શું ખરેખર આ બાળકી સુરતથી મળી આવી છે અને હજુ પણ નથી મળી એના પરિવારને…? જાણો શું છે સત્ય…
Mehul Malaviya નામના ફેસબુક યુઝર દ્વારા 11 નવેમ્બર,2019 ના રોજ ખેડૂત પૂત્ર ગુજરાત (Khedut Putra Gujarat) નામના ફેસબુક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મિત્રો, આ છોકરી સુરત થી મળેલ છે. આને એટલો બધો શેર કરો કે, તેના માતા-પિતા મળી જાય... પ્લીઝ, આને દરેક સુધી પહોચાડજો... તમારો આભાર. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે,પોસ્ટમાં ફોટોમાં દેખાતી બાળકી સુરતથી મળી આવી છે અને એના માતા-પિતા હજુ તેને મળ્યા નથી. આ પોસ્ટને 552 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 4 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 124 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.
Facebook Post | Archive | Post Archive
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં દેખાતી બાળકી હજુ તેના માતા-પિતાને નથી મળી. એ માહિતી જાણવા માટે સૌપ્રથમ અમે આ પોસ્ટને ધ્યાનથી વાંચી તો અમને પોસ્ટમાં કોઈ પણ વધુ માહિતી જોવા મળી ન હતી. કે જેથી અમે આ પોસ્ટની સત્યતા જાણી શકીએ. એટલા માટે અમે આજ કીવર્ડ સાથે ફેસબુકમાં સર્ચ કરતાં અમને મોબાઈલ નંબર સાથેની એક વાયરલ પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જે હિના પટેલ નામના ફેસબુક યુઝર દ્વારા 6 જૂન, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
ફેસબુક પર અન્ય ઘણા બધા લોકો દ્વારા પણ આ માહિતીને વાયરલ કરવામાં આવી રહી હોવાથી અમે અમારી તપાસને મજબૂત બનાવવા માટે અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા મોબાઈલ નંબર ૯૭૨૭૭૪૦૦૭૧ પર સંપર્ક કરતાં અમારી વાત જામનગર ખાતે એક કંપનીમાં કામ કરતા જૈમિનભાઈ સાથે થઈ હતી. અમે તેઓને આ સમગ્ર ઘટના અંગે વાત કરતાં તેઓએ અમારી વાત આ ઘટનાની માહિતી જાણતા તેમના જ સહ કર્મચારી સાગરભાઈ સાથે કરાવી હતી. તેઓએ આ ઘટના અંગે અમને જણાવ્યું હતું કે, “લગભગ 5 મહિના અગાઉ આ ઘટના સુરતમાં નહીં પરંતુ જામનગર ખાતે બની હતી. જેમાં ફોટોમાં દેખાતી બાળકી તેના માતા-પિતાથી વિખૂટી પડી ગઈ હોવાનું માલૂમ પડ્યું હતું. અમે તપાસ કરીને 3 કલાકની મહેનત બાદ આ બાળકીને તેના માતા-પિતાને પરત સોંપી હતી. હાલમાં પણ આ ઘટના અંગે અમારા મોબાઈલ નંબર પર કોલ આવે છે. અમારું હવે લોકોને એટલું જ કહેવાનું છે કે બાળકી તેના પરિવારને મળી ગઈ હોવાથી આ માહિતીને આગળ વધારવી નહીં.”
આ સંપૂર્ણ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં ફોટોમાં દેખાતી બાળકી સુરતમાં નહીં પરંતુ જામનગરમાં મળી આવી હતી તેમજ જે દિવસે મળી હતી એજ દિવસે 3 કલાકમાં જ તેના માતા-પિતાને સોંપવામાં આવી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ બાળકી સુરતમાં નહીં પરંતુ જામનગરમાં મળી આવી હતી. તેમજ આ બાળકી જે દિવસે મળી હતી એજ દિવસે 3 કલાકમાં જ તેના માતા-પિતાને સોંપવામાં આવી હતી.
છબીઓ સૌજન્ય : ગુગલ
Title:શું ખરેખર આ બાળકી સુરતથી મળી આવી છે અને હજુ પણ નથી મળી એના પરિવારને…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False