
પકડી પાડયા નામના ફેસબુક પેજ દ્વારા 18 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, #બિહારમાં આવેલા #ભયાનક પુરમાં અત્યાર સુધી ૭૧ બાળકોનાં મોત… બિહારના મુઝફ્ફરનગરના #શીતલપટૃી વિસ્તારના માત્ર ૩ વષૅના #બાળક અજુૅનના મોતની #હચમચાવી દે તેવી તસ્વીર.. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ફોટોમાં દેખાતા બાળકનું બિહારમાં આવેલા પૂરમાં મૃત્યુ થયું છે. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 25 લોકોએ લાઈક કરી હતી. 2 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ 18 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે કરવામાં આવેલા દાવા મુજબ આ બાળકનું બિહારના પૂરમાં મૃત્યુ થયું છે કે કેમ? તે જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લાઈ સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરના પરિણામોમાં પણ આ ફોટોમાં દેખાતા બાળકનું મોત બિહારમાં આવેલા પૂરને લીધે થયું હોવાની માહિતી દર્શાવવામાં આવી હતી. પરંતુ અમને હજુ પણ આ માહિતી પર વિશ્વાસ ન હોવાથી અમે અમારી તપાસ આગળ વધારી હતી. જેમાં અમને દૈનિક જાગરણ દ્વારા 19 જુલાઈ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. આ સમાચારને ધ્યાનથી વાંચતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આ બાળકનું મોત બિહારના પૂરને લીધે નથી થયું પરંતુ તેની માતા દ્વારા પાણીમાં ફેંકી દેવાથી થયું છે. મુજફ્ફરપુરના શીતલપટ્ટી ગામની આ ઘટના છે. જેમાં 3 બાળકોના મોત બાગમતી નદીમાં ડૂબીને થયા હોવાની માહિતી ફરતી થઈ હતી. પરંતુ જ્યારે પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે, રીનાદેવી નામની એક મહિલાએ જ પોતાના બાળકોને નદીમાં ફેંકી દઈ મારી નાખ્યા હોવાની માહિતી બહાર આવી હતી. વધુમાં એ પણ જાણવા મળ્યું હતું કે, રીનાદેવીનો પતિ પંજાબમાં કામ કરતો હતો તે સમયે બંને વચ્ચે મોબાઈલ પર કંઈક ઝગડો થયો હતો. જેને પરિણામે રીનાદેવી માનસિક સંતુલન ખોઈ બેસતાં પોતાના 4 બાળકોને લઈને આત્મહત્યા કરવા માટે નદીમાં કૂદી પડી હતી. જેના પરિણામે ગામલોકોએ એક બાળક અને રીનાદેવીને બચાવી લીધા હતા અને અન્ય 3 બાળકોના મોત થયા હતા. જેમાં મૃત્યુ પામેલા અર્જુન રામ નામના બાળકનો ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.
આ ઉપરાંત અમારી વધુ તપાસમાં અમને ANI દ્વારા 18 જુલાઈ, 2019 ના રોજ કરવામાં આવેલ એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવું લખેલું છે કે, મુઝફ્ફરપુરના DM દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે, શીતલપટ્ટી ગામમાં રહેતી રીનાદેવીનો તેના પતિ સાથે ઝગડો થતાં રીનાદેવીએ 16 જુલાઈના રોજ 4 બળકો સાથે નદીમાં કૂદીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. જેમાં 3 બાળકો મૃત્યુ પામ્યા છે અને રીનાદેવી તેમજ એક બાળકને બચાવી લેવામાં આવ્યું છે. આ માહિતી તમે નીચે જોઈ શકો છો.
Muzaffarpur DM on viral image of drowned infant washed ashore: Reena Devi,resident of Shitalpatti village, after fight with husband pushed her 4 children into river & herself jumped into river on July16. Woman along with 7-yr-old daughter survived. 3 of her children died #Bihar pic.twitter.com/WkzzUfjWMR
— ANI (@ANI) July 18, 2019
ત્યાર બાદ અમને ખબર અપડેટ નામના મીડિયા દ્વારા 20 જુલાઈ, 2019 ના રોજ આ ફોટોને લગતા સમાચારની માહિતી દર્શાવતો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. આ સમાચારમાં પણ એવું જ દર્શાવવામાં આવ્યું છે કે, વાયરલ ફોટોમાં દેખાતા બાળકનું મોત બિહારમાં આવેલા પૂરને લીધે નથી થયું. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.
આ ઉપરાંત અમારી વધુ તપાસમાં અન્ય ફેક્ટ ચેકર્સ દ્વારા પણ આ બાળકનું મોત બિહારમાં આવેલા પૂરમાં નહીં થયું હોવાની માહિતીની સત્યતા દર્શાવતા આર્ટિકલ પ્રાપ્ત થયા હતા જે તમે નીચે જોઈ શકો છો.
abpnews.abplive.in | vishvasnews.com |
Archive | Archive |
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થયા છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ફોટોમાં દેખાતા બાળકનું મોત બિહારમાં આવેલા પૂરને લીધે નથી થયું.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, ફોટોમાં દેખાતા બાળકનું મોત બિહારમાં આવેલા પૂરને લીધે નથી થયું પરંતુ તેની જ માતા દ્વારા 4 બાળકો સાથે આત્મહત્યા કરવા નદીમાં ઝંપલાવવાથી થયું છે.
છબીઓ સૌજન્ય :ગુગલ

Title:શું ખરેખર ફોટોમાં દેખાતા બાળકનું બિહારના પૂરમાં થયું મોત…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
