
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક યુવક દ્વારા જાહેરમાં લગ્ન સમયે દહેજ માંગતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બિહાર ખાતે વરરાજાએ દહેજ ન મળવાને કારણે સ્ટેજ પર જ લગ્ન તોડી દીધા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ લોકજાગૃતિ માટે કાલ્પનિક રીતે બનાવવામાં આવેલો સ્ક્રીપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Zee 24 Kalak નામના ફેસબુક પેજ દ્વારા 10 માર્ચ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, બિહારમાં દહેજ ન મળવાને કારણે વરરાજાએ સ્ટેજ પર જ લગ્ન તોડ્યા, જુઓ વીડિયો. પોસ્ટમાં મૂકવામાં આવેલા લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બિહાર ખાતે વરરાજાએ દહેજ ન મળવાને કારણે સ્ટેજ પર જ લગ્ન તોડી દીધા.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં અમને Divya Vikram નામના એક ફેસબુક પેજ પર પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો 25 ફેબ્રુઆરી, 2022 ના રોજ અપલોડ કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની વધુ તપાસ કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, આ પેજ પર મૂકવામાં આવેલા મોટા ભાગના વીડિયો સ્ક્રિપ્ટેડ છે જે જન જાગૃતિ માટે બનાવવામાં આવ્યા છે.
આ પેજ પરની માહિતી જોતાં તેમાં એ પણ લખવામાં આવ્યું છે કે, તેઓ વીડિયો બનાવનારા છે.
આજ પેજ પર મૂકવામાં આવેલા અન્ય કેટલાક વીડિયોમાં પણ અમને આજ દંપતિ જોવા મળ્યું હતું. આ યુવક અને યુવતી છેલ્લા ઘણા સમયથી આવા વીડિયો બનાવી રહ્યા છે.

“વિક્રમ મિશ્રા” નામના એક ફેસબુક યુઝરે પણ 23 ફેબ્રુઆરી, 2022ના રોજ આ વીડિયો પોસ્ટ કર્યો હતો. તેણે આ સાથે લખ્યું હતું કે, આ વીડિયો બિહારનો છે જ્યાં વરરાજા દહેજની માંગ કરી રહ્યો છે. વિક્રમ મિશ્રાના ફેસબુક પેજ પર મૂકવામાં આવેલી માહિતી પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, વિક્રમ મિશ્રા એક કલાકાર, અભિનેતા અને નિર્માતા છે. વિક્રમ મિશ્રાએ વિવિધ સામાજિક વિષયો પર સમાન સ્ક્રિપ્ટેડ વીડિયો અપલોડ કર્યા છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ લોકજાગૃતિ માટે કાલ્પનિક રીતે બનાવવામાં આવેલો સ્ક્રીપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:વરરાજા દ્વારા દહેજ માંગવામાં આવી રહ્યું હોવાનો સ્ક્રીપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
