તાજેતરમાં હિમાચલ પ્રદેશ ખાતે ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાઈ ગયું છે. ત્યારે સોશિયલ મીડિયા પર પહાડ પરથી પડી રહેલા પથ્થરોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પહાડ પરથી નીચે પડી રહેલા પથ્થરોનો આ વીડિયો હિમાચલ પ્રદેશના કિન્નોર હાઈવેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં પહાડ પરથી નીચે પડી રહેલા પથ્થરોનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2019 માં જમ્મુ-શ્રીનગર હાઈવે પર બનેલી ઘટનાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

News18 Gujarati નામના ફેસબુક પેજ દ્વારા 13 જુલાઈ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, પહાડો પરથી પથ્થરોનો વરસાદ !. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પહાડ પરથી નીચે પડી રહેલા પથ્થરોનો આ વીડિયો હિમાચલ પ્રદેશના કિન્નોર હાઈવેનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગુલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર ‘ધ ટ્રિબ્યૂન’ દ્વારા 28 જુલાઈ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, જમ્મુ-શ્રીનગર હાઈવે પર રામબન ખાતે બનેલી ઘટનાનો આ વીડિયો છે.

અમારી વધુ તપાસમાં અમને 29 જુલાઈ, 2019 ના રોજ આજ તક દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યના રામબન જિલ્લામાં પડતા હાઈવેના રામબન અને બનિહાલ સેક્શન વચ્ચે અલગ-અલગ જગ્યાએ પથ્થરો પડવાના કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.

આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. ABP News | indiatoday.in

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પહાડ પરથી નીચે પડી રહેલા પથ્થરોનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2019 માં જમ્મુ-શ્રીનગર હાઈવે પર બનેલી ઘટનાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:જાણો પહાડ પરથી નીચે પડી રહેલા પથ્થરોના વાયરલ વીડિયોનું શું છે સત્ય....

Written By: Vikas Vyas

Result: False