફોર્સ ચાર્જશીટમાં ક્વાત્રોચીનું નામ આપવામાં આવ્યું હતું, જેઓ ભારતમાં તેમના દિવસો દરમિયાન ગાંધી પરિવારની નજીક હતા. ઇટાલિયન ફર્મના પ્રતિનિધિ તરીકે, તે ભારતીય સેનાને સ્વિડિશ હોવિત્ઝર બંદૂકોના સપ્લાય માટે ₹64 કરોડના વળતર અંગેના કેસમાં આરોપીઓ માંનો એક હતો, પરંતુ 04 માર્ચ 2011ના રોજ, દિલ્હીની એક અદાલતે CBIને તેમની સામેની કાર્યવાહી પાછી ખેંચવાની મંજૂરી આપ્યા બાદ ક્વોત્રોચીને ચૂકવણીના કેસમાંથી મુક્ત કરી દિધો હતો.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા પણ આ અંગે વિસ્તૃત માહિતી આપતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોમાં સોનિયા ગાંધી સાથે રાહુલ ગાંધી છે. ઓત્તવિયો ક્વાત્રોચી હોવાની વાત તદ્દન ખોટી છે.

Title:શું ખરેખર સોનિયા ગાંધી સાથે ફોટોમાં દેખાતી વ્યક્તિ ઓત્તવિયો ક્વાત્રોચી છે…?
Fact Check By: Yogesh KariaResult: False
