
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરનું એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે. જેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભીમરાવ આંબેડકરે કહ્યું હતું કે, જ્યારે કોઈ આદિવાસી, દલિત મહિલા રાષ્ટ્રપતિ બને ત્યારે અનામત ખતમ કરી નાખજો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બાબાસાહેબ આંબેડકરનું જે નિવેદન મૂકવામાં આવ્યું છે એ તદ્દન ખોટું છે. બાબાસાહેબ આંબેડકર દ્વારા રાષ્ટ્રપતિ બનવા અંગે આ પ્રકારનું કોઈ જ નિવેદન ભૂતકાળમાં તેમના કોઈ પણ ભાષણ કે લખાણમાં આપવામાં આવ્યું નથી. બાબાસાહેબ આંબેડકરના આ નિવેદનને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યું છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Gohil Mayursinhji Kanad નામના ફેસબુક યુઝર દ્વારા 24 જુલાઈ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં એવું લખવામાં આવ્યું છે કે, ભીમરાવ આંબેડકરે કહ્યું હતું જયારે કોઈ આદિવાસી,દલિત મહિલા રાષ્ટ્રપતિ બને ત્યારે અનામત ખતમ કરી નાખજો,હવે તે સમય આવી ગયો લાગે છે હો.મોદીજી. આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભીમરાવ આંબેડકરે કહ્યું હતું કે, જ્યારે કોઈ આદિવાસી, દલિત મહિલા રાષ્ટ્રપતિ બને ત્યારે અનામત ખતમ કરી નાખજો.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ભીમરાવ આંબેડકર દ્વારા ભારતીય સંસદમાં ભારતના સામાજીક અર્થતંત્ર અને દેશની મહિલાઓની પ્રગતિ વિશે ચર્ચા કરતા લેખો પ્રાપ્ત થયા હતા.
24 ઓગસ્ટ, 1949 ના રોજ સંસદમાં થઈ રહેલી ચર્ચામાં ડૉ. બી.આર. આંબેડકરે આસામ રાજ્યમાં અનુસૂચિત જાતિના આરક્ષણ પર તેમની ટિપ્પણી આપી હતી. ચર્ચા દરમિયાન, તેમણે કહ્યું હતું કે, “આસામમાં અનુસૂચિત જાતિના મામલે અનામત” શબ્દની રજૂઆતનો અર્થ એ થશે કે સંસદે આસામની અનુસૂચિત જાતિઓને પ્રતિનિધિત્વનો અધિકાર આપવાનો નિર્ણય કર્યો છે, જે તેમને પ્રતિનિધિત્વ માટેના અધિકારથી વંચિત કરશે.
તેમણે એમ પણ કહ્યું કે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને બિન અનામત બેઠકો પર ચૂંટણી લડવાનો અધિકાર હશે. આ સલાહકાર સમિતીના અહેવાલમાં સમાયેલ છે જેને સંસદ દ્વારા પહેલાંથી જ સ્વીકારવામાં આવ્યું છે.

25 ઓગસ્ટ, 1949 ના રોજ સંસદીય ચર્ચામાં આંબેડકરે જાતિ ભેદભાવની પ્રથા વિશે વાત કરી હતી. સંસદમાં અનુસૂચિત જાતિના કાર્યકાળને 10 વર્ષ સુધી મર્યાદિત કરવાની ચર્ચા થઈ હતી. આંબેડકરે કહ્યું, “અનુસૂચિત જાતિના કેટલાક સભ્યો દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી વિશે હું એક કે બે શબ્દ કહેવા માંગુ છું. હું કહીશ કે, તેમની ફરિયાદનો કોઈ કાનૂની આધાર નથી, કારણ કે કાર્યકાળને 10 વર્ષ સુધી મર્યાદિત કરવાનો નિર્ણય તેમની સંમતિથી લેવામાં આવ્યો હતો. હું વ્યક્તિગત રીતે લાંબા સમય સુધી કાર્યકાળ લંબાવવા માટે તૈયાર હતો, કારણ કે મને લાગ્યું કે, અનુસૂચિત જાતિના લોકોને અન્ય લઘુમતીઓ જેવી સારવાર અને સુવિધાઓ મળતી નથી. હું આદિવાસીઓ માટે વધુ સમય ફાળવવા તૈયાર છું. પરંતુ જે લોકો અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિ માટે અનામતની વાત કરે છે તેઓ કાર્યકાળને માત્ર 10 વર્ષ સુધી મર્યાદિત કરવા આતુર છે.”

