
સોશિયલ મિડિયામાં ત્રણ ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેમાં બે ફોટોમાં મોટી સંખ્યામાં રૂપિયા જોવા મળે છે. જ્યારે અન્ય એક ફોટોમાં ભોયરૂ જોવા મળે છે. આ ત્રણેય ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સીબીઆઈ દ્વારા રાજકારણીના ઘરના ભોયરા માંથી રૂપિયા 17000 કરોડ રૂપિયા પકડી પાડ્યા છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા તમામ ફોટો જૂના છે. હાલમાં આ પ્રકારે કોઈ ઘટના બનવા પામી નથી. સીબીઆઈ દ્વારા રેડ કરવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
અમિતકુમાર એમ સોની નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 નવેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સીબીઆઈ દ્વારા રાજકારણીના ઘરના ભોયરા માંથી રૂપિયા 17000 કરોડ રૂપિયા પકડી પાડ્યા છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર આ પ્રકારે સીબીઆઈ દ્વારા કોઈ રેડ કરવામાં આવી છે કે નહિં તે સર્ચ કરતા અમને કોઈ પરિણામ પ્રાપ્ત થયા ન હતા.
તો પછી આ ત્રણેય ફોટોનો શું સબંધ છે. તે જાણવા અમે ત્રણેય ફોટોને અલગ અલગ કરી અને રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કર્યુ હતુ.
ફોટો નંબર. 01
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા પ્રથમ ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો વર્ષ 2017નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ફોટો શેર કરવામાં આવ્યો હતો અને માહિતી આપવામાં આવી હતી કે, “આયકર અધિકારીઓ દ્વારા શુક્રવારના રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. કો-લોકેશન કેસમાં ઓપીજી ગ્રુપ સંબંધિત ચાલી રહેલી તલાશી દરમિયાન નેશનલ સ્ટોક એક્સચેંજના દલાલ સંજય ગુપ્તાના દિલ્લી આવાસમાં 11 કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા.”
ફોટો નંબર. 02
ત્યારબાદ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા બીજા નંબરના ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કર્યો હતો. ઉપરોક્ત પરિણામો પરથી અમને ઈન્ડિયા ટુડેનો વર્ષ 2017નો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પણ ઉપરોક્ત કેસ સબંધિત જ માહિતી આપવામાં આવી હતી અને આ ફોટો પણ આ જ ઘટનાનો છે. જે તમે નીચે જોઈ શકો છો.
ફોટો નંબર. 03
તેમજ પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ત્રીજા નંબરના ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને ઘ ક્વિન્ટનો વર્ષ 2017નો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ફોટો શેર કરવામાં આવ્યો હતો અને માહિતી આપવામાં આવી હતી કે, “નવી મુંબઈમાં બેંક ઓફ બરોડાની જુઇનગર શાખાને લૂંટવા માટે લૂંટારાઓના એક જૂથે 25 ફૂટની ટનલ બનાવી હતી. ANIના તાજેતરના અહેવાલો અનુસાર, તેઓ લોકર રૂમમાંથી 30 અલગ-અલગ લોકર લૂંટીને આશરે રૂ. 3 કરોડની કિંમતી ચીજવસ્તુઓ લઈને ભાગી ગયા હતા. પોલીસને શ્રી બાલાજી નામના નજીકના જનરલ સ્ટોરના ભાડૂતો પર શંકા છે, જે મે મહિનામાં કોઈક સમયે ખુલ્યો હતો.”
આમ ઉપરોક્ત તમામ પરિણામો પરથી સાબિત થાય છે કે, આ તમામ ફોટો જૂના છે. હાલમાં આ પ્રકારે કોઈ ઘટના બનવા પામી નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા તમામ ફોટો જૂના છે. હાલમાં આ પ્રકારે કોઈ ઘટના બનવા પામી નથી. સીબીઆઈ દ્વારા રેડ કરવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે.

Title:જૂના ફોટોને ખોટા દાવા અને ખોટી માહિતી સાથે ફેલાવવામાં આવી રહ્યા…
Fact Check By: Yogesh KariaResult: Missing Context
