
તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ મહિલાઓની વચ્ચે બેસીને જમી રહ્યા છે. આ ફોટોની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી માસ્ક પહેરીને જમી રહ્યા છે. આ રીતે રાહુલ ગાંધી પર મજાક કરવામાં આવી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે કારણ કે, રાહુલ ગાંધીએ જમતી વખતે માસ્ક પહેરેલું નહતું. જમવાનું શરૂ થયા પહેલાં અને જમવાનું પૂરું થયા પછી જ તેઓએ માસ્ક પહેર્યું હતું. પછી તેઓ માસ્ક પહેરીને તેમની સાથે જમી રહેલી મહિલાઓ સાથે ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Sameer Joshi નામના ફેસબુક યુઝર દ્વારા 25 જાન્યુઆરી, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી માસ્ક પહેરીને જમી રહ્યા છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને thehindu.com દ્વારા રાહુલ ગાંધીનો આવો જ એક અન્ય ફોટો પ્રાપ્ત થયો હતો. 25 જાન્યુઆરી, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા આ સમાચારમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી 3 દિવસના તમિલનાડુના પ્રવાસે છે ત્યારે તેઓએ ઈરોડ ખાતે વણકર મહિલાઓ સાથે ભોજન કર્યું હતું તેનો આ ફોટો છે.
આજ માહિતી અને ફોટો સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. puthiyathalaimurai.com | oneindia.com
ઉપરોક્ત તમામ સમાચારોમાં રાહુલ ગાંધીએ જમતી વખતે માસ્ક પહેર્યું હોય એવું ક્યાંય દેખાઈ રહ્યું નથી.
ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને J&K Pradesh Congress Sevadal દ્વારા પણ રાહુલ ગાંધીના જમતી વખતના કેટલાક અન્ય ફોટાઓ ટ્વિટર પર મૂકવામાં આવ્યા હતા. આ તમામ ફોટોમાં પણ તેઓએ ક્યાંય માસ્ક પહેર્યું હોય એવું દેખાતું નથી,
અમારી વધુ તપાસમાં અમને રાહુલ ગાંધીના જમતા સમયનો સંપૂર્ણ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં તેમણે પહેલાં માસ્ક પહેર્યું હતું પરંતુ જમવાનું ચાલુ કર્યું ત્યારે માસ્ક નીકાળીને મૂકી દીધું હતું એ તમે આ વીડિયોમાં જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ રાહુલ ગાંધીએ જમતી વખતે માસ્ક પહેરેલું નહતું. જમવાનું શરૂ થયા પહેલાં અને જમવાનું પૂરું થયા પછી જ તેઓએ માસ્ક પહેર્યું હતું.
