
છેલ્લા ત્રણ ચાર દિવસમાં ગુજરાતના રાજકારણમાં ભારે ચડાવ ઉતાર જોવા મળ્યા હતા. 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપી દિધુ અને ગુજરાતને તેના 17માં મુખ્યમંત્રી રૂપમાં ભૂપેન્દ્ર પટેલ પ્રાપ્ત થયા હતા.
આ વચ્ચે પૂર્વમુખ્યમંત્રી વિજય રૂપાણીનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં વિજય રૂપાણી તેમની કાર પર લાગેલી લાલલાઈટ દૂર કરી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વિજય રૂપાણી દ્વારા મુખ્યમંત્રીનો હોદો છોડ્યા બાદ તેમની કાર પરથી લાલ લાઈટ હટાવી લીધી.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો વર્ષ 2017નો છે. હાલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજીનામું આપ્યા બાદ લાલ લાઈટ હટાવી લીધી હોવાની વાત તદ્દન ખોટી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
DK7 News નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 સપ્ટેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વિજય રૂપાણી દ્વારા મુખ્યમંત્રીનો હોદો છોડ્યા બાદ તેમની કાર પરથી લાલ લાઈટ હટાવી લીધી.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને દેશગુજરાતની યુટ્યુબ ચેનલ પર આ વિડિયો 30 એપ્રિલ 2017ના પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા તેમની કાર પરથી લાલલાઈટ દૂર કરી હતી.”
તેમજ આ વિડિયો સાથે વધુ માહિતી આપવામાં આવી હતી કે, “કેન્દ્ર સરકારમાં વડાપ્રધાન સહિતના મંત્રીઓ અને હોદેદારોને ફાળવાયેલી કાર પરથી લાલબત્તી ઉતારવાનો નિર્ણય કર્યો હતો અને જે નિયમને ગુજરાતમાં અમલ કરવાની જાહેરાત નાયબ મુખ્યમંત્રી નિતિલ પટેલએ કરી હતી. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પોતાના હાથે જ કારની લાલ બત્તી ઉતારી હતી.”
તેમજ વધુ સર્ચ કરતા અમને ફાઈન્સિયલ એક્સપ્રેસનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “કેન્દ્ર સરકાર દ્વારા VVIP ગાડીઓ પરથી લાલ બત્તી હટાવવાના આદેશ બાદ આ નિયમનું પાલન કરતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના હાથે ગાડી પર લાગેલી લાલ બત્તી ઉતારી લીધી હતી.”

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો વર્ષ 2017નો છે. હાલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજીનામું આપ્યા બાદ લાલ લાઈટ હટાવી લીધી હોવાની વાત તદ્દન ખોટી છે.

Title:પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના વિડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો…
Fact Check By: Yogesh KariaResult: False
