શું ખરેખર પંડિત જવાહરલાલ નહેરુએ એવું કહ્યું હતું કે, “હું દુર્ભાગ્યથી હિન્દુ છું”…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ વિશે એક માહિતી વાયરલ થઈ રહી છે. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પંડિત જવાહરલાલ નહેરુએ એવું કહ્યું હતું કે, “હું દુર્ભાગ્યથી હિન્દુ છું”. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, “હું દુર્ભાગ્યથી હિન્દુ છું” એવું હિન્દુ મહાસભાના તત્કાલિન મહાસચિવ એન.બી.ખરે દ્વારા જવાહરલાલ નહેરુનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર ખોટી માહિતી મૂકીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Naresh Gandhi નામના ફેસબુક યુઝર દ્વારા 09 ઓક્ટોમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલી પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ગાંધીજીએ પથારી ફેરવી દેશની. સરદાર હતે તો મોદીજી ને આજે આટલી તકલીફો નો સામનો કરવો નહિ પડતે.. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પંડિત જવાહરલાલ નહેરુએ એવું કહ્યું હતું કે, “હું શિક્ષાથી ઈસાઈ, સંસ્કૃતિથી મુસ્લિમ અને દુર્ભાગ્યથી હિન્દુ છું”.

screenshot-www.facebook.com-2021.10.14-14_44_19.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને એવું જાણવા મળ્યું કે, ઉપરોક્ત નિવેદન નહેરુના નામે વિવિધ વેબસાઈટ પર મૂકવામાં આવ્યું હતું. જોકે, નેહરુએ આવું નિવેદન ક્યારે, ક્યાં અથવા કોની સાથે કર્યું તેનો કોઈ ઉલ્લેખ નથી. તેથી નિવેદનના મૂળ સ્રોત વિશે શંકાને અવકાશ રહે છે. વધુમાં અમને ગુગલ પર સર્ચ કરવાથી વેબદુનિયા વેબસાઇટ પર એક લેખ પ્રાપ્ત થયો હતો. લેખમાં કહેવામાં આવ્યું છે કે, ડેક્કન ક્રોનિકલ્સ અખબારે 19 નવેમ્બર 2018 ના રોજ નહેરુના નામે ઉપરોક્ત નિવેદન પ્રકાશિત કર્યું હતું. ત્યારે એક ટ્વિટર યુઝરે અખબારની ભૂલ તરફ ધ્યાન દોર્યું. ગૌરવ પાંધી નામના વેરિફાઇડ ટ્વિટર યુઝરે ટ્વિટ કર્યું કે, હિન્દુ મહાસભાના તત્કાલીન અધ્યક્ષ એન.બી.ખરેએ 1950 માં નહેરુનું વર્ણન કરતી વખતે આ નિવેદન આપ્યું હતું.

Archive

ગૌરવ પાંધીએ તેમની ટ્વિટમાં શશી થરૂરના પુસ્તક “નેહરુ – ધ ઈન્વેન્શન ઓફ ઈન્ડિયા” ને પુરાવા તરીકે મૂક્યું છે. આ પુસ્તક ગુગલ બુક્સ પર ઉપલબ્ધ છે. શશી થરૂરે પુસ્તકમાં લખ્યું છે કે, હિન્દુ મહાસભાના અધ્યક્ષ એન.બી.ખરેએ નહેરુનું વર્ણન કરતા કહ્યું હતું કે, તેઓ શિક્ષણથી ઈસાઈ, સંસ્કૃતિથી મુસ્લિમ અને જન્મથી હિન્દુ હતા.

image2.png

નેહરુ – ધ ઈન્વેન્શન ઓફ ઈન્ડિયા

ડેક્કન ક્રોનિકલ્સ અખબારે પણ તેની ભૂલ સ્વીકારીને 25 નવેમ્બર, 2019 ના અંકમાં માફી માંગી હતી. તેમણે લખ્યું કે, 19 નવેમ્બરના અંકમાં આકસ્મિક રીતે “દુર્ભાગ્યથી હું હિન્દુ છું” એવું અમે નહેરુના નામે ખોટું નિવેદન છાપ્યું હતું. મૂળભૂત રીતે તે નિવેદન એન.બી.ખરેએ નહેરુનું વર્ણન કરતી વખતે આપ્યું હતું. ગૌરવ પાંધીએ ટ્વિટ કરીને અખબારનો ખુલાસો કર્યો હતો.

Archive

એન.બી.ખરેના નામે ઉપરોક્ત નિવેદનનો ઉલ્લેખ બલરામ નંદાના પુસ્તક “ધ નેહરુજ -મોતીલાલ એન્ડ જવાહરલાલ” (1974) માં પણ છે. તેમાં તે નહેરુના પિતા અને પુત્ર વિશે લખે છે કે, મોતીલાલ નહેરુએ હિંદુ પ્રણાલી તોડવા માટે મુસ્લિમ કારકુનો અને નોકરો રાખ્યા હતા. તેમને ફારસી સાહિત્ય અને ઉર્દૂ કવિતાનો પણ શોખ હતો. મોતીલાલ અને જવાહરલાલ બંનેના ઘણા મુસ્લિમ મિત્રો હતા. તેથી તેઓ ઘણીવાર મુસ્લિમ કહેવાતા. એટલે જ હિન્દુ મહાસભાના નેતા એન.બી.ખરેએ જવાહરલાલ નેહરુનું એવું વર્ણન કર્યું હતું કે, તેઓ શિક્ષણથી ઈસાઈ, સંસ્કૃતિથી મુસ્લિમ અને સંયોગથી હિન્દુ હતા.

image4.png

ધ નેહરુજ -મોતીલાલ એન્ડ જવાહરલાલ

27 મે, 2018 ના રોજ ધ ક્વિન્ટ વેબસાઈટ પરના એક લેખમાં વરિષ્ઠ પત્રકાર અને તત્કાલીન ભાજપના મંત્રી એમ.જે. અકબરે કહ્યું હતું કે, નેહરુ સંયોગથી જ હિન્દુ હતા એ એન.બી.ખરેએ સાચું જ કહ્યું છે. આ નિવેદન નેહરુના નામે ખોટી રીતે ફેલાવવામાં આવ્યું છે. મૂળરૂપે આ તેમનું વર્ણન કરતા વિવેચકે કર્યું હતું. જોકે, નેહરુના વિરોધીઓ એવો પ્રચાર કરે છે કે, નહેરુએ પોતે આવું કહ્યું હતું. આ નિવેદનની પ્રથમ હકીકત અલ્ટ ન્યૂઝ દ્વારા તપાસવામાં આવી હતી.

image3.png

 ધ ક્વિંટ

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, “હું દુર્ભાગ્યથી હિન્દુ છું” એવું હિન્દુ મહાસભાના તત્કાલિન મહાસચિવ એન.બી.ખરે દ્વારા જવાહરલાલ નહેરુનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું હતું.

Avatar

Title:શું ખરેખર પંડિત જવાહરલાલ નહેરુએ એવું કહ્યું હતું કે, “હું દુર્ભાગ્યથી હિન્દુ છું”…?

Fact Check By: Vikas Vyas 

Result: False