
હાલમાં એક મેસેજ સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ આ તમામ ક્રમમાં વોટસએપ અને ફેસબુક પર “PM મોદીની જાહેરાત” સાથે એક મેસેજ ફેલાવવામાં આવી રહ્યો છે. ફોરવર્ડ મેસેજ મુજબ “ચાઈલ્ડલાઈન ઈન્ડિયા ફાઉન્ડેશન નામની સંસ્થા દ્વારા એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે, જે ઇવેન્ટ કે ફંકશનમાં વધેલું જમવાનું એકત્રિત કરી ગરીબ બાળકોને ખવડાવે છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો મેસેજ તદ્દન ખોટો અને ભ્રામક છે. ચાઈલ્ડલાઇન નામની સંસ્થા બાળકો માટે અન્ય પ્રકારે મદદ કરે છે. આ સંસ્થા દ્વારા દેશભરમાં મુશ્કેલીમાં ફસાયેલા કે ખોવાયેલા બાળકોને મદદ કરવામાં આવે છે. જમવાનું એકત્ર કરવાનું કામ આ સંસ્થા કરતી નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Dhaval Tailor નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 ડિસેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ચાઈલ્ડલાઈન ઈન્ડિયા ફાઉન્ડેશન નામની સંસ્થા દ્વારા એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે, જે ઇવેન્ટ કે ફંકશનમાં વધેલું જમવાનું એકત્રિત કરી ગરીબ બાળકોને ખવડાવે છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, 1098એ ચાઈલ્ડલાઈન ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલ હેલ્પલાઇન નંબર છે. આ એક એવી સંસ્થા છે, જે મુશ્કેલીમાં રહેલા ખોવાયેલા કે ભટકાયેલા બાળકો માટે 24 કલાક મદદ પુરી પાડે છે.

તેમજ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને ચાઈલ્ડલાઈન ઈન્ડિયા ફાઉન્ડેશન વિશે વધુ સર્ચ કરતા Business Standard દ્વારા જુલાઈ 2018માં પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ પ્રાપ્ત થયો હતો. આ અહેવાલ અનુસાર, “ચાઈલ્ડલાઈન સંસ્થા ભારતમાં મુશ્કેલીમાં ફસાયેલા બાળકોને મદદ પુરી પાડે છે. સંસ્થા દ્વારા સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યું કે તેઓ કોઈપણ પાર્ટી કે ફંક્શન માંથી જમવાનું એકત્રિત કરવાનું કામ કરતા નથી.”

ચાઈલ્ડ લાઈન ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા વાયરલ મેસેજ અંગે તેમની વેબસાઈટ પર પણ ચેતવણી આપતો મેસેજ પણ મુકવામાં આવ્યો હતો. જેમાં તેઓએ જણાવ્યુ હતુ કે, “ઇવેન્ટ અને ફંક્શન માંથી જમવાનું એકત્રિત કરવાનો દાવા ખોટો છે, તેમજ તેઓ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું, કે સંસ્થા મુશ્કેલીમાં ફસાયેલા બાળકોની સંભાળ રાખે છે. સંસ્થા કોઈપણ પ્રકારના જમવાનું એકત્રિત કરવાનું કામ કરતી નથી, વાયરલ મેસેજ ચાઇલ્ડ લાઇન દ્વારા કરવામાં આવેલ નથી.”

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો મેસેજ તદ્દન ખોટો અને ભ્રામક છે. ચાઈલ્ડલાઇન નામની સંસ્થા બાળકો માટે અન્ય પ્રકારે મદદ કરે છે. આ સંસ્થા દ્વારા દેશભરમાં મુશ્કેલીમાં ફસાયેલા કે ખોવાયેલા બાળકોને મદદ કરવામાં આવે છે. જમવાનું એકત્ર કરવાનું કામ આ સંસ્થા કરતી નથી.

Title:શું ખરેખર 1098 પર ફોન કરવાથી તે ફંકશનમાં વધેલુ જમવાનું લઈ જાય છે…?
Fact Check By: Yogesh KariaResult: False
