
ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને પરિણામ 10 માર્ચે આવશે. દરમિયાન પરિણામ આવે તે પહેલા જ ઈવીએમ કૌભાંડનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ જ વચ્ચે માં ઈવીએમ બદલવાનું મોટું ષડયંત્ર પકડવામાં આવ્યું હોવાનો આરોપ લગાવતા સોશિયલ મિડિયામાં એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં કેટલાક લોકો EVM ટ્રક પર ચઢીને ઈવીએમ કૌભાંડ હોવાનો દાવો કરતા જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઉત્તર પ્રદેશમાં ચુંટણીમાં વપરાયેલા ઈવીએમનું કૌભાંડ સમાજવાદી પાર્ટી દ્વારા પકડવામાં આવ્યુ.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, વારાણસીમાં ઈવીએમ કૌભાંડનો દાવો ખોટો છે. ECI અને વારાણસી ડીએમ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ચૂંટણીમાં વપરાયેલા ઈવીએમ સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી. મતગણતરી કર્મચારીઓને આપવામાં આવેલી તાલીમને ઈવીએમ કૌભાંડ ગણાવીને અફવાઓ ફેલાવવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Dhaval Purohit નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 09 માર્ચ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ઉત્તર પ્રદેશમાં ચુંટણીમાં વપરાયેલા ઈવીએમનું કૌભાંડ સમાજવાદી પાર્ટી દ્વારા પકડવામાં આવ્યુ.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
સૌપ્રથમ અમે કીવર્ડ સાથે સર્ચ કરતા અમને 8મી માર્ચે આજતક પર પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે સમાચાર અનુસાર, વાયરલ વિડિયોને લઈને સપા પ્રમુખ અખિલેશ યાદવે આરોપો લગાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે, વારાણસીમાં EVM ભરેલા વાહનો પકડાયા છે. પરિણામ આવે તે પહેલા જ ઈવીએમ કૌભાંડ શરૂ થઈ ગયું છે.
અખિલેશ યાદવના આરોપનો જવાબ આપતા વારાણસી ડીએમએ કહ્યું કે, આ ઈવીએમને ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી. આ ઈવીએમનો ઉપયોગ કાઉન્ટિંગ કર્મચારીઓને આપવામાં આવનારી તાલીમમાં કરવાનો હતો.
ઈવીએમ અંગેની પ્રેસ રિલીઝ ભારતના ચૂંટણી પંચ (ઈસીઆઈ) દ્વારા 8 માર્ચે એક ટ્વિટમાં જારી કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, બિનઉપયોગી ઈવીએમને ઈવીએમ ગોડાઉનમાંથી યુપી કોલેજમાં તાલીમ માટે લઈ જવામાં આવી રહ્યા છે. જેનો ઉપયોગ 9 માર્ચે કોલેજમાં કાઉન્ટિંગ કર્મચારીઓને આપવામાં આવેલી તાલીમમાં કરવામાં આવ્યો હશે.
રસ્તામાં લોકોએ વાહન રોકીને અફવા ફેલાવી કે ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ થયો છે. 9 માર્ચે, ગણતરીની ફરજમાં રોકાયેલા કર્મચારીઓની બીજી તાલીમ છે અને આ મશીનોનો ઉપયોગ હંમેશા તાલીમ માટે થાય છે.
ચૂંટણીમાં જે ઈવીએમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે તમામ સીઆરપીએફના કબજામાં આવેલા સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવ્યા છે અને સીસીટીવીની દેખરેખ હેઠળ છે. જેના પર તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.
ANI દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં વારાણસી ડીએમએ આ ઘટના અંગે સ્પષ્ટતા કરી અને કહ્યું કે વાહનમાં જે ઈવીએમ લઈ જવામાં આવ્યા હતા તે તાલીમ માટે હતા.
તેમજ અમે અમારી પડતાલને મજબૂત કરવા વારાણસીના ડીએમનો સંપર્ક કર્યો. તેમણે અમને સ્પષ્ટતા કરી કે ઈવીએમ સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી. આ સમાચાર ખોટા છે.
આ મામલે અમે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી રણવિજય સિંહ સાથે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યું કે, “ડીએમ સાહેબે આ સમાચારને નકારી કાઢ્યા છે. આજે ઉદય પ્રતાપ ડિગ્રી કોલેજમાં ગણતરીના કર્મચારીઓની તાલીમ આપવામાં આવી છે. આ માટે તે ઈવીએમને બહાર કાઢવામાં આવ્યા હતા તે તાલીમ અને જાગૃતિનું ઈવીએમ હતુ. આ ઈવીએમ અલગ રૂમમાં છે. તેમજ ચૂંટણીમાં ઈવીએમ સાથે તેમનો કોઈ સંપર્ક નથી. ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતા EVMને સ્ટ્રોંગ રૂમમાં CRPFની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. વાયરલ થઈ રહેલા સમાચાર ખોટા છે. ચૂંટણી ઈવીએમ સાથે છેડછાડ કરવામાં આવી નથી.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, “વારાણસીમાં ઈવીએમ કૌભાંડનો દાવો ખોટો છે. ECI અને વારાણસી ડીએમ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ચૂંટણીમાં વપરાયેલા ઈવીએમ સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી. મતગણતરી કર્મચારીઓને આપવામાં આવેલી તાલીમને ઈવીએમ કૌભાંડ ગણાવીને અફવાઓ ફેલાવવામાં આવી રહી છે.”

Title:યુપીમાં EVM કૌભાંડનો વિડિયો ભ્રામક; ચૂંટણી પંચે જણાવ્યું કે મશીનોને તાલીમ માટે લઈ જવામાં આવી રહ્યા હતા…
Fact Check By: Yogesh KariaResult: False
