
તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા દ્વારા ફેસબુક પર કરવામાં આવેલી પોસ્ટનો એખ ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગોપાલ ઈટાલિયાએ એવું કહ્યું કે, “હું પાટીદાર છું એટલે અરવિંદ કેજરીવાલે મને મુખ્યમંત્રી પદનો ઉમેદવાર ના બનાવ્યો. અરવિંદ કેજરીવાલ ફક્ત પાટીદારોના વોટ લેવા માંગે છે.” પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ગોપાલ ઈટાલિયા દ્વારા ફેસબુક પર કરવામાં આવેલી પોસ્ટનો જે ફોટો વાયરલ થઈ રહ્યો છે એ એડિટેડ હોવાની પુષ્ટી ખુદ ગોપાલ ઈટાલિયાએ કરી છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Dhorajiya Vipul નામના ફેસબુક યુઝર દ્વારા 4 નવેમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગોપાલ ઈટાલિયાએ એવું કહ્યું કે, “હું પાટીદાર છું એટલે અરવિંદ કેજરીવાલે મને મુખ્યમંત્રી પદનો ઉમેદવાર ના બનાવ્યો. અરવિંદ કેજરીવાલ ફક્ત પાટીદારોના વોટ લેવા માંગે છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટોમાં દેખાતા કપડાંમાં પત્રકાર પરિષદને સંબોધી રહેલા આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા દ્વારા તેમના જ સત્તાવાર ફેસબુક પર 1 નવેમ્બર, 2022 ના રોજ કરવામાં આવેલા લાઈવની એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં ક્યાંય પણ ગોપાલ ઈટાલિયા દ્વારા આપના નેતા અરવિદ કેજરીવાલ પર પોસ્ટમાં કરવામાં આવેલ આક્ષેપ મુજબની કોઈ જ માહિતી અમને પ્રાપ્ત થઈ નહતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખાણ કરવામાં આવ્યું છે કે, AAP ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી ગોપાલ ઇટાલિયાની મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ #LIVE.
ત્યાર બાદ અમે અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “મારા દ્વારા આ પ્રકારની કોઈ જ પોસ્ટ ફેસબુક કે મારા કોઈ જ સોશિયલ મીડિયા પર કરવામાં આવી નથી. પરંતુ ચૂંટણી નજીક આવતાં ભાજપ કે અન્ય કોઈ રાજકીય પક્ષ કે પછી કોઈ અસામાજીક તત્વો દ્વારા આ પ્રકારનું એડિટીંગ કરીને નિમ્ન કક્ષાની રાજનીતિ કરવામાં આવી રહી છે.”
વધુમાં તેઓએ અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા એડિટેડ ફોટોની સામે ઓરિજીનલ ફોટોનો સ્ક્રીનશોટ પણ મોકલ્યો હતો. આ બંને વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ગોપાલ ઈટાલિયા દ્વારા ફેસબુક પર કરવામાં આવેલી પોસ્ટનો જે ફોટો વાયરલ થઈ રહ્યો છે એ એડિટેડ હોવાની પુષ્ટી ખુદ ગોપાલ ઈટાલિયાએ કરી છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાની ફેસબુક પોસ્ટનો એડિટેડ ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: Altered
