ફ્લોરિડામાં 15 વર્ષના છોકરાએ એક સ્ટોરમાંથી બ્રેડ અને પનીરની ચોરી કરી હોવાના નામે ભ્રામક સ્ટોરી વાયરલ... જાણો શું છે સત્ય....
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફ્લોરિડામાં એક 15 વર્ષના છોકરાએ સ્ટોરમાંથી બ્રેડ અને પનીરની ચોરી કરી હોવાની માહિતી સાથેની એક સ્ટોરી વાયરલ થઈ રહી છે. પોસ્ટ સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ફ્લોરિડામાં એક 15 વર્ષના છોકરાએ સ્ટોરમાંથી બ્રેડ અને પનીરની ચોરી કરી પરંતુ પોલીસે તેને પકડીને કોર્ટના હવાલે કર્યો તો કોર્ટ દ્વારા તેને નિર્દોષ જાહેર કરીને સ્ટોર માલિકને દંડ ફટકારવામાં આવ્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે 15 વર્ષના છોકરાની સ્ટોરી મૂકવામાં આવી છે એ અને પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ બંને વચ્ચે કોઈ જ સંબંધ નથી. સોશિયલ મીડિયા પર ખોટી માહિતી મૂકીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
પકડી પાડયા નામના ફેસબુક પેજ દ્વારા 21 સપ્ટેમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવું લખવામાં આવ્યું છે કે, આ ઘટના ફ્લોરિડા ની છે ...! જ્યાં માત્ર પંદર વરહનો છોકરો મોટા સ્ટોર માંથી ચોરી કરતાં પકડાઈ ગયો, સ્ટોર કીપર ની ધરપકડથી બચવા ભાગવાના પ્રયાસમાં એણે સ્ટોરનો એક કાચ પણ તોડી નાખ્યો !
છતાં પણ પકડાઈ જતા પોલીસના હવાલે કરી અદાલતના કઠેરા માં લાવવામાં આવ્યો,
જજ સાહેબે ગુનો સાંભળ્યો અને છોકરાને પૂછ્યું
શુ તે ખરેખર સ્ટોર માંથી કાંઈ ચોરી કરી છે..??
છોકરાએ માથું નીચે ઝુકાવી કહ્યું બ્રેડ અને અને પનીરનું પેકેટ
જજ:- કેમ
છોકરો:- મારે જરૂર હતી
જજ:- ખરીદી લેવું જોઇએ ને..?
છોકરો :- પૈસા હતા નહીં..
જજ:- ઘર વાળા પાસેથી લઈ લેવા જોઈએ ને ?
છોકરો :- ઘરમાં ફક્ત માં છે અને એ પણ બીમાર અને બેરોજગાર છે, બ્રેડ અને પનીર પણ એના માટે જ ચોર્યા હતા !
જજ - તું કાંઈ કામ ધંધો નથી કરતો ?
છોકરો- એક ગેરેજ માં કાર વોશ કરતો હતો પણ માં ની દેખભાળ કરવા એક દિવસની રજા લીધી હતી તો નોકરી માંથી મને કાઢી મુક્યો !
જજ:- ચોરી કરતા પહેલા કોઈની મદદ માંગી લીધી હોત તો ?
છોકરો:- સવારથી ઘરેથી નીકળ્યો હતો લગભગ પચાસેક લોકો પાસે મદદ માંગી અને આખરે નહિ મળવાને કારણે મેં આ પગલું ભર્યું હતું !
આરોપી સાથે પૂછપરછ પુરી થયા પછી જજે ફેંસલો સંભળાવવા નું શરૂ :-
આ ઉંમરે દીકરાને બીમાર માં માટે બ્રેડ અને પનીરની ચોરી કરવી પડે એ વાત શરમજનક ગુનો છે અને આ ગુના માટે આપણે સૌ જવાબદર છીએ !
