પાંચ વર્ષ જૂના ચીનના વાવાઝોડાના વીડિયોને કચ્છના માંડવીનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….
પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો 2018નો ચીનનો છે. હાલના કચ્છના માંડવીનો હોવાની વાત તદ્દન ખોટી છે.
બિપોરજોય વાવાઝોડું ગુજરાત સાથે ટકરાયુ છે ત્યારે ભારે તારાજી જોવા મળી રહી છે. દરમિયાન વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિશાળ વંટોળ શહેરની વચ્ચે જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વાવાઝોડાનો આ વીડિયો કચ્છના માંડવી શહેરનો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Anil Shekhaliya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 જૂન 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વાવાઝોડાનો આ વીડિયો કચ્છના માંડવી શહેરનો છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને આ જ વીડિયો GBTIMES નામની યુટ્યુબ ચેનલ પર પ્રાપ્ત થયો હતો. જે 29 મે 2018ના અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “5.7-તીવ્રતાના ભૂકંપના આંચકાના થોડા કલાકો બાદ ગઈકાલે ઉત્તરપૂર્વ ચીનના એક શહેરમાં ટોર્નેડો ત્રાટક્યું હતું.”
તેમજ વધુ સર્ચ કરતા અમને ચીનની સૌથી મોટી ન્યુઝ વેબસાઈટ CGTN દ્વારા 28 મે 2018ના પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, Songyuan શહેરમાં આ ઘટના બનવા પામી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો 2018નો ચીનનો છે. હાલના કચ્છના માંડવીનો હોવાની વાત તદ્દન ખોટી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:પાંચ વર્ષ જૂના ચીનના વાવાઝોડાના વીડિયોને કચ્છના માંડવીનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો... જાણો શું છે સત્ય....
Written By: Frany KariaResult: False