શું ખરેખર વીડિયોમાં દેખાતા લોકો કોરોનાથી સંક્રમિત છે…? જાણો શું છે સત્ય….

Missing Context સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મોરબીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોરોનાને કારણે મોરબીની આવી હાલત થઈ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં જે લોકો દેખાઈ રહ્યા છે એ દરેક વાયરલ ઈન્ફેક્શનનો ભોગ બનેલા છે તેઓ કોરોનાથી સંક્રમિત નથી. આ વીડિયોને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Patel hitesh 77ii નામના ફેસબુક યુઝર દ્વારા 2 એપ્રિલ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, મોરબી ની હાલત બોવજ ખરાબ છે કોરોના ના લીધે. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોરોનાને કારણે મોરબીની આવી હાલત થઈ છે.

Facebook Post | Archive | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને વીટીવી ગુજરાતી દ્વારા 3 એપ્રિલ, 2021 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, કેપ્શન નામની કંપનીના માલિકે કોરોનાગ્રસ્ત કારીગરોની સારવાર ફેક્ટરીમાં જ કરાવી પરંતુ આ સંપૂર્ણ સમાચાર જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, કેપ્શન કંપનીના માલિક અરુણ પટેલે જણાવ્યું હતું કે, “અમારા કેટલાક કારીગરોને તાવ, શરદી અને ઉધરસ થતાં તેઓને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં જગ્યા ન હોવાથી અમે તેઓને અમારી પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પરંતુ ત્યાં દર્દીઓ બોટલ ચડાવવા માટે જગ્યાનો અભાવ હોવાને કારણે અમે અમારી ફેક્ટરીના શેડમાં જ ડોક્ટરોની ટીમની સલાહ સૂચન અનુસાર તેઓને બોટલ ચડાવીને સારવાર આપી હતી. હાલમાં આ તમામ કારીગરો સ્વસ્થ છે. તેઓ કોઈ કોરોનાથી સંક્રમિત નથી.”  

વધુમાં મોરબીના અધિક કલેક્ટર કેતન જોશીએ આ વીડિયો વિશે જણાવ્યું હતું કે, “મોરબીના જાંબુડિયા ખાતે આવેલી કેપ્શન સિરામિકનો વીડિયો વાયરલ થતાં અમારી ધ્યાને આવતાં અમે તાત્કાલિક તંત્રને જાણ કરતાં 4 વ્યક્તિઓને સામાન્ય તાવ, શરદી અને ઉધરસ જણાતાં તેઓને ગોકુલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાં ઈન્ડોર દર્દીઓ માટે જગ્યા ન હોવાથી ગોકુલ હોસ્પિટલના એમડી ડૉ. વિપુલ માંકાસણાની દેખરેખ હેઠળ આ તમામ દર્દીઓને ફેક્ટરીની અંદર જ સારવાર આપવામાં આવી હતી. આ ચારેય વ્યક્તિ હાલમાં સંપૂર્ણ સ્વસ્થ છે અને કેપ્શન સિરામિકની લેબર કોલોનીમાં રહે છે. આ અંગે પોલીસ અને આરોગ્ય વિભાગને જાણ કરાતાં આરોગ્ય વિભાગ દ્વારા કેપ્શન સિરામિકના આ દર્દીઓ કોરોનાથી સંક્રમિત ન હોવાનું જણાવવામાં આવ્યું હતું.”

Archive

અમારી વધુ તપાસમાં અમને આજ માહિતી સાથેના સમાચાર ઝી 24 કલાક દ્વારા 2 એપ્રિલ, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

Archive

અંતમાં અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે મોરબીના જિલ્લાના આરોગ્ય અધિકારી જે.એમ.કટીરા સાથે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “કેપ્શન સિરામિક કંપનીનો જે વીડિયો વાયરલ થયો છે એ તમામ લોકોને કોઈ વાયરલ ઇન્ફેક્શનને કારણે તાવ અને શરદી થતાં તેઓને દવાખાને લઈ જવામાં આવ્યા હતા પરંતુ દવાખાનામાં જગ્યા ન હોવાથી તેમજ તે લોકો કોરોના સંક્રમિત ન થાય એ માટે ફેક્ટરીના માલિકે તેમને પોતાની ફેક્ટરીના શેડમાં જ ડૉક્ટરોના કહ્યા મુજબ સારવાર આપી હતી. હાલમાં આ તમામ લોકો સ્વસ્થ છે. તેઓ કોરોના સંક્રમિત હોવાની માહિતી તદ્દન ખોટી છે.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં જે લોકો દેખાઈ રહ્યા છે એ દરેક વાયરલ ઈન્ફેક્શનનો ભોગ બનેલા છે તેઓ કોરોનાથી સંક્રમિત નથી. આ વીડિયોને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર વીડિયોમાં દેખાતા લોકો કોરોનાથી સંક્રમિત છે…?

Fact Check By: Vikas Vyas 

Result: Missing Context