વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડાબા હાથે સલામી આપી હોવાના ફોટોનું જાણો શું છે સત્ય....
તાજેતરમાં સોશિયલ મીડિયા પર સુરત શહેર ખાતે લગાવવામાં આવેલા હોર્ડિંગનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડાબા હાથે સલામી આપી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ સોફ્ટવેરની મદદથી હોર્ડિંગમાં ડાબી બાજુ પર મૂકવા માટે ફ્લીપ કરવામાં આવ્યો છે એટલે એક પ્રકારે એડિટ કરીને મૂકવામાં આવ્યો છે. વાસ્તવિક ફોટોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમણા હાથે સલામી આપી રહ્યા છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Ramesh Bhadani નામના ફેસબુક યુઝર દ્વારા 14 ઓગષ્ટ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આ દેશના રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાનને એ ખબર નથી કે કયા હાથ થી સલામી મારવી જોઈએ આ જુઠ્ઠો રાષ્ટ્ર પ્રેમ જોઈ લો દોસ્તો..... આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડાબા હાથે સલામી આપી રહ્યા છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આજ ફોટો સાથેના સમાચાર dnaindia.com દ્વારા 21 ઓક્ટોમ્બર, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આ હતી કે, ‘આઝાદ હિંદ સરકાર’ ની 75 મી વર્ષગાંઠ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને એખ તકતીનું અનાવરણ કર્યું.
આજ ફોટો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા કે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમણા હાથે જ સલામી આપી રહ્યા છે. જે તમે અહીં જોઈ શકો છો. indiatoday.in | indiacontent.in | tfipost.com
ઉપરોક્ત કોઈ પણ સમાચારમાં અમને ક્યાંય પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડાબા હાથે સલામી આપવામાં આવી હોય એવું જોવા મળ્યું નહતુ.
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે સીધો જ સુરત ખાતે કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયા સાથે આ અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “કામરેજ ચાર રસ્તા પર લગાવવામાં આવેલા પોસ્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડાબા હાથે સલામી આપી રહ્યા છે આ ફોટો પોસ્ટરમાં મૂકવામાં પ્રિન્ટીંગ પ્રેસવાળાએ ભૂલ કરી છે. જેમણે આ પોસ્ટર બનાવ્યું છે એ પ્રિન્ટીંગવાળાએ વડાપ્રધાનનો ફોટો પોસ્ટરમાં ડાબી બાજુ પર સેટ કરવા માટે ફોટોને મિરર ઈમેજ કે ફ્લીપ કરીને મૂકતાં તેઓ જે જમણા હાથે સલામી આપી રહ્યા હતા એ ફોટોમાં ડાબા હાથે થઈ ગયું હતું.”
આ કાર્યક્રમનો સંપૂર્ણ વીડિયો તમે નરેન્દ્ર મોદીના સત્તાવાર યુટ્યુબ પર પણ જોઈ શકો છો.
નીચે તમે ઓરિજીનલ ફોટો અને એડિટ કરેલા ફોટો વચ્ચેની સામ્યતા જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ સોફ્ટવેરની મદદથી હોર્ડિંગમાં ડાબી બાજુ પર મૂકવા માટે ફ્લીપ કરવામાં આવ્યો છે એટલે એક પ્રકારે એડિટ કરીને મૂકવામાં આવ્યો છે. વાસ્તવિક ફોટોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમણા હાથે સલામી આપી રહ્યા છે.
Title:વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડાબા હાથે સલામી આપી હોવાના ફોટોનું જાણો શું છે સત્ય....
Fact Check By: Vikas VyasResult: Altered