ન્યૂઝ 24 ચેનલનો એડિટ કરેલો ફોટો થયો વાયરલ.... જાણો શું છે સત્ય....
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ન્યૂઝ 24 ચેનલનો એક સ્ક્રીનશોટનો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં કાનપુર અને કન્નૌજ ખાતે પિયૂષ જૈન નામના એક વેપારીના ત્યાંથી IT ની રેડમાં કરોડો રુપિયા પકડાયા છે એ ભાજપનો સદસ્ય છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં ન્યૂઝ 24 ચેનલના સ્ક્રીનશોટનો જે ફોટો મૂકવામાં આવ્યો છે તેને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Anand Parmar નામના ફેસબુક યુઝર દ્વારા 29 ડિસેમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આ ભાઇ તો ભગત નીકળ્યાં..... આ લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં કાનપુર અને કન્નૌજ ખાતે પિયૂષ જૈન નામના એક વેપારીના ત્યાંથી IT ની રેડમાં કરોડો રુપિયા પકડાયા છે એ ભાજપનો સદસ્ય છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને navbharattimes.indiatimes.com દ્વારા 24 ડિસેમ્બર, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી સ્પષ્ટ માહિતી આપવામાં આવી હતી કે, પિયૂષ જૈનનો કોઈ પણ રાજકીય નેતા સાથે કોઈ જ સંબંધ નથી. તેઓ ક્યારેય કોઈ પણ રાજકીય પાર્ટીની મિટીંગ કે ગતિવિધિમાં જોવા મળ્યા નથી. તેમનો મુખ્ય વ્યવસાય પરફ્યુમનો છે.
આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. thelallantop.com
ઉપરોક્ત સમાચારોમાં ક્યાંય પણ એવું સાબિત નથી થતું કે, પિયુષ જૈનનો ભાજપ સાથે કોઈ સંબંધ છે. જોકે આ બાબતે હજુ સુધી કોઈ ઠોસ માહિતી મળી નથી.
ત્યાર બાદ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને News24 દ્વારા તેના સત્તાવાર ટ્વિટર પર પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેની એક ટ્વિટ 26 ડિસેમ્બર, 2021 ના રોજ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, સોશિયલ મીડિયા પર ન્યૂઝ 24 ના નામે એક ખોટો સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે. કૃપા કરીને તેના પર ધ્યાન આપશો નહીં તેને નજર અંદાજ કરશો.
અમારી વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, ન્યૂઝ 24 દ્વારા તેના બ્રેકિંગ ન્યૂઝમાં સફેદ રંગના અક્ષરોનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એમાં પીળા રંગના અક્ષરો દેખાઈ રહ્યા છે. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, વાયરલ થઈ રહેલો ફોટો એડિટેડ છે.
નીચે તમે પોસ્ટમાં મૂકવામાં આવેલા એડિટેડ ફોટો અને ઓરિજનલ ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ન્યૂઝ 24 ચેનલના સ્ક્રીનશોટનો જે ફોટો મૂકવામાં આવ્યો છે તેને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.