
1 સપ્ટેમ્બરથી તમિલનાડુમાં 9 થી 12 ધોરણ સુધીની શાળાઓ ફરી ખોલવામાં આવી હતી. તેમજ તમિલનાડુના સીએમ એમ કે સ્ટાલિને જાહેરાત કરી છે કે 1 નવેમ્બર 2021 થી, ધોરણ 1 થી આઠમા ધોરણ સુધીની શાળાઓ સૂચના મુજબ ફરી એકવાર ખોલવામાં આવશે. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં એક શિક્ષક દ્વારા વિદ્યાર્થીને બેરહેમી પૂર્વક મારમારવામાં આવી રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જે શિક્ષક મારમારી રહ્યા છે તે ખ્રિસ્તી છે અને તેને વિદ્યાર્થીને એટલા માટે માર માર્યો કારણ કે તેને રૂદ્રાક્ષની માળા પહેરી હતી.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો દાવો ખોટો છે. કારણ કે, વિદ્યાર્થીએ રૂદ્રાક્ષની માળા પહેરી હોવાથી નહિં પરંતુ વારંવાર ક્લાસ બંક કરવાના કારણે શિક્ષક દ્વારા તેમને માર મારવામાં આવ્યો હતો.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Jiten Davda નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ઓક્ટોબર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જે શિક્ષક મારમારી રહ્યા છે તે ખ્રિસ્તી છે અને તેને વિદ્યાર્થીને એટલા માટે માર માર્યો કારણ કે તેને રૂદ્રાક્ષની માળા પહેરી હતી.”
FACT CHECK
સૌપ્રથમ તો અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી આવી ક્યાંથી તે તપાસણી શરૂ કરતા અમને જાણવા મળ્યુ કે, સુદર્શન ન્યુઝ દ્વારા આ વિડિયો શેર કરીને આ માહિતી શેર કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ અમે આ અંગે અમે ગૂગલ પર સર્ચ કરતા અમને બીબીસી દ્વારા 15 ઓક્ટોબર 2021ના પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અનુસાર, “તામિલનાડુના કુડ્ડાલોર જિલ્લામાં ચિદમ્બરમ ખાતે એક શિક્ષક દ્વારા બારમા ધોરણના વિદ્યાર્થીની નિર્દયતાથી મારપીટનો કિસ્સો સામે આવ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો ચિદમ્બરમ નંદનાર બોયઝ હાઈસ્કૂલનો છે. વાસ્તવમાં વિદ્યાર્થી ક્લાસ બંક કરી રહ્યો હતો, જેના કારણે ભૌતિકશાસ્ત્રના શિક્ષકે તેને લાકડીઓ અને લાતોથી નિર્દયતાથી માર માર્યો હતો.”
તેમજ વધુ સર્ચ કરતા અમને ANI દ્વારા પ્રકાશિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “વિડિયો રેકોર્ડના આધારે શિક્ષક સામે કેસ નોંધવામાં આવ્યો છે. શાળાના શિક્ષક સામે SC/ST અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેમને રિમાન્ડ માટે મોકલવામાં આવ્યો છે. પિડિત વિદ્યાર્થીને ચિદમ્બરમની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાના જવાબમાં વિદ્યાર્થીના પિતાએ તમામ શિક્ષકોને પણ વિદ્યાર્થીઓને નુકસાન ન પહોંચાડવા અપીલ કરી હતી.”
તેમજ અમને ચેંગલપટ્ટુ જિલ્લા એસપી વિજય કુમારનું એક ટ્વિટ મળ્યુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “સોશિયલ મિડિયા પર વાયરલ થતા વિડિયો સાથે કરવામાં આવતો દાવો ખોટો છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો દાવો ખોટો છે. કારણ કે, વિદ્યાર્થીએ રૂદ્રાક્ષની માળા પહેરી હોવાથી નહિં પરંતુ વારંવાર ક્લાસ બંક કરવાના કારણે શિક્ષક દ્વારા તેમને માર મારવામાં આવ્યો હતો.

Title:શું ખ્રિસ્તી શિક્ષકે તમિલનાડુમાં રુદ્રાક્ષની માળા પહેરવા બદલ એક વિદ્યાર્થીને માર માર્યો હતો…?
Fact Check By: Yogesh KariaResult: False
