
ઉત્તર પ્રદેશના બહરાઈચમાં તાજેતરમાં થયેલી હિંસામાં રામ ગોપાલ મિશ્રા નામના એક યુવકનું મોત થયું હતું. આ પછી ઘણી ઇમારતો પર ગેરકાયદેસર અતિક્રમણની નોટિસો ચોંટાડી દેવામાં આવી હતી. આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તૂટેલા મકાનોનો કાટમાળ દેખાઈ રહ્યો છે. વાયરલ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બહરાઈચમાં યુવકની હત્યા બાદ રાજ્ય સરકારે બહરાઈચમાં આરોપીઓના ઘરો પર બુલડોઝ ફેરવી દીધું છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 19 ઓક્ટોબર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બહરાઈચમાં યુવકની હત્યા બાદ રાજ્ય સરકારે બહરાઈચમાં આરોપીઓના ઘરો પર બુલડોઝ ફેરવી દીધું છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
શરૂઆતમાં અમે વાયરલ વીડિયોના કેટલાક સ્ક્રીનશોટ લીધા હતા. મળેલા ફોટોગ્રાફ્સને રિવર્સ ઇમેજ સર્ચ કરવા પર, અમને એબીપી ન્યૂઝ યુટ્યુબ ચેનલ પર વાયરલ વીડિયો મળ્યો, જે 26 સપ્ટેમ્બર 2024ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. આનાથી સ્પષ્ટ થાય છે કે વાયરલ વીડિયો તાજેતરનો નથી.
ચેનલના કેપ્શનમાં લખ્યું છે, “વજીરગંજ બજાર જિલ્લો બહરાઈચ.”
તેમજ પ્રાપ્ત માહિતીની મદદથી અને વધુ શોધ કરતા, અમને NDTV, ABPNews, News18Hindi વેબસાઈટ પર પ્રકાશિત વાયરલ વીડિયોના સમાચાર મળ્યા. અહેવાલો અનુસાર, 25 સપ્ટેમ્બરના રોજ બહરાઇચ જિલ્લાના ફખરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સરાય જગાના ગામમાં સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામને બુલડોઝરની મદદથી હટાવી દેવામાં આવ્યું હતું.
દૈનિક જાગરણની વેબસાઈટ પર પ્રકાશિત સમાચાર અનુસાર, કોર્ટના આદેશ પર ગ્રામ પંચાયત જગાના વજીરગંજમાં 23 ઘરો અને દુકાનો પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ગ્રામ પંચાયત ફખરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે.

વધુ તપાસમાં અમને બહરાઈચ પોલીસનું એક ટ્વિટ મળ્યું. બહરાઇચ પોલીસે X પરની એક પોસ્ટની ટિપ્પણીમાં વાયરલ વીડિયોની સાથે કરવામાં આવેલા દાવાને નકારી કાઢ્યો છે.
બહરાઈચમાં હિંસા ફાટી નીકળી
હકીકતમાં, 13 ઓક્ટોબરે બહરાઈચના મહારાજગંજમાં મૂર્તિ વિસર્જન યાત્રા દરમિયાન ભડકેલી હિંસામાં એક યુવકનું મોત થયું હતું. આ મામલે 1304 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. જ્યારે મહારાજગંજમાં ગેરકાયદે અતિક્રમણ કરનારાઓને નોટિસ ફટકારવામાં આવી હતી અને ત્રણ દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું હતું. જેના પર હાઈકોર્ટે 15 દિવસમાં જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વીડિયો બહરાઈચનો જ છે. પરંતુ આને ત્યાં થયેલી હિંસા સાથે કોઈ લેવાદેવા નથી. આ સપ્ટેમ્બર 2024નો વીડિયો છે જ્યારે હાઈકોર્ટના આદેશ પર વહીવટીતંત્રે અતિક્રમણને બુલડોઝરની કાર્યવાહી કરી હતી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
