તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો સાથેની હેડલાઈનવાળો ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ સમાચારપત્રનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ સમાચારપત્ર દ્વારા આજે આ પ્રકારની હેડલાઈન સાથેના સમાચાર છાપવામાં આવ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ સમાચારપત્રની હેડલાઈન સાથેનો જે ફોટો મૂકવામાં આવ્યો છે તેને એડિટ કરવામાં આવ્યો છે. આ ફોટો સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Mahesh Mehta નામના ફેસબુક યુઝર દ્વારા 22 જૂન, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, "ધી ન્યુયોર્ક ટાઈમ્સ " (અમેરિકા) આ રીતે આજે હેડલાઇન છાપી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ સમાચારપત્ર દ્વારા આજે આ પ્રકારની હેડલાઈન સાથેના સમાચાર છાપવામાં આવ્યા છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે વાયરલ ફોટોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, આ ફોટોમાં ઉપર 26 સપ્ટેમ્બર, 2021 તારીખ લખેલી છે. જેમાં સપ્ટેમ્બરનો સ્પેલિંગ પણ SETPEMBER લખેલું છે. ત્યાર બાદ અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ ની 26 સપ્ટેમ્બર, 2021 ના રોજની આવૃત્તિ પ્રાપ્ત થઈ હતી. જેમાં ક્યાંય પણ મોદીનો ફોટો અને આ પ્રકારનું લખાણ હોય એવા કોઈ જ સમાચાર અમને જોવા મળ્યા નહતા.

ત્યાર બાદ અમે જ્યારે આ પોસ્ટ ફેસબુક પર કરવામાં આવી એ દિવસ એટલે કે, 22 જૂન, 2023 ના રોજનું ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ જોતાં ત્યાં પણ અમને આ પ્રકારે કોઈ જ નરેન્દ્ર મોદીના ફોટો સાથેના સમાચાર પ્રાપ્ત થયા નહતા.

અમારી વધ તપાસમાં અમને ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ દ્વારા 29 સપ્ટેમ્બર, 2021 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ આ ફોટો એડિટ હોવાની માહિતી આપવામાં આવી છે.

નીચે તમે ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ સમાચારપત્રના ઓરિજીનલ ફોટો અને એડિટેડ ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ સમાચારપત્રની હેડલાઈન સાથેનો જે ફોટો મૂકવામાં આવ્યો છે તેને એડિટ કરવામાં આવ્યો છે. આ ફોટો સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો સાથે ન્યૂયોર્ક ટાઈમ્સના પ્રથમ પેજના વાયરલ ફોટોનું શું છે સત્ય....

Written By: Vikas Vyas

Result: Altered