શું ખરેખર આસની તોફાનને કારણે શ્રીકાકુલમના સમુદ્રમાં ‘સોનાનો રથ’ તણાઈને આવ્યો…? જાણો શું છે સત્ય….

Missing Context સામાજિક I Social

તાજેતરમાં ચક્રવાત “આસાની” દેશના પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, પુડુચેરી અને આસપાસના રાજ્યોમાં ત્રાટક્યું હતું. જેના કારણે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આસની તોફાનને કારણે શ્રીકાકુલમ ખાતે સમુદ્રના પાણીમાં ‘સોનાનો રથ’ તણાઈ આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, આસની તોફાનને કારણે શ્રીકાકુલમ ખાતે સમુદ્રના પાણીમાં તણાઈ આવેલો રથ સોનાનો નહીં પરંતુ તેના પર સોનાનો કલર કરેલો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

NavGujarat Samay નામના ફેસબુક યુઝર દ્વારા 12 મે, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આંધ્રપ્રદેશમાં Asani વાવાઝોડાના કારણે દરિયામાં સોનાનો રથ તરીને આવ્યો સ્થાનિક પોલીસે ઈન્ટેલિજન્સ ટીમ સાથે તપાસ હાથ ધરી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આસની તોફાનને કારણે શ્રીકાકુલમ ખાતે સમુદ્રના પાણીમાં ‘સોનાનો રથ’ તણાઈ આવ્યો તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો યુટ્યુબ પર જુદા-જુદા કીવર્ડનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર 12 મે, 2022 ના રોજ TV9 Bharatvarsh દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આંધ્રપ્રદેશના એક ગામમાં સમુદ્રી તોફાનને કારણે સોનાના કલરનો એક રથ વહેતો આવી રહ્યો હોવાનું જોવા મળ્યું હતું. આ રથને સૌપ્રથમ દરિયાકિનારા પરના માછીમારોએ જોયો હતો.

Archive

અમારી વધુ તપાસમાં અમને 12 મે, 2022 ના રોજ DNA વેબસાઈટ પર પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના સુનાપલ્લી બીચ પર એક સોનાના રંગનો રથ સમુદ્રના મોજામાં તણાઈ આવ્યો છે. નૌપાડા પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, કદાચ આ રથ કોઈ અન્ય દેશમાંથી આવ્યો છે. તેથી જ ગુપ્તચર અને ઉચ્ચ અધિકારીઓ તેની તપાસ કરી રહ્યા છે.

ઉપરોક્ત તપાસમાં એવું કોઈ જગ્યાએ બતાવવામાં નથી આવ્યું કે, આ રથ સોનાનો બનેલો છે.

આ વિશે વધુ માહિતી મેળવવા માટે અમે ગુગલ પર કીવર્ડ સર્ચ કરતાં અમને 12 મે, 2022 ના રોજ પ્રકાશિત ધ હિંદુમાં પ્રસારિત કરવામાં આવેલો એક લેખ પ્રાપ્ત થયો હતો. જેમાં એવું જણાવવામાં આવ્યું છે કે, શ્રીકાકુલમના મરીન પોલીસ વિંગ સર્કલ ઈન્સ્પેક્ટર જી. ડેમુલ્લુએ પુષ્ટિ કરી છે કે, આ રથ મ્યાનમારથી આવ્યો છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, તે રથને માત્ર સોનાથી રંગવામાં આવ્યો છે પણ સોનાથી બનેલો નથી.

ત્યારબાદ ફેક્ટ ક્રેસેન્ડોએ શ્રીકાકુલમ સ્થિત નૌપાડાના સ્ટેશન ઈન્ચાર્જનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, વાયરલ થઈ રહેલો દાવો ખોટો છે. આ રથ ચોક્કસપણે સોના જેવા રંગનો છે પણ સોનાનો નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, આસની તોફાનને કારણે શ્રીકાકુલમ ખાતે સમુદ્રના પાણીમાં તમાઈ આવેલો રથ સોનાનો નહીં પરંતુ તેના પર સોનાનો કલર કરેલો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર આસની તોફાનને કારણે શ્રીકાકુલમના સમુદ્રમાં ‘સોનાનો રથ’ તણાઈને આવ્યો…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: Missing Context