
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીના કવરેજ દરમિયાન CNN સમાચાર ચેનલ પર ‘Pornhub’ નામની એક એડલ્ટ સાઈટનું નોટિફિકેશન જોવા મળ્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે છેડછાડ કરીને લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Patel G નામના ફેસબુક પેજ દ્વારા 6 નવેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, અમેરિકામાં ઇલેક્શન રિઝલ્ટનું કવરેજ એટલું લાંબુ ખેંચાયું કે રિપોર્ટરોએ બીજી વિન્ડોમાં થોડું મનોરંજન મેળવવાનું વિચાર્યું. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીના કવરેજ દરમિયાન CNN સમાચાર ચેનલ પર ‘Pornhub’ નામની એક એડલ્ટ સાઈટનું નોટિફિકેશન જોવા મળ્યું.
Facebook Post | Archive | Video Archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને CNN સમાચાર ચેનલ માટે કામ કરતા પત્રકાર Tancredi Palmeri દ્વારા 6 નવેમ્બર, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો આજ વીડિયો તેમના ટ્વિટર પર પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, CNN સમાચાર ચેનલનો આ ઓરિજીનલ વીડિયો છે. જેમાં એડિટીંગ કરીને ‘Pornhub’ નું નોટિફિકેશન બતાવવામાં આવ્યું છે.
અમારી વધુ તપાસમાં અમને CNN સમાચાર ચેનલના એંકર John King દ્વારા 6 નવેમ્બર, 2020 ના રોજ કરવામાં આવેલ એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં તેઓ એવી માહિતી આપે છે કે, CNN ની જે ક્લિપ વાયરલ થઈ રહી છે એ ખોટી છે. વાયરલ ક્લિપમાં પણ તમે એંકર John King ને જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો CNN સમાચાર ચેનલનો વીડિયો એડિટીંગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીના કવરેજ સમયે CNN ચેનલ પર એડલ્ટ નોટિફિકેશન આવ્યું હોવાની એડિટેડ ક્લિપ વાયરલ… જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
