શું ખરેખર રાજસ્થાનનો આબુરોડ આ પ્રકારે તુટી ગયો છે..? જાણો શું છે સત્ય….
GJ news નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ભારે વરસાદના પગલે વિચિત્ર ઘટના...! ઘટનાસ્થળે તંત્ર દોડી આવ્યું, આબુરોડના થયા ફાંટા” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 24 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ભારે વરસાદના કારણે રાજસ્થાનના આબુરોડના ફાંટા થઈ ગયા.
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, પોસ્ટ સાથે જે ફોટો શેર કરવામાં આવી છે. તે રાજસ્થાનના આબુરોડની નથી. પરંતુ મુંબઇ-નાસિક હાઇવે પરના જૂના કસારા ઘાટનો છે. તેની જાણ કેમ થઈ આવો તમને જણાવીએ. ઉપરોક્ત પરિણામો પરથી અમને આ જ ઘટનાની અન્યો ફોટો પણ મળી હતી. જેમાં એક દિવાલ પર ગ્રીન લેન્ડ પ્યોર વેજ લખેલુ બોર્ડ દેખાય છે. જે તમે નીચે જોઈ શકો છો.
આથી ફેક્ટ ક્રેસન્ડોની ટીમ દ્વારા કસારા ઘાટની નજીક આવેલી તેલગાંવની ગ્રીન લેન્ડ હોટલના ફતેહ અલી ચૌધરીનો સંપર્ક કર્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતું કે, “આ ફોટો જૂના કસારા ઘાટના રસ્તાના છે. કેટલાક દિવસોથી રસ્તાઓ ભિંજાયા હતા. તેથી તેને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા.”
ત્યારબાદ અમે ઇગતપુરી પોલીસ અને હાઇવે પોલીસ (નાસિક)નો સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, આ વિસ્તાર કસારા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. તેથી અમે કસારા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, આ ફોટો જૂના કસારા ઘાટના છે અને આ ફોટામાં દેખાતા અધિકારી નાયબ પોલીસ અધિક્ષક મધુકર મૌલે છે.
ત્યારબાદ ફેક્ટ ક્રેસન્ડોની ટીમ દ્વારા ડ઼ીવાયએસપી મધુકર મૌલેનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, 4 ઓગસ્ટના તેઓ મુંબઈ-નાસિક હાઈવે પર જૂના કસારા ધાટની મુલાકાતે ગયા હતા, ત્યારની આ ફોટો છે. જ્યારે પૂછવામાં આવ્યું કે આ ફોટો કોણે લીધા છે, ત્યારે તેમણે કહ્યું કે તે સમયે ઘણા લોકો ત્યા હાજર હતા. તેમાંથી કોઈ વ્યક્તિએ આ ફોટો લીધા હશે.
ઘણા મરાઠી દૈનિક સમાચાર પત્રો અને ન્યુઝ ચેનલોએ સમાચાર બતાવ્યા હતા. મહારાષ્ટ્ર ટાઇમ્સ અનુસાર, ભારે વરસાદને કારણે, મુંબઈથી નાસિક તરફ આવતા જુના કસારા ઘાટ માર્ગ પર રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. આ માર્ગ ઉપર થોડા સમય માટે ટ્રાફિક ચાલતો હતો. જો કે, પાછળથી રસ્તાના સમારકામ માટે આ માર્ગ પરનો ટ્રાફિક અટકાવી દેવામાં આવ્યો હતો. નાસિકથી મુંબઇ જતા નવા ફેરી રૂટ ઉપર ટ્રાફિક શરૂ કરાયો હતો.
જો કે, રોડ તુટ્યા બાદ યુધ્ધના ધોરણે કામ શરૂ કરવામાં આવ્યુ હતુ. જે સમાચારને ABP MAJHA દ્વારા પ્રસારીત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
આમ, ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટો આબુરોડના નહીં પરંતુ મુંબઇ-નાસિક હાઇવે પરના જૂના કસારા ઘાટનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટો આબુરોડના નહીં પરંતુ મુંબઇ-નાસિક હાઇવે પરના જૂના કસારા ઘાટનો છે.
Title:શું ખરેખર રાજસ્થાનનો આબુરોડ આ પ્રકારે તુટી ગયો છે..? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False