
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ATM માં ઘુસેલા સાપનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભરુચની શ્રવણ ચોકડી નજીક આવેલા કોટક મહિન્દ્રા બેન્કના એટીએમમાં સાપ ઘુસી ગયો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં ATM માં ઘુસેલા સાપનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ભરુચનો નહીં પરંતુ ગાઝિયાબાદ ખાતે 3 વર્ષ પહેલાં બનેલી ઘટનાનો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
NAZAR NEWS NETWORK નામના ફેસબુક યુઝર દ્વારા 5 જુલાઈ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ભરૂચ શ્રવણ ચોકડી નજીક આવેલ કોટક મહિન્દ્રા બેંક ના ATM માં સાંપ આવી જતાં નાસભાગ મચી જવા પામી હતી વન વિભાગે આ સાંપ ને સહીસલામત રીતે પકડી ને લેવામાં આવ્યો હતો જોકે વરસાદી માહોલ ના કારણે સરીસૃપ જીવ બહાર આવી જતાં હોય છે. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભરુચની શ્રવણ ચોકડી નજીક આવેલા કોટક મહિન્દ્રા બેન્કના એટીએમમાં સાપ ઘુસી ગયો તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને 1.20 મિનિટ પર ATM માં ‘Welcome to ICICI Bank’ લખેલું જોવા મળ્યું હતું. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આ એટીએમ કોટક મહિન્દ્રા બેન્કનું તો નથી જ.

ત્યાર બાદ અમે આ વીડિયોને એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના સહારાથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર News 18 Virals દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર 7 મે, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. . જેની સાથે શીર્ષકમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ગાઝિયાબાદના ગોવિંદપુરમ ખાતે જે બ્લોકના માર્કેટમાં બનેલા ICICI બેન્કના એટીએમમાં સાપ ઘુસી જતાં એટીએમની બહાર નોટીસ લગાવી હતી.
અમારી વધુ તપાસમાં અમને આજ માહિતી અને વીડિયો સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. News 24 | First India News
આજ માહિતી સાથેના સમાચાર jagran.com દ્વારા પણ 7 મે, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.

ત્યાર બાદ અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે ભરુચ ખાતે સ્થાનિક પત્રકારનો સંપર્ક કરી તેને આ ઘટના વિશે પૂછતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, આ ઘટના ભરુચની નથી. તાજેતરમાં આવી કોઈ ઘટના ભરુચ ખાતે બનવા પામી નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ATM માં ઘુસેલા સાપનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ભરુચનો નહીં પરંતુ ગાઝિયાબાદ ખાતે 3 વર્ષ પહેલાં બનેલી ઘટનાનો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
