
તાજેતરમાં સોશિયલ મીડિયા પર અયોધ્યા રામ મંદિરની ભગવાન રામની મૂર્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અયોધ્યા ખાતે રામ મંદિરમાં જે મૂર્તિ મૂકવામાં આવી છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં અયોધ્યા ખાતે રામ મંદિરમાં જે મૂર્તિ મૂકવામાં આવી તેનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ઓરિજીનલ નહીં પરંતુ સોફટવેરની મદદથી બનાવવામાં આવેલો એક એડિટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 25 જાન્યુઆરી, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, પ્રાણ પ્રતિષ્ઠા બાદ મૂર્તિ બોલવા લાગી.
“જય શ્રી રામ”. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અયોધ્યા ખાતે રામ મંદિરમાં જે મૂર્તિ મૂકવામાં આવી છે તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને માય હેરિટેજ નામની એક વેબસાઈટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વેબસાઈટ પર એક એવું ટુલ છે જ્યાં ફોટો અપલોડ કરવામાં આવે ત્યાર બાદ તેમાં તમે અલગ-અલગ રીતે હલનચલન બનાવી શકો છો.
પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાઈ રહેલી મૂર્તિ આંખો હલાવવી, માથુ હલાવવું તેમજ ચહેરા પર મુસ્કાન જેવી સ્થિતિને કારણે એ જીવિત હોય એવું લાગી રહ્યું છે.
ગ્લોબલ ન્યૂઝ દ્વારા 4 માર્ચ, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક અહેવાલમાં એવી માહિતી આપવામાં આવી છે કે, માય હેરીટેજ એક AI ટેકનિક છે જે કોઈ પણ ફોટોને એનિમેશન દ્વારા તેને જીવિત કરી શકે છે. આ તકનીકના માધ્યમથી કોઈ પ્રિયજન, પૂર્વજ અથવા કોઈ પણ ઐતિહાસિક વ્યક્તિની તસવીરો જીવંત સ્વરૂપે વીડિયો પર બતાવી શકાય છે.
હવે એ પણ જાણવું જરુરી હતું કે, વાયરલ વીડિયો કઈ રીતે બનાવવામાં આવ્યો?
ઉપરોક્ત વીડિયોની તપાસ માટે ફેક્ટ ક્રેસેન્ડો દ્વારા માય હેરીટેજ વેબસાઈટ પર શ્રી રામનો ફોટો અપલોડ કરીને આ સંપૂર્ણ પ્રોસેસ બનાવવામાં આવી અને તેનો એખ વીડિયો પણ અમારી દ્વારા બનાવવામાં આવ્યો.
નીચે મૂકવામાં આવેલા વીડિયો પરથી તમને એ સ્પષ્ટ સમજાઈ જશે કે, માય હેરીટેજ વેબસાઈટ પર બનાવવામાં આવેલો વીડિયો અને વાયરલ થઈ રહેલો વીડિયો બંને એક જ છે.
શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા
ડીડી નેશનલે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું જીવંત પ્રસારણ કર્યું હતું. એમાં ક્યાંય ફરતી આંખો સાથે હસતી રામની પ્રતિમા દેખાતી નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અયોધ્યા ખાતે રામ મંદિરમાં જે મૂર્તિ મૂકવામાં આવી તેનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ઓરિજીનલ નહીં પરંતુ સોફટવેરની મદદથી બનાવવામાં આવેલો એક એડિટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:જાણો અયોધ્યા રામ મંદિર ખાતે મંદિરમાં સ્થાપિત શ્રી રામ ભગવાનની હલનચલન કરી રહેલી મૂર્તિના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….
Written By: Vikas VyasResult: Altered
