તાજેતરમાં સોશિયલ મીડિયા પર પૈસા ભરેલી દાનપેટીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અયોધ્યા ખાતે રામ મંદિરમાં પહેલા જ દિવસે 3 કરોડ 17 લાખ રુપિયાનું દાન આવ્યું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં પૈસા ભરેલી દાનપેટીનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે એ અયોધ્યા રામ મંદિરનો નહીં પરંતુ રાજસ્થાનના ચિત્તોડગઢ ખાતે આવેલા સાવલિયા શેઠ મંદિરની દાનપેટીમાં આવેલા દાનનો છે. આ વીડિયોને રામ મંદિર કે તાજેતરની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 25 જાન્યુઆરી, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, અયોધ્યા શ્રી: પહેલા જ દિવસે શ્રી રામના ચરણોમાં 3 કરોડ 17 લાખ રૂપિયા ની સખાવત આપણો દેશ આપણી મુદ્રા આપણી અર્થવ્યવસ્થા…. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અયોધ્યા ખાતે રામ મંદિરમાં પહેલા જ દિવસે 3 કરોડ 17 લાખ રુપિયાનું દાન આવ્યું તેનો વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વાયરલ વીડિયોને ધ્યાનથી જોતાં અમને આ વીડિયોમાં મંદિર ખાતે બિરાજમાન ભગવાનને જોઈ શકાય છે. જે અયોધ્યા ખાતે મૂકવામાં આવેલી ભગવાન રામજીની મૂર્તિ જેવા નથી.

ત્યાર બાદ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ મંદિરનો વીડિયો 29 ડિસેમ્બર, 2020 ના રોજ એક ફેસબુક યુઝર દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો રાજસ્થાનના ચિત્તોડગઢ ખાતે આવેલા સાવલિયા શેઠ મંદિરનો છે.

અમારી વધુ તપાસમાં અમને એવું જાણવા મળ્યું કે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો કોઈ વ્યક્તિ દ્વારા શૂટ કરવામાં આવ્યો છે. વાયરલ વીડિયોમાં જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એવા ઘણા બધા વીડિયો અને ફોટા ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. કેટલાક મહિના પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાવલિયા શેઠ મંદિરની મુલાકાત લીધી હતી. જેનો વીડિયો તમે તેમના સત્તાવાર યુટ્યુબ પર જોઈ શકો છો.

સાવલિયા શેઠ મંદિરની ઘણી બધી માહિતી અને ફોટા તમે તેની સત્તાવાર વેબસાઈટ પર પણ જોઈ શકો છો.

આ ઉપરાંત સાંવલિયા શેઠ મંદિરના ઈન્સ્ટાગ્રામ પેજ પર પણ તમે કેટલાક વીડિયો જોઈ શકો છો.

ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, અયોધ્યા ખાતે બનેલા રામ મંદિર અને વાયરલ વીડિયોમાં દેખાઈ રહેલા દ્રશ્યો અલગ જ છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પૈસા ભરેલી દાનપેટીનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે એ અયોધ્યા રામ મંદિરનો નહીં પરંતુ રાજસ્થાનના ચિત્તોડગઢ ખાતે આવેલા સાવલિયા શેઠ મંદિરની દાનપેટીમાં આવેલા દાનનો છે. આ વીડિયોને રામ મંદિર કે તાજેતરની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:જાણો અયોધ્યા રામ મંદિર ખાતે આવેલા દાનના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય....

Written By: Vikas Vyas

Result: False