
તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, આપણે બધા ભારતમાતા કી જયનો નારો લગાવીએ છીએ તો આ ભારતમાતા કોણ છે?. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો છે. વાસ્તવિક વીડિયોમાં રાહુલ ગાંધી ભારત માતાનો અર્થ સમજાવતી વખતે પછાત ગરીબો અને દલિતોના વિકાસની વાત કરી છે. જેના માટે તેમણે ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 19 નવેમ્બર, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, આપણે બધા ભારતમાતા કી જયનો નારો લગાવીએ છીએ તો આ ભારતમાતા કોણ છે?
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ આ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો રાહુલ ગાંધીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. તેની નીચે લખેલા કેપ્શન પરથી જાણવા મળ્યું કે, આ વીડિયો રાહુલ ગાંધીની સભાનો છે જે તેમણે રાજસ્થાનના બુંદીમાં કરી હતી. જો તમે અહીં વીડિયોને ધ્યાનથી સાંભળો તો સ્પષ્ટ થાય છે કે, વીડિયોને વચ્ચેથી કટ કરવામાં આવ્યો છે.
આ વીડિયોમાં 1:50 થી 4:05 સુધી રાહુલ ગાંધીને ભારત માતા પર બોલતા સાંભળી શકાય છે. જેમાં વાયરલ વીડિયોનો ભાગ નજરે પડે છે.
આમાં રાહુલ ગાંધી કહી રહ્યા છે કે, “દરેક વ્યક્તિ આ નારો લગાવે છે, આપણે ભારત માતા કી જય ઘણું સાંભળીએ છીએ, પરંતુ ભારત માતા કોણ છે, તે શું છે, તે પ્રશ્ન છે. આગળ રાહુલ ગાંધી કહે છે કે, આપણે બધા જેના વખાણ કરીએ, હું કરું, તમે કરો, તો પછી ભારત માતા કોણ છે? જુઓ, આ ભારત માતા આ ધરતી છે, આ ભારત માતા આ દેશની જનતા છે, તમારા બધા ભાઈ-બહેનો, માતા-પિતા, ગરીબ અને અમીર લોકો, વૃદ્ધો તમામ ભારત માતા છે. આગળ, રાહુલ કહે છે કે મેં એક જ પ્રશ્ન પૂછ્યો છે, સંસદમાં ભાષણ આપતી વખતે મેં કહ્યું, જુઓ, મારે જાણવું છે કે આ ભારત માતા કોણ છે? મારો મતલબ, આ લોકો કોણ છે? કોની વસ્તી કેટલી છે? કેટલા આદિવાસીઓ છે, કેટલા દલિત છે, કેટલા પછાત લોકો છે, કેટલા ગરીબ છે, કેટલા અમીર છે. જો આપણે ‘ભારત માતા કી જય’ ના નારા લગાવીએ અને તેના માટે આપણે આપણા જીવનનું બલિદાન આપીએ, તો આપણે એ શોધવું પડશે કે ભારત માતા કોણ છે? જો આપણે નથી જાણતા કે, આ દેશમાં કેટલા પછાત લોકો છે, કેટલા દલિત છે, કેટલા ગરીબ છે તો ‘ભારત માતા કી જય’નો અર્થ શું છે.”
આ માહિતી સાથે રાજસ્થાન તક અને અમર ઉજાલામાં રાહુલ ગાંધીના વીડિયો અંગેના અહેવાલો પણ પ્રકાશિત થયા છે. એવું કહેવામાં આવ્યું હતું કે, રાહુલ ગાંધીએ બુંદી વિધાનસભાના ત્રણેય કોંગ્રેસના ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી સભાને સંબોધી હતી, બુંદી વિધાનસભાથી હરિમોહન શર્મા, હિંડોલીથી અશોક ચંદના અને કેશવ રાય પાટણથી સીએલ પ્રેમી. જ્યાં તેમણે ભારત માતા કી જયનો અર્થ સમજાવતા ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું હતું.
હવે અમે આખરે વાયરલ વીડિયો અને અમને મળેલા અસલ વીડિયોની સરખામણી કરી અને તે સ્પષ્ટ થઈ ગયું કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અધૂરો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો છે. વાસ્તવિક વીડિયોમાં રાહુલ ગાંધી ભારત માતાનો અર્થ સમજાવતી વખતે પછાત ગરીબો અને દલિતોના વિકાસની વાત કરી છે. જેના માટે તેમણે ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Title:જાણો ભારતમાતા કોણ છે? એવું કહી રહેલા રાહુલ ગાંધીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…
Written By: Vikas VyasResult: Missing Context
