
તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ ખાતે કેટલાક વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો અને જાહેરસભાને પણ સંબોધિત કરી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ જનસભાનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજકોટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન ચાલુ થતાં જ લોકોએ ચાલતી પકડી તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ખાસ ખબર દૈનિકપત્રનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. ખાસ ખબર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, આમારા લોગોનો ખોટી રીતે ઉપયોગ કરીને સમાચારપત્રનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
SWATI Lakhlani – AAP નામના ફેસબુક યુઝર દ્વારા 19 ઓક્ટોમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજકોટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન ચાલુ થતાં જ લોકોએ ચાલતી પકડી તેનો આ ફોટો છે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથે સ્પષ્ટીકરણ આપતી ખાસ ખબર સમાચારપત્રના ફેસબુક પેજ પર 20 ઓક્ટોમ્બર, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવેલી એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, અમારા સમાચારપત્રના લોગોનો દૂરુપયોગ કરીને કોઈ અજાણ્યા તત્વો દ્વારા આ પ્રકારે સમાચાર બનાવીને એ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવું પણ લખવામાં આવ્યું છે.

ત્યાર બાદ અમે અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે ખાસ ખબર સાંધ્ય દૈનિકપત્રના એડિટર કિન્નર આચાર્ય સાથે આ અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “અમારા સમાચારપત્રના લોગોનો દુરુપયોગ કરીને કોઈ શરારતી તત્વો દ્વારા આ પ્રકારે એડિટીંગ કરીને એ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. અમારા દ્વારા આ પ્રકારના કોઈ જ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા નહતા. અમે આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી છે.”
હવે એ પણ જાણવું જરુરી હતું કે, રાજકોટ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેરસભામાં કેટલા લોકો ઉપસ્થિત હતા?
તેના માટે અમે જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર યુટ્યુબ પર પ્રસારિત કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં તમે જોઈ શકો છો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરી રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં લોકોની હાજરી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ખાસ ખબર દૈનિકપત્રનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. ખાસ ખબર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, આમારા લોગોનો ખોટી રીતે ઉપયોગ કરીને સમાચારપત્રનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:રાજકોટના ખાસ ખબર દૈનિકપત્રનો એડિટ કરેલો ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: Altered
