તાજેતરમાં સોશિયલ મીડિયા પર વરસાદના પાણીમાં તણાઈ રહેલી ડુંગળીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વિસનગર માર્કેટયાર્ડમાં ભારે વરસાદને લીધે ડુંગળી તણાઈ તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં વરસાદના પાણીમાં તણાઈ રહેલી ડુંગળીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વિસનગર માર્કેટયાર્ડનો નહીં પરંતુ મહારાષ્ટ્રના નાસિકનો છે. આ વીડિયોને વિસનગર સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Gujarat Tak નામના ફેસબુક યુઝર દ્વારા 3 જુલાઈ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, વિસનગર માર્કેટ યાર્ડમાંથીડુંગળી તણાઈ... પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વિસનગર માર્કેટયાર્ડમાં ભારે વરસાદને લીધે ડુંગળી તણાઈ તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના સહારાથી સર્ચ કરતાં અમને NEWS NATION દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો સાથેના સમાચાર 1 જુલાઈ, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેની સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, મહારાષ્ટ્રના નાસિક ખાતે ભારે વરસાદને કારણે ગંજ બજારમાં વરસાદી પણીમાં તણાતી જોવા મળી ડુંગળી.

આજ માહિતી અને વીડિયો સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Now Noida | Smart News India

અમારી વધુ તપાસમાં અમને Moneycontrol Hindi દ્વારા પણ ઉપરોક્ત માહિતી સાથે વીડિયો મૂકવામાં આવ્યો હતો. જેમાં પણ આ ઘટના મહારાષ્ટ્રના નાસિકની હોવાનું જણાવવામાં આવ્યું છે.

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે વિસનગર ખાતે દિવ્યભાસ્કરના પત્રકારનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “આ વીડિયો વિસનગરના માર્કેટયાર્ડનો નથી કે તાજેતરમાં આવી કોઈ ઘટના વિસનગર ખાતે બની પણ નથી.”

ત્યાર બાદ અમે વધુ તપાસ માટે નાસિક માર્કેટયાર્ડ ખાતે ગોવર્ધન નામના કર્મચારી સાથે આ ઘટના અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “આ વીડિયો પીંપલગાંવ અનાજ મંડીનો છે. જ્યાં ભારે વરસાદને પગલે ડુંગળી તણાઈ હતી.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વરસાદના પાણીમાં તણાઈ રહેલી ડુંગળીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વિસનગર માર્કેટયાર્ડનો નહીં પરંતુ મહારાષ્ટ્રના નાસિકનો છે. આ વીડિયોને વિસનગર સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:જાણો વરસાદી પાણીમાં તણાઈ રહેલી ડુંગળીના વાયરલ વીડિયોનું શું છે સત્ય....

Written By: Vikas Vyas

Result: False