શું ખરેખર દિલ્હીમાં શાળાને મદરેસા બનાવવામાં આવી રહી હોવાનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક શાળામાં મુસ્લિમ સમુદાયના બાળકો ભણી રહ્યા હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દિલ્હીમાં આમ આદમી પાર્ટી દ્વારા સરકારી શાળાને મદરેસા બનાવવામાં આવી રહી હોવાનો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મુસ્લિમ સમુદાયના બાળકો ભણી રહ્યા હોવાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ દિલ્હીનો નહીં પરંતુ ઉત્તરપ્રદેશની ગાઝિયાબાદ ખાતેની શાળાનો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Kamal Kamal નામના ફેસબુક યુઝર દ્વારા 26 નવેમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આ જોવો દિલ્હી માં આપવાળા હિંદુઓ ના વિરુદ્ધ કેવા સડયંત્ર કરી રહ્યા છે સરકારી સ્કૂલ ને મદરેસા કરવાની કોશિશ આવી મુલ…. ના દલાલ ગુજરાત નુકશાન રૂપ થશે. પોસ્ટમાં મૂકવામાં આવેલા લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દિલ્હીમાં આમ આદમી પાર્ટી દ્વારા સરકારી શાળાને મદરેસા બનાવવામાં આવી રહી હોવાનો તેનો આ વીડિયો છે.

Facebook Post | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને તેને રિવર્સ ઈમેજનો સહારો લઈને સહારો લઈને સર્ચ કરતાં અમને Dr. Ashutosh Gupta BJP Ghaziabad Vidhansabha દ્વારા તેમના ફેસબુક પેજ પર અપલોડ કરવામાં આવેલો આજ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદના મિર્ઝાપુર ખાતેની ભૂડભાત નગરની પ્રથમિક શાળા આપત્તિજનક ઇસ્લામિક ગતિવિધીઓનો અડ્ડો બની ગઈ છે. દેવ દિવાળી, ગંગાસ્નાન અને ગુરુપૂર્ણિમાના અવસરની રજાઓમાં માંસ-બિરયાનીની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. આ સ્થળેથી આપત્તિજનક સાહિતીય પણ મળી આવ્યું. પુરુષો ઉપરાંત મહિલાઓ અને બાળકો પણ આ સ્થળ પર બાજર હતા. સામાજિક કાર્યકર્તા આશુતોષ ગુપ્તાએ બહાદુરી દાખવીને આ વીડિયો બનાવ્યો અને પોલીસમાં રિપોર્ટ પણ નોંધાવ્યો.

અમારી વધુ તપાસમાં અમે વીડિયોનો ધ્યાનથી જોતાં અમને શાળાનું નામ જોવા મળ્યું હતું. જેમાં પ્રાથમિક વિદ્યાલાય મિર્ઝાપુર, ભૂડ નગર ક્ષેત્ર – ગાઝિયાબાદ એવું સ્પષ્ટ લખાણ તમે જોઈ શકો છો.

image2.jpg

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે વાયરલ વીડિયો અંગે ભાજપના કાર્યકર્તા યોગેશ કશ્યપ સાથે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, વિડિયોમાં દેખાઈ રહેલી આ ઘટના ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદના વિજયનગરની એક સરકારી શાળામાં બની હતી.” તાજેતરમાં ગંગા સ્નાનના દિવસે અમે મુસ્લિમ સમુદાયના એક મૌલવીને સરકારી શાળામાં કેટલાક બાળકો સાથે નમાઝ અદા કરતા જોયા. તેઓએ શાળાના દરવાજા બંધ કરી દીધા અને જ્યારે અમે શાળામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓએ અમને આવવા દીધા ન હતા. ત્યારપછી બીજી વખત અમે પોલીસ અને બીજેપી કાર્યકર્તા આશુતોષ ગુપ્તા સાથે શાળાએ ગયા અને તેમની ધરપકડ કરી. અમે તેમને પોલીસને હવાલે કર્યા અને તેમની સામે ફરિયાદ નોંધાવી. પરંતુ મોડી રાત સુધીમાં પોલીસે તેમને છોડી મૂક્યા હતા. આ ઘટનાને ગાઝિયાબાદના વિજય નગરની છે તેથી તેને દિલ્હીના વિજય નગર સાથે કોઈ સંબંધ નથી.

તેણે અમને આ ઘટનાનો એક બીજો વીડિયો અને ફરિયાદની નકલ પણ મોકલાવી હતી.

image3.png

ત્યાર બાદ અમે વાયરલ વીડિયો અંગેની વધુ જાણકારી માટે વિજયનગરના SHO યોગેન્દ્ર મલિક સાથે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “આ વીડિયો ઉત્તરપ્રદેશના મિર્ઝાપુર ગામનો છે. આ ઘટના 19 નવેમ્બરના રોજ બની હતી. રિયાઝુદ્દીન નામનો એક વ્યક્તિ અને તેની પત્ની શાળા પ્રશાસનની અનુમતિથી આઠ વર્ષથી શાળામાં રહેતા હતા. બંને શાળાની સારસંભાળ રાખતા હતા અને સાફ-સફાઈ કરતા હતા. તેમનો દીકરો બીમાર રહેતો હતો ત્યારે તેઓએ પ્રાર્થના કરી હતી કે, તેમના દીકરાને સારુ થઈ જશે ત્યારે તેઓ કુરાન ખાની નામના એક ઇસ્લામિક કાર્યક્રમનું આયોજન કરશે. આ એજ કાર્યક્રમ ચાલતો હતો ત્યારે પોલીસ ત્યાં પહોંચી. પોલીસ તપાસમાં ઘટના સ્થળ પર કોઈ પણ પ્રકારની આપત્તિજનક સામગ્રી પ્રાપ્ત થઈ નહતી. વધુમાં કોઈ વિવાદ ન થાય એ માટે આયોજન કરી રહેલા લોકોને તેમની મરજીથી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને પછી તેમને છોડી પણ મૂકવામાં આવ્યા હતા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મુસ્લિમ સમુદાયના બાળકો ભણી રહ્યા હોવાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ દિલ્હીનો નહીં પરંતુ ઉત્તરપ્રદેશની ગાઝિયાબાદ ખાતેની શાળાનો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર દિલ્હીમાં શાળાને મદરેસા બનાવવામાં આવી રહી હોવાનો આ વીડિયો છે…?

Fact Check By: Vikas Vyas 

Result: False