
ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના ફેસબુક પેજ દ્વારા 21 ઓક્ટોમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હાલોપ 2000 ની નોટ બંધ થાય સે.. Via-WA… બસ આ જ કરો.. જનતા ને કામ માં જ રાખજો નવરા થવા જ ન દેતા… આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, 2000 ની નોટ બંધ થાય છે. આ પોસ્ટને 92 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 3 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 33 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા 2000 ની નોટ બંધ થવાની છે તે દાવાની સત્યતા તપાસવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ 2000 નોટ બંધ સર્ચ કરતાં મળેલા પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ ઠોસ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી તપાસ આગળ વધારી હતી.
ત્યાર બાદ અમે RBI ની ઓફિશિયલ વેબસાઈટ તેમજ ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની માહિતી શોધવાની કોશિશ કરી હતી પરંતુ ત્યાં પણ અમને 2000 ની નોટ બંધ થવા અંગેની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
અમારી વધુ તપાસમાં એબીપી ન્યૂઝ દ્વારા 20 ઓગષ્ટ, 2019 ના રોજ એક સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ 2000 ની નોટ બંધ થઈ જશે એ એક અફવા માત્ર છે એવું સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું છે. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.
અમારા સંશોધનને વધુ મજબૂત બનાવવા માટે RBI ના અધિકારી સાથે આ અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “2000 રૂપિયાની નોટ બંધ થવાની માહિતી એક અફવા માત્ર છે. આ પહેલાં પણ આ પ્રકારની અફવા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. હજુ સુધી 2000 ની નોટ બંધ થવાની માહિતી અંગે RBI દ્વારા કોઈ પરિપત્ર બહાર પાડવામાં નથી આવ્યો કે કોઈ નિર્ણય પણ લેવામાં આવ્યો નથી.”
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ 2000 રૂપિયાની નોટ બંધ થવાની માહિતી એક અફવા માત્ર છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, RBI ના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “2000 ની નોટ બંધ થવાની માહિતી એક અફવા છે. હજુ સુધી RBI દ્વારા આ પ્રકારનો કોઈ પરિપત્ર બહાર પાડવામાં નથી આવ્યો કે કોઈ નિર્ણય પણ લેવામાં આવ્યો નથી.”
છબીઓ સૌજન્ય : ગુગલ

Title:શું ખરેખર 2000 ની નોટ બંધ થવાની છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
