
Jitendra Bhati Unjha નામના ફેસબુક યુઝર દ્વારા 17 નવેમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર PUNE માં available કૃપા કરીને વાંચ્યા પછી આ મહત્વપૂર્ણ સમાચાર ફોરવર્ડ કરવાનું મન બનાવો, મારા પ્રિય મિત્રો, બ્લડ કેન્સર માટે દવા મળી આવી છે !! ફરીથી ફોર્વર્ડ કર્યા વગર તેને કાઢી નાખો નહીં તે ભારતના ઘર ઘર સુધી પહોંચવા દો. ‘ઇમિટિફ મર્સીલેટ‘ એ એક દવા છે જે બ્લડ કેન્સરને શુદ્ધ કરે છે. પુણેમાં યોશોદા હેમેટોલોજી કેન્સર ઇન્સ્ટિટ્યુટ ખાતે મફત ઉપલબ્ધ છે. જાગૃતિ બનાવો. તે કોઈને મદદ કરી શકે છે. તમે કરી શકો છો તેટલું આગળ ધપાવો. નૈતિકતા કિંમત કંઈ નથી. સરનામું: યશોદા હેમેટોલોજી ક્લિનિક. 109, મંગલમૂર્તિ સંકુલ, હિરાબાગ ચોક, તિલક રોડ, પુણે –411002. ફોન: 020-24484214 અથવા 09590908080 અથવા 09545027772 અથવા મુલાકાત માટે www.practo.com ની મુલાકાત લો. મારી હમ્બલ વિનંતી: કૃપા કરીને આગળ મોકલો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, બ્લડ કેન્સરની દવા મળી આવી છે અને તેનું નામ ઈમિટીફ મર્સિલેટ છે. જે પૂણે ખાતે આવેલી યશોદા હેમેટોલોજી કેન્સર ઈન્સ્ટિટ્યૂટમાં વિનામૂલ્યે ઉપલબ્ધ છે. આ પોસ્ટને 10 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય કેટલાક લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.
Facebook Post | Archive | Post Archive
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ વોટ્સએપ અને ફેસબુક પર થોડાક દિવસોથી એક માહિતી વાયરલ થઈ રહી છે. જેમાં એવી માહિતી આપવામાં આવી છે કે, ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર… બ્લડ કેન્સરની દવા મળી આવી છે. કૃપા કરીને આ મેસેજને ફોરવર્ડ કર્યા વિના કાઢી નાંખશો નહીં. આ માહિતી ભારતના ઘર ઘર સુધી પહોંચવી જોઈએ. ‘ઇમિટિનેફ મર્સિલેટ’ એક એવી દવા છે જે બ્લડ કેન્સરને મટાડે છે. પૂણેની યશોદા હેમેટોલોજી કેન્સર સંસ્થામાં આ દવા વિનામૂલ્યે ઉપલબ્ધ છે. આ સંદેશ કોઈ પણને મદદરૂપ બની શકે છે. આ સાથે હોસ્પિટલનો સંપર્ક નંબર પણ આપવામાં આવ્યો છે.
ઉપરોક્ત પોસ્ટમાં આપવામાં આવેલી માહિતીમાં મુખ્યત્વે બે દાવા કરવામાં આવ્યા છે.
- ‘ઇમિટીનેફ મર્સિલેટ’ નામની દવા બ્લડ કેન્સરને મટાડે છે.
- ‘ઇમિટીનેફ મર્સિલેટ’ દવા પૂણેમાં યશોદા હિમેટોલોજી કેન્સર ઈન્સ્ટિટ્યૂટ ખાતે મફતમાં ઉપલબ્ધ છે.
સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ જુદા જુદા કીવર્ડ સાથે સર્ચ કરતાં અમને 2015 માં ટાઇમ્સ ઓફ ઈન્ડિયામાં 27 ફેબ્રુઆરી, 2015 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, બેંગ્લોરમાં કેન્સર નિષ્ણાત વિશાલ રાવે એક પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી કે સોશિયલ મીડિયા પર એક સંદેશમાં એવી માહિતી આપવામાં આવી છે કે ‘ઇમિટીનેફ મર્સિલેટ’ દવા બધા કેન્સરનો ઇલાજ કરી શકે છે. આ દવા પૂણેની યશોદા હેમેટોલોજી કેન્સર સંસ્થામાં નિ: શુલ્ક ઉપલબ્ધ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. જો કે, હજી સુધી તે શોધી શકાયું નથી કે એક પણ દવા તમામ પ્રકારના કેન્સરને મટાડી શકે છે. સોશિયલ મીડિયા પર આવી અફવાઓ વાંચવાથી લોકો છેતરાઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, કેન્સરના તમામ કેસોને મટાડતી હોય તો તેવી કોઈ જાદુઈ દવા હજી સુધી બનાવવામાં આવી નથી. જે તમે નીચે જોઈ શકો છો.
