
Gujarati Masti નામના ફેસબુક પેજ દ્વારા 8 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, ઓસ્ટ્રલિયા આગ : ઘાયલ થઈ હતી માં, આખી સર્જરી દરમિયાન ચીપકી રહ્યું બાળક. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગમાંથી કોઆલા અને તેના બચ્ચાને બચાવવામાં આવ્યું હતું. જ્યારે આ કોઆલાની સર્જરી કરવામાં આવી ત્યારે તેનું બચ્ચું તેની માની પૂરી સર્જરી દરમિયાન તેની માને ચીપકી રહ્યું. આ પોસ્ટને 92 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. એક વ્યક્તિએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive | Article Archive
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર આ ફોટો તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગમાંથી બચાવવામાં આવેલા કોઆલા અને તેના બચ્ચાનો છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને buzzfeednews.com દ્વારા 9 જૂન, 2015 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, લિઝી નામની કોઆલા માતાને ઓસ્ટ્રેલિયાના કોમિન્યામાં વોરેગો હાઈવે પર તેના બચ્ચા ફેન્ટમ સાથે રસ્તા પર મુસાફરી કરતી વખતે એક કાર દ્વારા તેને ટક્કર મારવામાં આવી હતી. ત્યાર બાદ કોઆલા અને તેના બચ્ચાને ઓસ્ટ્રેલિયા જૂ વાઈલ્ડ લાઈફ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં માતા કોઆલાની સર્જરી કરવામાં આવી હતી. આ સર્જરી દરમિયાન કોઆલાનું બચ્ચું તેની માતાને ચીપકી રહ્યું હતું. આ સમગ્ર અહેવાલમાં ક્યાંય પણ આગનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહતો કે એવી માહિતી પણ નહતી આપવામાં આવી કે, કોઆલા અને તેના બાળકને આગથી બચાવવામાં આવ્યા હતા. આ સંપૂર્ણ અહેવાલ તમે નીચે જોઈ શકો છો.

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. dailymail.co.uk | abcnews.go.com | boredpanda.com
અમારી વધુ તપાસમાં અમને ઉપરોક્ત અહેવાલમાં આપેલી માહિતી સાથેનો Nirvana News દ્વારા 10 જૂન, 2015 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો એક વીડિયો પણ પ્રાપ્ત થયો હતો. તેમાં પણ ક્યાંય આગનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહતો કે એવી માહિતી પણ નહતી આપવામાં આવી કે, કોઆલા અને તેના બાળકને આગથી બચાવવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
આ માહિતી સાથેના અન્ય વીડિયો પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો.
Wochit News | CBSN | Storyful News
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો કોઆલા અને તેના બચ્ચાનો ફોટો વર્ષ 2015 નો છે. જેને તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગ સાથે કોઈ જ સંબંધ નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો કોઆલા અને તેના બચ્ચાનો ફોટો વર્ષ 2015 નો છે. જેને તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગ સાથે કોઈ જ સંબંધ નથી.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:કોઆલાનો જૂનો ફોટો તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગના નામે વાયરલ… જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Partly False
