
Savan Upadhyay નામના ફેસબુક યુઝર દ્વારા તા.25 જૂન 2018ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ છોકરી દહેગામ થી પકડાઈ છે છોકરાઓ પકડવા આવી હતી બાળકોને સંભાળવા વિનંતી આ માટે જેમ બને તેમ ઝડપથી આગળ વધારો કોઈની જીંદગી નો સવાલ છે. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 498 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, 55 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 10411 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પોસ્ટમાં દર્શાવવામાં આવેલી મહિલા દહેગામમાંથી બાળકોને ઉપાડવા આવી હતી અને પકડાઈ છે.
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જો આ પ્રકારે મહિલા પકડાઈ હોય તો સ્થાનિક મિડિયા હાઉસ દ્વારા તેની નોંધ લેવામાં આવી જ હોય, તેથી અમે સૌ પ્રથમ અમે ગૂગલ પર “દહેગામ મહિલા પકડાઈ જે છોકરાઓ પકડવા આવી હતી” લખતા અમને નીચે મુજબના પરિણામ પ્રાપ્ત થયા હતા. જે આપ નીચે જોઈ શકો છો.

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ આ પ્રકારે કોઈ મહિલા ક્યારેય પણ દહેગામ માંથી પકડાઈ હોવાનું જાણવા મળ્યુ ન હતું. તેથી અમે અમારી પડતાલને આગળ વધારી અને ઉપરોક્ત પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો મળ્યા હતા.


ઉપરોક્ત પરિણામોમાં પણ અમને કયાંય આ મહિલા વિશેની જાણકારી મળી ન હતી, તેમજ આ મહિલા ક્યાની છે. ફોટો ક્યારનો છે. તે કોઈ માહિતી અમને પ્રાપ્ત થઈ ન હતી. બાદમાં અમે અમારી પડતાલ આગળ વધારી હતી અને દેહગામ પોલીસ સ્ટેશનના પીઆઈ વી.બી.પરમાર જોડે આ અંગે વાત કરતા તેઁમણે અમને જણાવ્યું હતુ કે, “આ પ્રકારે કોઈ મહિલા કે ટોળકી દહેગામ પોલીસ સ્ટેશનની હદમાંથી પકડાઈ નથી, તેમજ આ પ્રકારે કોઈ ફરિયાદ દહેગામ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ નથી, પોસ્ટમાં જે વાત કરવામાં આવી છે તે તદન ખોટી છે.” ઈન્ચાર્જ પીઆઈનું નિવેદન તમે નીચે સાંભળી શકો છો.
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ ઘટના દહેગામની હદમાં બની હોય તેવું અમારી પડતાલમાં ક્યાંય સાબિત થતું નથી. જેની ખાત્રી દહેગામ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા કરવામાં આવી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, આ પ્રકારે કોઈ ઘટના દહેગામમાં બની નથી, તેમજ આ પ્રકારે કોઈ મહિલા દહેગામ પોલીસ સ્ટેશનમાં પકડાઈ નથી.

Title:શું ખરેખર દેહગામ માંથી મહિલા છોકરાઓ પકડતા પકડાઈ હતી….? જાણો શું છે સત્ય…
Fact Check By: Frany KariaResult: False
