
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દિલ્હીના જંતર-મંતર ખાતેના CJPના પ્રદર્શનમાં નિંહંગ શીખ પહોંચ્યા તેનો આ વીડિયો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ દિલ્હીના જંતર-મંતરનો નહીં પરંતુ ઉત્તરાખંડ બોર્ડર પરનો છે. જ્યાં સ્થાનિક પોલીસ અને નિહંગ શીખોના ટોળા વચ્ચે ટકરાવ થયો હતો. આ ઘટનાને દિલ્હીના જંતર-મંતર ખાતેના CJP પ્રદર્શન સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગૂગલ રિવર્સ ઈમેજથી સર્ચ કરતાં અમને આ જ વાયરલ વીડિયો સાથેના સમાચાર News9 Live દ્વારા 26 જૂન, 2026ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, વિકાસનગરમાં કુલ્હાલ ચેકપોઇન્ટ પર હેમકુંડ સાહિબ તરફ આગળ વધતા નિહંગ શીખોના એક મોટા જૂથે પોલીસ સાથે અથડામણ કરી અને સુરક્ષા બેરિકેડ તોડી નાખ્યા બાદ હિમાચલ પ્રદેશ-ઉત્તરાખંડ સરહદ પર તણાવ ફેલાયો હતો. કર્ણપ્રયાગ-નાગરાસુ વિવાદ બાદ કૂચની અપેક્ષાએ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અધિકારીઓ અને પ્રદર્શનકારીઓ વચ્ચે વાટાઘાટો છતાં, કોઈ સફળતા મળી ન હતી. મોહાલીથી પોતાની યાત્રા શરૂ કરનાર નિહંગ જૂથે આગ્રહ કર્યો હતો કે જ્યાં સુધી 16 જૂનના કર્ણપ્રયાગ હિંસાના સંબંધમાં ધરપકડ કરાયેલા ચાર નિહંગ સભ્યોને મુક્ત ન કરવામાં આવે ત્યાં સુધી તેઓ પંજાબ પાછા નહીં ફરે. પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી હોવાથી વહીવટીતંત્રે કડક સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખી છે.
અમારી વધુ તપાસમાં અમને આ જ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Aaj Tak | India TV
વધુમાં તમને જણાવી દઈએ કે, NEET પેપરલીક મુદ્દે દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. જો કે, આ પ્રદર્શનમાં અમને 17 જુલાઈ, 2026ના રોજ ‘ફોરમ૪ ન્યૂઝ’ પર પોસ્ટ કરાયેલા અહેવાલ અને 27 જૂન, 2026ના રોજ ‘ધ જનતા લાઈવ હિન્દી’ નામના ફેસબુક યુઝર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર નિહંગ શીખો પણ વિરોધ પ્રદર્શનના સમર્થનમાં જંતર-મંતર પહોંચ્યા હતા.
જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હીના જંતર-મંતરનો નહીં પરંતુ ઉત્તરાખંડ બોર્ડર પરનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ દિલ્હીના જંતર-મંતરનો નહીં પરંતુ ઉત્તરાખંડ બોર્ડર પરનો છે. જ્યાં સ્થાનિક પોલીસ અને નિહંગ શીખોના ટોળા વચ્ચે ટકરાવ થયો હતો. આ ઘટનાને દિલ્હીના જંતર-મંતર ખાતેના CJP પ્રદર્શન સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)


