શું ખરેખર સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ભીંતચિત્રો પર હુમલો કરનાર વ્યક્તિ એક મુસ્લિમ સમાજનો હતો....? જાણો શું છે સત્ય....
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતના સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ભીંતચિત્રોને લઈ થયેલા વિવાદના ઘણા બધા સમાચારો સાથે વીડિયો અને ફોટા વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વીડિયો એવો વાયરલ થઈ રહ્યો છે કે, એક વ્યક્તિ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતેના ભીંતચિત્રોને તોડવાની કોશિશ કરી રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે થયેલા વિવાદમાં ભીંતચિત્રો પર હુમલો કરી રહેલો વ્યક્તિ મુસ્લિમ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે થયેલા વિવાદમાં ભીંતચિત્રો પર હુમલો કરી રહેલો વ્યક્તિ કોઈ મુસ્લિમ નહીં પરંતુ હિંદુ સમાજનો જ છે અને તેનું નામ હર્ષદ ગઢવી છે. આ ઘટના કે વીડિયોને હિંદુ-મુસ્લિમ વિવાદ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Dharmendra Bhati નામના ટ્વિટર યુઝર દ્વારા 4 સપ્ટેમ્બર, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, हिन्दूओं के आराध्य भगवान श्री हनुमान जी की प्रतिमा को खंडित करता एक इस्लामिक मुस्लिम। यह सब अपने वोट के लालची नेताओं और कमजोर न्याय व्यवस्था / न्यायलयों की देन है । वर्ना शायद ही भारत में ऐसी हिम्मत कर सके। हिन्दू समाज को नपुंसकता और कायरता छोडनी पडेगी ,अपनी सुरक्षा के इंतजाम. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે થયેલા વિવાદમાં ભીંતચિત્રો પર હુમલો કરી રહેલો વ્યક્તિ મુસ્લિમ છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં અમને ઈટીવી ભારત દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર 2 સપ્ટેમ્બર, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, સાળંગપુર હનુમાનજી મંદિરના ભીંતચિત્રો પર હુમલો કરનાર વ્યક્તિનું નામ હર્ષદ ગઢવી છે.
આજ માહિતી અને વીડિયો સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. gujarati.news18.com | zeenews.india.com | bbc.com
કોણ છે હર્ષદ ગઢવી?
ઉપરોક્ત સમાચારો પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ભીંતચિત્રો પર હુમલો કરનાર હર્ષદ ગઢવી નામનો વ્યક્તિ ખેતીવાડી સાથે સંકળાયેલ છે અને તે મૂળ રાણપુર તાલુકાના ચારણકી ગામનો છે, જે હાલ ઢસામાં રહે છે અને ખેતી સાથે સંકળાયેલ છે. પોતાની વાડીમાં હર્ષદ ગઢવી દ્વારા ગજાનંદ આશ્રમ બનાવવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે.
ત્યાર બાદ અમે અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે બાટાદના સાળંગપુર હનુમાનજી મંદિરના સ્વામી વિવેક સાગરનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “આ એક ષડયંત્ર છે. મંદિર પરિસરમાં આવેલી હનુમાનજીની પ્રતિમાની નીચે જે ભીંતચિત્રો છે તેના પર હુમલો કરનાર વ્યક્તિ કોઈ મુસ્લિમ સમાજની હોવાની માહિતી તદ્દન ખોટી છે. એ વ્યક્તિનું નામ હર્ષદ ગઢવી છે અને તે હિંદુ સમાજનો જ છે.”
ત્યાર બાદ અમે અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે બોટાદના એસપી કે. એસ. બળોલિયાનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “ભીંતચિત્રો પર હુમલો કરનાર વ્યક્તિનું નામ હર્ષદ ગઢવી છે જેને પોલીસ દ્વારા તરત જ પકડી લેવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં કોઈ પણ સાંપ્રદાયિક એંગલ નથી. લોકોએ આવી અફવાઓથી દૂર રહેવું જોઈએ.”
હર્ષદ ગઢવીની ધરપકડ બાદ 4 સપ્ટેમ્બરે તેમના જામીન પણ મંજૂર થયા હતા. જે સમાચાર ગુજરાત તક દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટોઅને પાયાવિહોણો હોવાનુંસાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે થયેલા વિવાદમાં ભીંતચિત્રો પર હુમલો કરી રહેલો વ્યક્તિ કોઈ મુસ્લિમ નહીં પરંતુ હિંદુ સમાજનો જ છે અને તેનું નામ હર્ષદ ગઢવી છે. આ ઘટના કે વીડિયોને હિંદુ-મુસ્લિમ વિવાદ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
Title:શું ખરેખર સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ભીંતચિત્રો પર હુમલો કરનાર વ્યક્તિ એક મુસ્લિમ સમાજનો હતો....? જાણો શું છે સત્ય....
Written By: Vikas VyasResult: False