અદાલતમાં હાજર હરેક વ્યક્તિ કોર્ટ સહિત અને અમે પણ આવી વ્યથા માટે જવાબદારી છીએ એટલા માટે અહીં હાજર હરેક વ્યક્તિ ઉપર દસ-દસ ડોલરનો દંડ લગાવવામાં આવે છે, દસ ડોલર દીધા વગર કોઈ વ્યક્તિ અહીં થી બહાર જઈ નહીં શકે !
એવું કહીને જજ સાહેબે પણ પોતાના ખિસ્સા માંથી કાઢ્યા અને ફરી લખવાનું શરૂ કર્યું:-
આ સિવાય હું સ્ટોર ઉપર એક હજાર ડોલરનો દંડ કરું છું એટલા માટે કે એણે એક ભુખ્યા બાળક સાથે ગેર ઇન્સાનિયત વર્તુણક કરી પોલીસને હવાલે કર્યો છે !
જો ચોવીસ કલાકમાં દંડ જમા નથી કરાવ્યો તો કોર્ટ સ્ટોરને સીલ કરવાનો હુકમ આપી દેશે !
દંડ ની સપૂર્ણ રકમ આ છોકરાને આપી કોર્ટે છોકરા પાસે સામાજિક પરિસ્થિતિ બદલ માફી માંગી !
ફેંસલો સંભળાવ્યા બાદ કોર્ટમાં હાજર લોકોની આંખો માંથી આંસુ વરસી રહ્યા હતા અને છોકરાના ગળામાં પણ ડૂમો ભરાઈ ગયો હતો એ છોકરો વારંવાર જજ સામે જોઈ રહ્યો હતો અને પોતાના આંસુ છુપાવી બહાર નીકળી ગયો
શુ આપણા દેશમાં કચારેય પણ આજ સુધી માં એવો નિર્ણય થયો..?
આવા સંવેદનશીલ અને ઈમાનદાર ન્યાયિક ચરિત્રવાન જજ આપણા દેશમાં નથી...??
કદાચ એટલા માટે આપણા દેશમાં તો 20-20 અને 25-25 વરહ પછી પણ જ્યારે કોઈ વ્યક્તિ નિર્દોષ સાબિત થાય છે તો પણ એને માત્રને માત્ર માનનીય કોર્ટ પોતાની રહેમત સમજી છોડી મુકવાને પણ ઉપકાર માને છે. પોસ્ટમાં મૂકવામાં આવેલા લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ફ્લોરિડામાં એક 15 વર્ષના છોકરાએ સ્ટોરમાંથી બ્રેડ અને પનીરની ચોરી કરી પરંતુ પોલીસે તેને પકડીને કોર્ટના હવાલે કર્યો તો કોર્ટ દ્વારા તેને નિર્દોષ જાહેર કરીને સ્ટોર માલિકને દંડ ફટકારવામાં આવ્યો.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં આજ સ્ટોરી ઘણી બધી ભાષાઓમાં વાયરલ થઈ રહી હોવાનું અમને માલૂમ પડ્યું હતું. અમને આજ કહાની એક અંગ્રેજી વેબસાઈટ medium.com પર જોવા મળી હતી. આ વેબસાઈટ પર મોટેભાગે પ્રેરક લઘુકથાઓ પ્રકાશિત કરવામાં આવે છે. આ વેબસાઈટ પર પ્રકાશિત કરવામાંન આવેલી આ લઘુકથા સાચી છે કે ખોટી એ અંગેની કોઈ જ માહિતી આપવામાં આવી નહતી. જેના પરથી એ કહેવું મુશ્કેલ છે કે, ખરેખર આ કહાની સાચી છે કે કાલ્પનિક?
