
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના સ્થાપક અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવના નિધનની માહિતી વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના સ્થાપક અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવનું નિધન થયું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Dhaval J Koralwala નામના ફેસબુક યુઝર દ્વારા 5 ઓક્ટોમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના સ્થાપક અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવનું નિધન થયું છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને satyaday.com દ્વારા 5 ઓક્ટોમ્બર, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, સમાજવાદી પાર્ટીના વરિષ્ટ નેતા અને ભૂતપૂર્વ એમએલસી મુલાયમ સિંહ યાદવનું 92 વર્ષની વયે નિધન થયું છે.
જે મુલાયમસિંહ યાદવનું નિધન થયું છે એ અને સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમસિંહ યાદવ બંનેનો એકસાથે ફોટો તમે નીચે જોઈ શકો છો.
આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા જે તમે અહીં જોઈ શકો છો. livehindustan.com | navbharattimes.indiatimes.com
સમાજવાદી પાર્ટીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી પણ મુલાયમસિંહ યાદવના નિધન પર શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. જે ટ્વિટ તમે ફોટો સાથે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમસિંહ યાદવની પુત્રવધુ Aparna Bisht Yadav દ્વારા 5 ઓક્ટોમ્બર, 2020 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, “પરમેશ્વરની કૃપાથી પિતાજી એટલે કે આપણા પ્યારા નેતાજી સ્વસ્થ છે.”
અખિલેશ યાદવ દ્વારા પણ ભૂતપૂર્વ એમએલસી મુલાયમસિંહ યાદવના નિધન પર ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમસિંહ યાદવનું નિધન થયું હોવાની માહિતી તદ્દન ખોટી છે. પરંતુ જે મુલાયમસિંહ યાદવનું નિધન થયું તેઓ સમાજવાદી પાર્ટીના વરિષ્ટ નેતા અને ભૂતપૂર્વ એમએલસી હતા.

Title:સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમસિંહ યાદવના નિધનની ખોટી માહિતી વાયરલ..જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
