
નબીપુર ની એકતા નામના ફેસબુક પેજ દ્વારા 31 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ઇરાક ના સદરએ સદ્દામ હુસેનની કબર12 વર્ષ પછી બીજી જગ્યા એ મુંતકીલ કરવા માટે ખોલી તો આજ પણ તેમનો ચહેરો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ઈરાકના શાસક સદ્દામ હુસેનની લાશને દફનવિધીના 12 વર્ષ પછી કબરમાંથી નીકાળવામાં આવી તો પણ ચહેરો એવો જ છે. આ પોસ્ટને 51 લોકોએ લાઈક કરી હતી. 5 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 13 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર ઈરાકના શાસક સદ્દામ હુસેનની લાશને દફનવિધીના 12 વર્ષ પછી કબરમાંથી નીકાળવામાં આવી તો પણ ચહેરો એવો જ છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને entez78 નામની યુટ્યુબ ચેનલ પર 6 જાન્યુઆરી, 2007 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, સદ્દામ હુસેનના અંતિમ સંસ્કાર અને દફનવિધી કાર્યક્રમ.
ઉપરોક્ત વીડિયોમાં 6 મિનિટ અને 26 સેકન્ડ બાદ તમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના દ્રશ્યોને જોઈ શકો છો.
હવે એ પણ જાણવું જરૂરી હતું કે, સદ્દામ હુસેનનું મોત ક્યારે થયું? ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, સદ્દામ હુસેનનું મોત 30 ડિસ્મ્બર,2006 ના રોજ થયું હતું.

હવે પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જોવા જઈએ તો 2006 બાદ 12 વર્ષ ગણીએ તો 2018 ના રોજનો આ વીડિયો હોવો જોઈએ. પરંતુ આ વીડિયો વર્ષ 2007 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ હોવાથી પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો સાબિત થાય છે.
અમારી વધુ તપાસમાં સદ્દામ હુસેનના અંતિમસંસ્કાર વિશે સર્ચ કરતાં અમને AP Archive દ્વારા 23 જુલાઈ, 2015 ના રોજ તેમની દફનવિધીનો વીડિયો યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.
વધુમાં અમને એ પણ માહિતી પ્રાપ્ત થઈ હતી કે, સદ્દામ હુસેનને ઈરાકના તિકરિત શહેરના અલ-ઔજા ખાતે દફન કરવામાં આવ્યા હતા. સદ્દામ હુસેન સુન્ની પક્ષના હતા અને તેમના નજીકના સંબંધીઓ અને સાથીદારોને એ વાતની ચિંતા હતી કે, શિયા પક્ષના લોકોને તેમની લાશ મળી જશે તો તેઓ તેને નુકશાન પહોંચાડી શકે છે.
આ આશંકાને કારણે જ વર્ષ 2014 માં સદ્દામના નજીકના લોકોએ તેમની લાશને કબરમાંથી નીકાળીને સુરક્ષિત જગ્યા પર રાખી દીધી હતી. સદ્દામ હુસેને દુજૈલ ખાતે જે 148 લોકોને મારી નખાવ્યા હતા તે તમામ શિયા પક્ષના હતા. સદ્દામ હુસેનની લાશ હાલમાં ક્યાં રાખવામાં આવી છે એ હજુ સુધી કોઈ જ જાણકારી પ્રાપ્ત થઈ નથી.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો સદ્દામ હુસેનની કબરનો વીડિયો દફનવીધિના 12 વર્ષ પછીનો નહીં પરંતુ તેના મોતના 7 દિવસ પછીનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો સદ્દામ હુસેનની કબરનો વીડિયો દફનવીધિના 12 વર્ષ પછીનો નહીં પરંતુ તેના મોતના 7 દિવસ પછીનો છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:સદ્દામ હુસેનની દફનવિધીનો જૂનો વીડિયો ભ્રામક માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
