‎‎ફેક્ટ ક્રેસન્ડો ગુજરાતીના વોટ્સઅપ નંબર 7990015736 પર એક વોટ્સઅપ યુઝર દ્વારા "નાનીભાલુમા બોર કરેલ તેમાથી દુધ નીકળે છે તેવો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ....." લખાણ સાથે એક વીડિયો મોકલવામાં આવ્યો હતો અને તેની સત્યતા જણાવવા માટે વિનંતી કરવામાં આવી હતી. આ લખાણ અને વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, "આ વીડિયો નાની ભાલુ ગામનો છે અને બોરવેલમાંથી દૂધ નીકળે છે."

ફેસબુક પર કરવામાં આવેલી પોસ્ટ તમે નીચે જોઈ શકો છો. Facebook Post | Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. વોટ્સઅપ સિવાય આ વીડિયો અન્ય કોઈ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે કે કેમ તે જાણવા પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન અમને જાણવા મળ્યું હતું કે, આ વીડિયો ફેસબુક પર ઘણા બધા યુઝર દ્વારા હિન્દી શીર્ષક સાથે મૂકવામાં આવ્યો હતો. જેમાં So SURAT નામના ફેસબુક પેજ પર આ વીડિયો आज की नई खबर बीकानेर के बाजू में नौरंगदेसर गांव में भागीरथ जाखड़ जाट के खेत में कुए पर दूध निकला 3 घंटों से कुआं चल रहा है और दूध निकल रहा है वीर बिग्गाजी पेट्रोल पंप के पास શીર્ષક સાથે 19 નવેમ્બર, 2019 ના રોજ શેર કરવામાં આવ્યો હતો. જેને 15 લોકો દ્વારા લાઈક કરવામાં આવ્યો હતો. એક વ્યક્તિએ તેના પર મત રજૂ કર્યો હતો. 334 લોકો દ્વારા આ વીડિયોને જોવામાં આવ્યો હતો. તેમજ 8 લોકો દ્વારા આ વીડિયોને શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે શકો છો.

Facebook Post | Archive

અમારી આગળની તપાસમાં અમે નાની ભાલુ ગામને ગુગલ મેપની મદદથી સર્ચ કરતાં અમને જાણવા મળ્યું હતું કે, આ ગામ ગુજરાતના મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલું છે. તેથી અમે ત્યાંના સ્થાનિકો તેમજ સરપંચનો સંપર્ક કરીને આ ઘટના અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “આ વીડિયો નાની ભાલુ ગામનો નથી. આ પ્રકારે કોઈ બોરવેલમાંથી દૂધ નીકળ્યું હોય એવો કોઈ બનાવ અમારા ગામમાં બન્યો જ નથી.”

ત્યાર બાદ અમે અમારી તપાસ આગળ વધારી હતી. જેમાં ફેસબુક પર હિન્દી શીર્ષક સાથે પણ આ વીડિયો શેર કરવામાં આવ્યો હતો. જેમાં શીર્ષકમાં આપવામાં આવેલી માહિતી મુજબ બોરવેલમાંથી દૂધ નીકળવાની આ ઘટના બિકાનેરની બાજુમાં નૌરંગદેસર ગામમાં ભાગીરથ જાખડ જાટ નામના વ્યક્તિના ખેતરમાં બની હોવાની માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત એ પણ જણાવવામાં આવ્યું છે કે, આ જગ્યા વીર બિગ્ગાજી પેટ્રોલપંપના બાજુમાં આવેલી છે. તેથી અમે ગુગલનો સહારો લઈ Veer Biggaji Petrolpump સર્ચ કરતાં મળેલા પરિણામોમાં અમને વીર બિગ્ગાજી પેટ્રોલપંપના માલિકનો સંપર્ક નંબર પ્રાપ્ત થયો હતો. અમને મળેલા મોબાઈલ નંબર પર વાત કરતાં અમારો સંપર્ક સીધો વીર બિગ્ગાજી પેટ્રોલપંપના માલિક રામચંદ્ર સાથે થયો હતો. જેમને અમે આ સમગ્ર ઘટના અંગે વાત કરી તો તેઓએ અમને જણાવ્યું હતું કે, “આ ઘટના મારા પેટ્રોલપંપના બાજુના જ ખેતરમાં બની હતી. આ ખેતર મારા મોટાભાઈ ભાગીરથનું છે. થોડાક મહિના પહેલાં ખેતરમાં રહેલ બોરવેલ ચાલુ કરવામાં આવ્યો ત્યારે તેમાંથી લગભગ દોઢ કલાક સુધી સફેદ રંગનું પાણી નીકળ્યું હતું. ત્યાર બાદ ચોખ્ખુ પાણી આવવા લાગ્યું હતું. આ બોરવેલમાંથી ફ્કત સફેદ પાણી જ નીકળ્યું હતું એ દૂધ હોવાની માહિતી કોઈ અણસમજુ લોકો દ્વારા ખોટી રીતે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.”

આ ઉપરાંત વધુમાં તેઓએ મને પોસ્ટમાં દેખાતા બોરવેલના તાજેતરના ફોટા મોકલાવ્યા હતા. જેની સરખામણી પોસ્ટના વીડિયો સાથે કરતાં આ એજ બોરવેલ હોવાનું સાબિત થાય છે. કારણ કે, વીડિયોમાં જ્યાં સફેદ પાણી પડી રહ્યું છે એ ખાડો, બોરવેલની પાઈપ તેમજ લોકેશનને તમે નીચેના ફોટોમાં જોઈ શકો છો.

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે ભૂસ્તરશાસ્ત્રી લલિતભાઈ સાથે આ અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “બોરવેલમાંથી દૂધ નીકળવાની માહિતી એકદમ ખોટી છે. બોરવેલમાંથી આ પ્રકારે સફેદ પ્રવાહી ત્યારે નીકળે છે જ્યારે કોઈ બોર ઘણા સમયથી બંધ હોય અને તેને ચાલુ કરવા માટે બોરવેલમાં રહેલા લોખંડના કાટને દૂર કરવા ડિટર્જન્ટ પાવડર નાંખવામાં આવે છે અને બોર ચાલુ કરતાં તે ફીણ સ્વરૂપે બહાર આવે છે. આ ઉપરાંત કેટલીક જમીનમાં જીપ્સમ જેવા કેમિકલ રહેલા હોય છે તેને કારણે પણ સફેદ પ્રવાહી બહાર આવતું હોય છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, રાજસ્થાનની જમીનમાંથી સફેદ માર્બલ પણ નીકળે છે તેથી આ સફેદ પ્રવાહી નીકળવાનું એક કારણ સફેદ માર્બલનું કેમિકલ પણ હોઈ શકે છે.”

આ સંપૂર્ણ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો નાની ભાલુનો નહીં પરંતુ રાજસ્થાનના બિકાનેરના નૌરંગદેસર ગામનો છે. જ્યાં બોરવેલમાંથી દૂધ નહીં પરંતુ સફેદ રંગનું કેમિકલવાળું પાણી જ નીકળતું હતું.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો નાની ભાલુનો નહીં પરંતુ રાજસ્થાનના બિકાનેરના નૌરંગદેસર ગામનો છે. જ્યાં બોરવેલમાંથી દૂધ નહીં પરંતુ સફેદ રંગનું કેમિકલવાળું પાણી જ નીકળતું હતું.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર નાની ભાલુમાં બોરવેલમાંથી નીકળી રહ્યું છે દૂધ...? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas

Result: False