શું ખરેખર હાલમાં પણ રાજકોટની ખોડિયાર ગૌશાળામાં ગાયો ભૂખમાં દિવસો કાઢી રહી છે..?જાણો શું છે સત્ય.....
Raksha Shah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. "રાજકોટ ની ભાગોળે *કોઠારિયા રોડ* ઉપર *લાપાસરી* ગામ પાસે *ખોડિયાર ગૌ શાળા* આવેલી છે. આ ગાયોને ખાવા માટે *ચારો કે પાણીની* કોઈ વ્યવસ્થા અત્યારે આ લોકો પાસે નથી. *ગાયો ભુખમા દિવસો કાઢી રહી છે.* તો જે કોઈ સેવાભાવી સંસ્થા, સેવાભાવી ટ્રસ્ટ કે કોઈ પણ દાતા ને આ *ગૌવંશ ની મદદ કરવા હાથ જોડી વિનંતી કરવામાં આવે છે*. મદદ કરવા ઈચ્છતી સંસ્થા કે વ્યક્તિ ચાહે તો સ્થળ ઉપર જઈ આ લોકોની મુલાકાત કરી શકે છે. મદદ કરવા ઈચ્છતી વ્યક્તિ કે સંસ્થા પણ પોતે જ સીધી સ્થળ પર મદદ પહોંચાડી શકે છે. *આ મેસેજ આગળ ના મોકલે તેને ગૌ હત્યા કર્યા જેટલું પાપ લાગશે." લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 5 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, "રાજકોટના કોઠારિયા રોડ પર આવેલા લાપાસરી ગામમાં આવેલી ખોડિયાર ગૌશાળામાં ગાયો ભૂખમાં દિવસો કાઢી રહી છે. અને તેમના માટે ચારો કે પાણીની કોઈ વ્યવસ્થા નથી."
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. ગુજરાતમાં આ વર્ષે તો ખૂબ સારો વરસાદ પડ્યો છે. જો આટલા સારા વરસાદ બાદ પણ જો આ પ્રકારે સ્થિતિ સર્જાઈ હોય તો તમામ સ્થાનિક મિડિયા દ્વારા તેની નોંધ લેવામાં આવી જ હોય તેથી અમે ગૂગલ પર "રાજકોટની ખોડિયાર ગૌશાળામાં ગાયોની દયનીય હાલત" લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની હક્કીત જાણવા મળી ન હતી. દરમિયાન અમને આજ થી એક વર્ષ પહેલા આ જ મેસેજ સોશિયલ મિડિયા પર વાયરલ થયો હોવાનું જાણવા મળ્યુ હતુ. અનિલ ખુંટ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 ઓક્ટોબર 2018ના આ જ મેસેજ શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત પરિણામો પરથી એ તો સાબિત થાય છે કે, આ મેસેજ હાલ તો નથી એક વર્ષ પહેલાનો છે. તેથી અમારી પડતાલને વધૂ મજબૂત કરવા અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા નંબર પૈકી વિજયભાઈ સાથે વાત કરી હતી અને હાલની સ્થિતી અંગે પૂછતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, "આ મેસેજ તો ઘણા સમય પહેલાનો છે. હાલમાં પૂરતી વ્યવસ્થા છે. ચારો રાખવા માટે એક ગોડાઉન પણ બનાવવામાં આવ્યુ છે. જો કે, કોઈપણ સેવાભાવી સંસ્થા સ્વૈછિક સેવા આપી શકે છે."
વધૂમાં તેમણે જણાવ્યુ હતુ કે, "હાલ તેમની ગૌશાળામાં 550 ગાયો છે. અને તેમને પૂરતા પ્રમાણમાં ઘાસચારો આપવામાં આવી રહ્યો છે. તેમણે તેમની પૃષ્ટી કરતા વિડિયો પણ અમને મોકલ્યા હતા જે તમે નીચે જોઈ શકો છો."
ત્યારબાદ અમે સ્થાનિક લોકોનો સંપર્ક સાધ્યો હતો અને રાજેશભાઈ નામના વ્યક્તિએ અમને જણાવ્યુ હતુ કે, "ગત વર્ષે આ ગૌશાળામાં પાણી અને ઘાસચારાની તકલીફ પડી હતી. પરંતુ હાલમાં અહિંયા પૂરતા પ્રમાણમાં ઘાસચારો અને પાણી જોવા મળે છે."
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો મેસેજ એક વર્ષ પહેલાનો છે. હાલમાં ગાયોને ખાવા માટે ચારો અને પાણીની સગવડ ન હોવાની વાત તદન ખોટી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો મેસેજ એક વર્ષ પહેલાનો છે. હાલમાં ગાયોને ખાવા માટે ચારો અને પાણીની સગવડ ન હોવાની વાત તદન ખોટી છે.
Title:શું ખરેખર હાલમાં પણ રાજકોટની ખોડિયાર ગૌશાળામાં ગાયો ભૂખમાં દિવસો કાઢી રહી છે..?જાણો શું છે સત્ય....
Fact Check By: Yogesh KariaResult: False