
Ramesh JJ Patel નામના ફેસબુક યુઝર દ્વારા 2 ઓક્ટોમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આને કહેવાય નાટક મંડળી…!! એક દિવસ ડાબા હાથે પ્લાસટર અને બીજા દિવસે જમણા હાથે પ્લાસટર…!!???. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ તેમના હાથમાં ફ્રેક્ચર થયાનું નાટક કરી રહ્યા છે. તેમજ પોસ્ટમાં મૂકવામાં આવેલા એક ફોટોમાં ડાબા હાથે તો બીજા ફોટોમાં જમણા હાથે ફ્રેક્ચરનો પાટો જોઈ શકાય છે. આ પોસ્ટને 20 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી 4 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 29 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ખરેખર મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ હાથમાં ફ્રેક્ચર થયાનું નાટક કરી રહ્યા છે કે કેમ? એ જાણવા માટે સોપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને સર્ચ કરતાં અમને કોઈ ઠોસ પરિણામ પ્રાપ્ત થયા ન હતા. તેથી અમે ટ્વિટર પર સર્ચ કરતાં અમને શિવરાજસિંહ ચૌહાણના Office of Shivraj નામના એક ઓફિશિયલ ટ્વિટર પર 30 સપ્ટેમ્બર, 2019 ના રોજ કરવામાં આવેલી એક વીડિયો ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, શિવરાજસિંહ ચૌહાણના જમણા હાથમાં ફ્રેક્ચરનો પાટો બાંધેલો છે અને તેઓ ભાષણ કરી રહ્યા છે. એ પરથી એ તો સ્પષ્ટ થઈ જાય છે કે, તેમના જમણા હાથમાં ફ્રેક્ચર થયું છે. પોસ્ટમાં પણ જમણા હાથમાં ફ્રેક્ચરનો ફોટો સાચો છે.
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના જમણા હાથમાં ફ્રેક્ચર હોવાના પુરાવા અંગેની અન્ય કેટલીક ટ્વિટ તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા શિવરાજસિંહના ડાબા હાથમાં ફ્રેક્ચરવાળા ફોટોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, આ ફોટોને મિરર ઈમેજ અથવા તેને ફ્લિપ કરીને સોશિયલ મીડિયા પર ખોટા દાવા સાથે મૂકવામાં આવ્યો છે. કેમ કે તમે ઓરિજનલ ફોટો અને મિરર ઈમેજ વચ્ચેનો તફાવત નીચે જોઈ શકો છો.

આ બંને ફોટોમાં તમે જોઈ શકો છો કે, શિવરાજસિંહના જમણા હાથમાં ફ્રેક્ચર છે જે બીજા ફોટોમાં ડાબા હાથમાં દેખાય છે. ત્યાર બાદ શિવરાજસિંહ તેમજ તેમની બાજુમાં જે પીળા શર્ટવાળો વ્યક્તિ દેખાય છે તેમના બટન જમણી બાજુ હોવા જોઈએ એ બીજા ફોટોમાં ડાબી બાજુ પર દેખાય છે. આ ઉપરાંત શિવરાજસિંહના સિક્યોરિટીના હાથ પર પહેરેલી ઘડિયાળ પણ ડાબા હાથે હોવી જોઈએ જે જમણા હાથે પહેરેલી તમે બીજા ફોટોમાં જોઈ શકો છો.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શિવરાજસિંહ ચૌહાણને જમણા હાથમાં ફ્રેક્ચર થયું છે પરંતુ પોસ્ટમાં તે ફોટોને મિરર ઈમેજ કે પછી ફ્લિપ કરીને મૂકવામાં આવ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને જમણા હાથમાં ફ્રેક્ચર થયું છે પરંતુ પોસ્ટમાં તે ફોટોને મિરર ઈમેજ કે પછી ફ્લિપ કરીને લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે મૂકવામાં આવ્યો છે.
છબીઓ સૌજન્ય :ગુગલ

Title:શું ખરેખર શિવરાજસિંહ ચૌહાણ હાથમાં ફ્રેક્ચર થયાનું કરી રહ્યા છે નાટક…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