4 જાન્યુઆરી, 1949 ના રોજ એમપી વિધાનસભામાં ચર્ચા દરમિયાન ડૉ. આંબેડકરે કહ્યું, “ઘણા વર્ષોથી આ દેશ બહુમતી અને લઘુમતીઓ વચ્ચે વહેંચાયેલો છે. પ્રારંભિક તબક્કામાં જ્યારે એસેમ્બલી એ સિદ્ધાંતો પર ચર્ચા કરવા માટે મળી હતી કે, જેના આધારે દેશનું બંધારણ બનવું જોઈએ, વિવિધ લઘુમતીઓ અને પ્રતિનિધિત્વની વ્યવસ્થા પર સમજૂતી થઈ. લઘુમતી સમુદાય કે જે વિધાનસભાના તે સત્ર પહેલા જોગવાઈને પડતો મૂકવા માટે તૈયાર હતો, તે માનતો હતો કે, કોઈ ચોક્કસ સમુદાયને અનામત આપવી જોઈએ નહીં. તેઓ સંમત થયા કે, તેઓ અલગ થવા માટે સંમત થશે નહીં. તેઓ બેઠકોની અનામત સાથે સંયુક્ત ચૂંટણીની વ્યવસ્થા માટે સંમત થશે. જો આ ગૃહમાં પ્રતિનિધિત્વ કરતી કોઈપણ લઘુમતી જણાવે છે કે, તેઓ સંઘને જાળવી રાખવા માંગતા નથી, તો ગૃહ કલમ 292ની જોગવાઈઓમાંથી તે ચોક્કસ લઘુમતીનું નામ બાકાત રાખવા માટે ખુલ્લું રહેશે.”

તે પછી અમે જ્ઞાતિવાદ નાબૂદી અંગે ડૉ. આંબેડકરની ટિપ્પણીઓ શોધી કાઢી પણ અમને આવી કોઈ માહિતી મળી નહતી.
Annihilation of Caste – B.R.Ambedkar
આ ઉપરાંત આંબેડકર દ્વારા લખવામાં આવેલી વિવિધ ટીપ્પણીઓ અને ભાષણોને એક દસ્તાવેજ તરીકે સંકલિત કરવામાં આવ્યા છે અને કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર રીતે તેની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવ્યા છે.
તમે નીચે આપેલ લિંક પર તે દસ્તાવેજો વાંચી શકો છો. તેમાં ક્યાંય આંબેડકરે ઉલ્લેખ કર્યો નથી કે, એક આદિવાસી, દલિત મહિલા ભારતના રાષ્ટ્રપતિ બન્યા પછી દેશમાંથી અનામત હટાવી દેવી જોઈએ.
Dr.B.R.Ambedkar Writings and Speeches
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બાબાસાહેબ આંબેડકરનું જે નિવેદન મૂકવામાં આવ્યું છે એ તદ્દન ખોટું છે. બાબાસાહેબ આંબેડકર દ્વારા રાષ્ટ્રપતિ બનવા અંગે આ પ્રકારનું કોઈ જ નિવેદન ભૂતકાળમાં તેમના કોઈ પણ ભાષણ કે લખાણમાં આપવામાં આવ્યું નથી.

Title:શું ખરેખર ભીમરાવ આંબેડકરે કહ્યું હતું કે, જ્યારે કોઈ આદિવાસી, દલિત મહિલા રાષ્ટ્રપતિ બને ત્યારે અનામત ખતમ કરી નાખજો…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
