શું ખરેખર સુરતના જકાતનાકા ખાતેના નેશનલ હેન્ડલુમમાં મારવાડી સિવાય બીજા કોઈને નોકરી આપવામાં આવતી નથી…? જાણો શું છે સત્ય....
Deepak Ramani નામના ફેસબુક યુઝર દ્વારા 7 ઓક્ટોમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, સુરત જકાતનાકા નેશનલ હેન્ડલુમ માં મારવાડી સિવાય કોઈ ને નોકરી આપતા નથી. ખરીદી કરતા પહેલા વિચારવું. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સુરતના જકાતનાકા ખાતે આવેલા નેશનલ હેન્ડલુમમાં મારવાડી સિવાય બીજા કોઈને નોકરી આપવામાં નથી આવતી. આ પોસ્ટને 66 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 27 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 1500 થી વધુ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.
Facebook Post | Archive | Post Archive
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ સુરત જકાતનાકા ખાતે આવેલ નેશનલ હેન્ડલુમમાં મારવાડી સિવાય બીજા કોઈને નોકરી આપવામાં આવતી ના હોય તો એ એક મોટો પ્રશ્ન બન્યો હોય અને કોઈને કોઈ મીડિયા હાઉસ દ્વારા આ માહિતીને પ્રસારિત કરવામાં આવી જ હોય એટલા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ સુરત જકાતનાકા નેશનલ હેન્ડલુમમાં મારવાડી સિવાય બીજાને નોકરી અપાતી નથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગે કોઈ જ પરિણામો પ્રાપ્ત થયા ન હતા.
ત્યાર બાદ અમે અમારી તપાસ આગળ વધારી હતી અને સુરતના જકાતનાકા ખાતે આવેલ નેશનલ હેન્ડલુમના મેનેજર ગંગારામનો સંપર્ક કરી આ અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “હાલમાં આ સ્ટોર પર લગભગ 70 થી 80 લોકો કામ કરે છે. જેમાંથી 20 થી 25 જેટલા લોકો જ રાજસ્થાનના મારવાડી છે. બાકી બધો સ્ટાફ લોકલ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર જેવી જુદી જુદી જગ્યાનો છે. નેશનલ હેન્ડલુમ ખાતે ફક્ત મારવાડીને જ નોકરી પર રાખવામાં આવે છે એ માહિતી તદ્દન ખોટી છે.”
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે જકાતનાકા ખાતેના નેશનલ હેન્ડલુમમાં કેશિયરની ફરજ બજાવતા એક ગુજરાતી મહિલા મિત્તલબેનનો સંપર્ક કર્યો હતો અને તેમને આ માહિતી અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “નેશનલ હેન્ડલુમ, જકાતનાકા, સુરત ખાતે બધા જ લોકોને નોકરી પર રાખવામાં આવે છે એવું નથી કે ફક્ત મારવાડીઓને જ નોકરી આપવામાં આવે છે. આ વાત ખોટી છે. અમારે ત્યાં બધા જ લોકો કામ કરી રહ્યા છે અને હળીમળીને રહે છે તેમજ અહીંયા આ પ્રકારે કોઈ જ ભેદભાવ રાખવામાં નથી આવતો.”
આ સંપૂર્ણ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ સુરતના જકાતનાકા ખાતે નેશનલ હેન્ડલુમમાં મારવાડી સિવાય બીજા કોઈને નોકરી પર રાખવામાં આવતા નથી એ માહિતી ખોટી સાબિત થાય છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ મેનેજર અને કેશિયર સાથે વાત કરતાં અમને માલૂમ પડ્યું હતું કે, સુરતના જકાતનાકા ખાતે નેશનલ હેન્ડલુમમાં મારવાડી સિવાય બીજા કોઈને નોકરી પર રાખવામાં આવતા નથી એ માહિતી ખોટી સાબિત થાય છે.
છબીઓ સૌજન્ય : ગુગલ
Title:શું ખરેખર સુરતના જકાતનાકા ખાતેના નેશનલ હેન્ડલુમમાં મારવાડી સિવાય બીજા કોઈને નોકરી આપવામાં આવતી નથી…? જાણો શું છે સત્ય....
Fact Check By: Vikas VyasResult: False