
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરપ્રદેશના બિજૌલી ખાતે એક વૃદ્ધે યોગી આદિત્યનાથનો વિરોધ કરવા માટે ખાટલો મૂકીને તેમનો રસ્તો રોકી દીધો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, બિજૌલી ખાતેની ગલીમાં ખાટલો એટલા માટે મૂકવામાં આવ્યો હતો કે, તે એક કન્ટેન્ટમેન્ટ ઝોન હતો. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Nitin Patel નામના ફેસબુક યુઝર દ્વારા 17 મે, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ વીડિયો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, બસ હવે બહુ થયું જનપદ મેરઠ ના બિજૌલી ગામમાં એક એમની એક ગલીમાં ખાટલો ઉભો કરી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ને રોકી લીધા. મુખ્યમંત્રી જી ના લાખ સમજવા થી પણ એ વૃદ્ધએ રસ્તો ના ખોલ્યો અને યોગી જી પાછું વળવું પડ્યું. UP માં શરૂઆત થઈ ગઈ છે હવે ગુજરાત પણ કરશે… પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરપ્રદેશના બિજૌલી ખાતે એક વૃદ્ધે યોગી આદિત્યનાથનો વિરોધ કરવા માટે ખાટલો મૂકીને તેમનો રસ્તો રોકી દીધો.
Facebook Post | Archive | Video Archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ક્યાંય પણ એ માહિતી પ્રાપ્ત થઈ નહતી કે, ઉત્તરપ્રદેશના બિજૌલી ખાતે વૃદ્ધે યોગી આદિત્યનાથનો ખાટલો મૂકીને રસ્તો રોકી દેતાં તેઓને ત્યાંથી પરત જવું પડ્યું હતું.
ત્યાર બાદ અમે વાયરલ થઈ રહેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, લોકો યોગી આદિત્યનાથના નામનો જયઘોષ કરી રહ્યા છે તેમજ યોગી આદિત્યનાથ વીડિયોમાં દેખાઈ રહેલા વૃદ્ધને માસ્ક પહેરવાની સલાહ આપીને તેમનું ધ્યાન રાખવાનું કહી રહ્યા છે. સંપૂર્ણ વીડિયોમાં ક્યાંય પણ વૃદ્ધ દ્વારા યોગી આદિત્યનાથનો વિરોધ કરવામાં આવ્યો હોય એવું જોવા મળતું નથી.
ત્યાર બાદ અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને અમર ઉજાલા દ્વારા 16 મે, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, યોગી આદિત્યનાથે કોરોનાનું સંક્રમણ વધતું જોઈને મેરઠ જિલ્લાની મુલાકાત લીધી હતી. તેઓએ ત્યાંના કોવિડ સેન્ટરનું નિરીક્ષણ કર્યું. ત્યાર બાદ તેઓએ પોલીસ બંદોબસ્ત તેમજ હોસ્પિટલોની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ તેઓએ ત્યાં ઉપસ્થિત મીડિયા કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રી ખરખૌદાના બિજૌલી ગામમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણો કોરોનાથી સંક્રમિત વ્યક્તિના ઘરની મુલાકાત કરીને તેની સાથે વાતચીત કરી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ આશા વર્કરો સાથે કોરોના સંક્રમણની વ્યવસ્થાઓ અંગે વાતચીત કરી હતી.
ત્યાર બાદ અમારી ફેક્ટ ક્રેસેન્ડોની ટીમ દ્વારા મેરઠના એસ.એસ.પી. અજય કુમાર સાહની ની ઓફિસનો સંપર્ક કરી આ ઘટના અંગે પૂછતાં તેઓએ આ માહિતી ભ્રામક હોવાનું ગણાવી જણાવ્યું હતું કે, ‘ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી કોરોના વાયરસની સ્થિતિ અંગે જાણકારી મેળવવા માટે મેરઠના પ્રવાસે આવ્યા હતા. ત્યારે જ તેઓએ બિજૌલી ગામમાં એક વૃદ્ધ વ્યક્તિની મુલાકાત લીધી હતી જે કોરોનાથી સંક્રમિત હતા. તેમની શેરીની આગળ એક ખાટલો મૂકેલો હતો કારણ કે, એ કન્ટેન્ટમેન્ટ ઝોન હતો. મુખ્યમંત્રીએ એ વૃદ્ધ વ્યક્તિ સાથે બહાર ઉભા રહીને જ વાત કરી હતી. એ માહિતી તદ્દન ખોટી છે કે, વૃદ્ધ વ્યક્તિએ મુખ્યમંત્રીનો રસ્તો રોક્યો અને તેમને આગળ જતાં રોક્યા હતા. જેના કારણે મુખ્યમંત્રીએ ત્યાંથી પરત જવું પડ્યું હતું.’
ત્યાર બાદ તેઓએ અમને એ પણ જણાવ્યું હતું કે, અમે આ ઘટના બાબતે જે વ્યક્તિએ વીડિયો બનાવીને ખોટી માહિતી સાથે ઈન્ટરનેટ પર અપલોડ કર્યો હતો તેને પકડી લીધો છે. એ વ્યક્તિ બિજૌલી ગામનો જ રહેવાસી છે. આ બાબતે અમે તેના વિરુદ્ધમાં ખરખૌદા પોલીસ સ્ટેશનમાં FIR પણ નોંધાવી છે.
જે FIR તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને મેરઠ પોલીસ દ્વારા 17 મે, 2021 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પણ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, વાયરલ થઈ રહેલી માહિતી ખોટી અને ભ્રામક છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બિજોલી ગામના કોરોના સંક્રમિત એખ વૃદ્ધ સાથે વાતચીત કરી હતી. જ્યાં કન્ટેન્ટમેન્ટ ઝોન હોવાને કારણે ખાટલો મૂકવામાં આવ્યો હતો.
— MEERUT POLICE (@meerutpolice) May 17, 2021
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મુલાકાત દરમિયાન બિજૌલી ખાતેની ગલીમાં ખાટલો એટલા માટે મૂકવામાં આવ્યો હતો કે, તે એક કન્ટેન્ટમેન્ટ ઝોન હતો.

Title:શું ખરેખર ઉત્તરપ્રદેશના બિજૌલી ખાતે વૃદ્ધ દ્વારા યોગી આદિત્યનાથનો રસ્તો રોકવામાં આવ્યો…?
Fact Check By: Vikas VyasResult: False