આ માહિતી છેલ્લા ઘણા સમયથી પૂણેના યશોદા હેમેટોલોજી સેન્ટરના નામે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી હોવાથી અમે યશોદા હેમેટોલોજી કેન્સર ઈન્સ્ટિટ્યૂટનો સંપર્ક કરી આ માહિતી અંગે વાત કરતાં હોસ્પિટલના વહીવટીતંત્ર દ્વારા અમને એવી માહિતી આપવામાં આવી હતી કે, ‘સોશિયલ મીડિયા પર જે મેસેજ વાયરલ થઈ રહ્યો છે એ તદ્દન ખોટો છે. છેલ્લા પાંચથી છ વર્ષથી આ સંદેશ ફરી રહ્યો છે. યશોદા હેમેટોલોજી કેન્સર સંસ્થામાં ઈમિટીનેફ મર્સિલેટ નામની દવા ઉપલબ્ધ છે પરંતુ તે મફત નથી.’
ઉપરોક્ત માહિતીમાં ડો. વિજય રામાણનનો નંબર પણ આપવામાં આવ્યો છે. તે બ્લડ હિમેટોલોજિસ્ટ છે. અમારા દ્વારા તેઓનો સંપર્ક થઈ શક્યો ન હોવાથી જ્યારે અમે તેમની સાથે વાત કરીશું ત્યારે આ સમાચાર અપડેટ કરવામાં આવશે.
આ તમામ માહિતી પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, પૂણેના યશોદા હિમેટોલોજી ક્લિનિકમાં બ્લડ કેન્સરની દવા મફત આપવામાં આવતી નથી. ઇન્ટરનેટ પર વધુ સંશોધન કર્યા પછી એ જાણવા મળ્યું કે, આ સંદેશ વર્ષ 2010 થી વિવિધ હોસ્પિટલોમાં ફરતો હતો. ચેન્નાઈની અદયાર કેન્સર સંસ્થા વિશે પણ તે વાયરલ થયો હતો. 2017 માં એક ઓસ્ટ્રેલિયન વેબસાઇટને અપાયેલી માહિતી અનુસાર, બધા માટે નહીં પરંતુ અદયાર હોસ્પિટલમાં દાખલ બ્લડ કેન્સરના દર્દીઓ માટે દવાખાના દ્વારા આ દવા મફતમાં ઉપલબ્ધ કરવામાં આવી હતી.
હવે એ પણ જાણવું જરૂરી હતું કે, શું છે ‘ઈમિટીનેફ મર્સિલેટ’?
ઇમિટીનેફ મર્સિલેટ (Imitinef Mercilet) બ્લડ કેન્સરના દર્દીઓ માટેની એક દવા છે. જે Imatinib Mesylate અથવા Gleevec તરીકે પણ ઓળખાય છે. આ ડ્રગનો ઉપયોગ લોહીના કેન્સર માટે થાય છે જેમ કે ક્રોનિક મિએલોજીનસ લ્યુકેમિયા (CML) અને અક્યુટ લિમ્ફોસાઇટિક લ્યુકેમિયા (ALL). 2001 થી અમેરિકામાં આ ડ્રગનો ઉપયોગ કરવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની અતિ આવશ્યક દવાઓની સૂચિમાં ‘ઇમિટીનેફ મર્સિલેટ’ પણ સામેલ છે.
કેન્સરના વિવિધ નિષ્ણાતોએ ફેક્ટ ક્રેસસેન્ડોને માહિતી આપી છે કે, બ્લડ કેન્સરના ઘણા બધા પ્રકાર છે. તેથી સારવારના કોર્સનો પણ તે મુજબ નિર્ણય લેવામાં આવે છે. ઇમિટીનેફ મર્સિલેટ શબ્દનો ઉપયોગ મુખ્યત્વે ક્રોનિક માઇલોજેનસ લ્યુકેમિયા (CML) માટે થાય છે. CML કેન્સરને નિયંત્રિત કરવા માટેની એક અસરકારક દવા છે. જેમ આપણે બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવા માટે ગોળીઓ લઈએ છીએ, તેવી જ રીતે ક્રોનિક માઇલોજેનસ લ્યુકેમિયાવાળા દર્દીઓ આ દવા લે છે. તેનો બજારભાવ 1500 રૂપિયાથી 2000 સુધીનો હોય છે.
નિષ્ણાતોએ ફેક્ટ ક્રેસસેન્ડોને કહ્યું છે કે ‘ઇમિટીનેફ મર્સિલેટ’ નામની દવા બ્લડ કેન્સરને મટાડે છે તેવો દાવો ખોટો છે. આ દવા ફક્ત કેન્સરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. તે કેન્સરની દવાઓના એક ઘટકો છે. જો કે, બ્લડ કેન્સરના ઇલાજ માટેની તમામ દવાઓ હજુ ઉપલબ્ધ નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ‘ઇમિટીનેફ માર્સિલેટ’ એ બ્લડ કેન્સરનો સંપૂર્ણ ઉપાય નથી. આ ડ્રગનો ઉપયોગ ક્રોનિક માઇલોજેનસ લ્યુકેમિયા (CML) બ્લડ કેન્સરને નિયંત્રિત કરવા માટે થાય છે. તેનો બજારભાવ 1500 રૂપિયાથી 2000 સુધીનો હોય છે. યશોદા હેમેટોલોજી કેન્સર સંસ્થામાં આ દવા વિનામૂલ્યે આપવામાં આવતી નથી.

Title:શું ખરેખર બ્લડ કેન્સરની દવા મળી આવી છે અને તે પૂણે સ્થિત યશોદા હેમેટોલોજી કેન્સર ઈન્સ્ટિટ્યૂટમાં મફતમાં મળે છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False

છબીઓ સૌજન્ય : ગુગલ