
Himanshu Shukla નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આસામમાં NRC લાગુ, લોકોને ઘર માંથી ઉપાડવાનું શરૂ કરી દેવામાં આવ્યુ… વહેંચાયેલી મિડિયા તમને નહિં બતાવે,, પરંતુ આસામની બરબરતાનો આ વિડિયો જોવો તમે…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટને 21 લોકોએ શેર કરી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આસામમાં NRC લાગુ થયા બાદ આ પ્રકારે લોકોને ઘરમાંથી બહાર કાઢી મારમારવામાં આવ્યા.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, “આ વિડિયો બાંગ્લાદેશી બોર્ડર ગાર્ડસ(BGB) અને રેપિડ એક્શન બટાલિયન(RAB) દ્વારા ઢાકામાં 5 મે 2013ના રાત્રીના હિફાજત-એ-ઈસ્લામના પ્રદર્શનકારિયોં પર ગોળીઓ ચલાવી હતી. વિડિયોમાં પોલીસના ડ્રેસમાં RAB લખેલુ જોવા મળે છે.” જે તમે નીચે જોઈ શકો છો.
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે, આ વિડિયો 2013થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. ગૂગલ પર આ ઘટના અંગે સર્ચ કરતા અમને BBC અને Aljazeera દ્વારા 5 મે 2013ના પ્રકાશિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “બાંગ્લાદેશમાં હિફાજત-એ-ઈસ્લામ નામના એક સંગઠન દ્વારા બાંગ્લાદેશમાં સખ્ત ઈશનિંદા કાનૂન(Anti-Biasphemy-Law) સાથે અન્ય રસ્તાઓ માટે 5 મેના રોજ પ્રદર્શન કર્યુ હતુ. “હિફાજત” દ્વારા બાંગ્લાદેશમાં ચાલતા મોતીઝીલ વ્યવસાયને પણ બંધ કરવાની ધમકી આપી હતી. પરંતુ આ પ્રદર્શન હિંસક બન્યુ હતું. ત્યારે પોલીસે તેને રોકવા પહેલા લાઠીચાર્જ કર્યો હતો. 6 મેના સવારે 2.30 વાગ્યે શાપલા ચોકમાં જમા પ્રદર્શનકારીઓને પોલીસે ત્યાંથી જવા જણાવ્યુ હતુ. પ્રદર્શન કરનારાઓ દ્વારા પથ્થરમારો અને દંગા શરૂ કરી દેવામાં આવતા પોલીસ દ્વારા ગોળી ચલાવવામાં આવી હતી. આ ઘટનાનો સિટિજન ઈન્ટરનેશનલનો સમગ્ર રિપોર્ટ તમે નીચે જોઈ શકો છો.
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો આસામનો નહિં પરંતુ પાંચ વર્ષ પહેલા બાંગ્લાદેશમાં થયેલ હિંસક પ્રદર્શન સામે પોલીસે કરેલી કાર્યવાહીનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો આસામનો નહિં પરંતુ પાંચ વર્ષ પહેલા બાંગ્લાદેશમાં થયેલ હિંસક પ્રદર્શન સામે પોલીસે કરેલી કાર્યવાહીનો છે.

Title:બાંગ્લાદેશના જૂના વિડિયોને આસામના નામે વાયરલ કરવામાં આવી રહ્યો…
Fact Check By: Yogesh KariaResult: False