આ વાર્તા ખરેખર સોશિયલ મીડિયા પર સદીઓથી ઘણી જુદી જુદી રીતે ફરતી રહી છે. આમાંથી સૌથી જૂની ન્યૂયોર્કના ભૂતપૂર્વ મેયર ફિયોર્લો લા ગાર્ડિયાના સમાયની છે. ફિયોર્લો લા ગાર્ડિયા 1934 થી 1945 સુધી ન્યૂયોર્કના મેયર હતા. આ સમય દરમિયાન જ યુનાઇટેડ સ્ટેટ્સે તેના ઇતિહાસમાં સૌથી ખરાબ મંદીનો અનુભવ કર્યો હતો. અહીંથી વાર્તા શરૂ થાય છે. ઓક્ટોબર 1935 માં એક વૃદ્ધ મહિલાને પોલીસે પકડી અને ન્યૂયોર્કના મેયર લા ગાર્ડિયા સમક્ષ લાવવામાં આવી. પોલીસે મેયરને જણાવ્યું કે, આ વૃદ્ધ મહિલાએ એક દુકાનમાંથી બ્રેડ અને માખણ ચોરવાનો પ્રયાસ કર્યો હતો. કારણ પૂછવા પર મહિલાએ કહ્યું કે, તેની પુત્રી બીમાર છે અને બાળક ભૂખથી રડે છે. બાળકોના પિતાએ તેમને છોડી દીધા છે. વૃદ્ધ મહિલાએ મેયરને કહ્યું કે, મેં બાળકોની ભૂખ સંતોષવા ચોરી કરી છે. આ સાંભળીને મેયર લા ગાર્ડિયાએ પોલીસને $ 10 (કેટલાક કિસ્સાઓમાં 50 સેનેટ) નો દંડ ભરવાનો આદેશ આપ્યો. મેયરે પોતાના ખિસ્સામાંથી 10 ડોલર નીકાળીને એ વૃદ્ધ મહિલાને આપ્યા અને તેને છોડી મૂકવામાં આવી. એવો દાવો કરવામાં આવે છે કે, આ ઘટના ન્યૂયોર્કના મોટા અખબારોમાં પ્રકાશિત થઈ હતી.
પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સની જાણીતી તથ્ય શોધતી વેબસાઇટ Snopes.com ના જણાવ્યા મુજબ આ વાર્તા તે દિવસના મુખ્ય અખબારોમાં મળી શકી નથી. વળી જેમણે લા ગાર્ડિયાના જીવન વિશે લખ્યું છે તેમણે પણ ક્યાંય આ સ્ટોરી વિશે લખ્યું નથી. આ ઘટનાની એકમાત્ર દસ્તાવેજી 1988 નું પુસ્તક શ્રેષ્ઠ ઉપદેશો છે. તેથી અમને એ સમજાતું નથી કે વાસ્તવિક વાર્તા શું છે?.
પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો એક 12 વર્ષના છોકરાનો છે કે જે 2011 માં અમેરિકાના ફ્લોરિડામાં તેના 2 વર્ષના ભાઈની હત્યા અને બીજા ભાઈ સાથે જાતીય શોષણ કરવા બદલ દોષિત સાબિત થયો હતો. આ ઘટના વિશે વધુ જાણવા માટે નીચેની લિંક પર ક્લિક કરો: Prosecutor Who Holds Record for Trying “Juveniles as Adults” Heads Trayvon Martin Investigation
2016 માં ઇટલીમાં આવી જ એક ઘટના બની હતી જ્યારે આ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે એ ઘટનામાં એક વ્યક્તિને ચોરી કરવા બદલ સજા વિના જ છોડી મૂકવામાં આવ્યો હતો. એક ગરીબ માણસને એક શોપિંગ મોલમાંથી ચીઝ અને સોસેજની ચોરી કરતા નિર્દોષ છોડવામાં આવ્યો. કોર્ટે ચુકાદો આપ્યો કે, ભૂખ સંતોષવા માટે વધુ ખર્ચ ન થાય તે ખોરાકની ચોરી કરવી ખોટું નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે 15 વર્ષના છોકરાની સ્ટોરી મૂકવામાં આવી છે એ અને પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ બંને વચ્ચે કોઈ જ સંબંધ નથી.
Title:ફ્લોરિડામાં 15 વર્ષના છોકરાએ એક સ્ટોરમાંથી બ્રેડ અને પનીરની ચોરી કરી હોવાના નામે ભ્રામક સ્ટોરી વાયરલ...
Fact Check By: Vikas VyasResult: False