
તાજેતરમાં સોશિયલ મીડિયા પર સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના નામે એક ટ્વિટ વાયરલ થઈ રહી છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે, સંવિધાન કા અનુચ્છેદ 30 “મદરસો” મેં કુરાન વ હદીસ પઢાને કી છૂટ દેતા હૈ, લેકિન “અનુચ્છેદ 30 A” “ગુરુકુલો’ વ “સ્કૂલો’ મેં મહાભારત, રામાયણ, વેદ, પુરાણ વ ગીતા પઢાને કી બિલ્કુલ છૂટ નહીં દેતા. હિન્દુઓ કે સાથ એસા “દોગલાપન” વ્યવહાર ક્યોં? અબ સમય આ ગયા હૈ અબ ઇસે બદલના ચાહિએ. આ લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ દ્વારા આ ટ્વિટ કરવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ દ્વારા જે ટ્વિટ કરવામાં આવ્યું છે એ તેમના ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર તેમનું કોઈ જ સત્તાવાર એકાઉન્ટ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Lokesh B Jain નામના ફેસબુક યુઝર દ્વારા 19 સપ્ટેમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં ફોટોમાં મૂકવામાં આવેલી રંજન ગોગોઈની ટ્વિટમાં એવું લખવામાં આવ્યું છે કે, “#संविधान का अनुच्छेद 30 “मदरसों” में कुरान व हसीन पढ़ाने की छूट देता है, लेकिन “अनुच्छेद 30A” “गुरुकुलों” व “स्कूलों” में महाभारत, रामायण, वेद, पुराण व गीता पढ़ाने की बिलकुल छूट नहीं देता | हिन्दुओं के साथ ऐसा “दोगलापन” व्यवहार क्यों ? अब समय आ गया है अब इसे बदलना चाहिए |”. જેનો ગુજરાતી મતલબ એવો થાય કે, “સંવિધાનના અનુચ્છેદ 30 અનુસાર મદરેસાઓમાં કુરાન અને હદીસ ભણાવવાની છૂટ આપવામાં આવી છે. જ્યારે અનુચ્છેદ 30 A મુજબ ગુરુકૂળ કે સ્કૂલોમાં મહાભારત, રામાયણ, વેદ, પુરાણ તથા ગીતા ભણાવવાની બિલકુલ છૂટ આપવામાં નથી આવી. હિન્દુઓની સાથે જ આવો “દોગલાપન” નો વ્યવહાર કેમ? હવે સમય આવી ગયો છે હવે આ બદલાવું જોઈએ”. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ટ્વિટ સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ દ્વારા કરવામાં આવ્યું છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ દ્વારા આ પ્રકારનું ટ્વિટ કરવામાં આવ્યું છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ક્યાંય પણ સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ દ્વારા આ પ્રકારનું ટ્વિટ કરવામાં આવ્યું હોય એવા કોઈ જ સમાચાર કે માહિતી પ્રાપ્ત થઈ ન હતી. ત્યાર બાદ અમે ટ્વિટર પર સર્ચ કરતાં અમને ક્યાંય પણ સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પ્રાપ્ત થયું નહતું.
ત્યાર બાદ અમે અનુચ્છેદ 30 અને અનુચ્છેદ 30 એ શું છે? એ અંગે સર્ચ કરતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, અનુચ્છેદ 30 લઘુમતીઓ માટે ધર્મ અને ભાષાના આધારે તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અથવા શૈક્ષણિક સંસ્થાઓની વહીવટી વ્યવસ્થાને સરળ રીતે ચલાવવા માટેના સંબંધમાં છે. વધુમાં આ સિવાય અનુચ્છેદ 30 માં એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આવી શૈક્ષણિક સંસ્થાઓને સહાય પૂરી પાડતી વખતે કોઈ પણ રાજ્ય તેના રાજ્યના ધર્મ અથવા ભાષાના આધારે કોઈ ભેદભાવ ન કરે. આ અનુચ્છેદ લઘુમતી સમુદાયને તેમના બાળકોને તેમની પોતાની ભાષામાં શિક્ષણ આપવાનો અધિકાર આપે છે.
વધુમાં અમે જ્યારે આર્ટિકલ 30A વિશે શોધ્યું ત્યારે અમને જાણવા મળ્યું હતું કે, ભારતીય બંધારણમાં આર્ટિકલ 30A જેવો કોઈ આર્ટિકલ છે જ નહીં. જોકે આર્ટિકલ 30 (1A) જે બંધારણમાં હાજર છે અને આ આર્ટિકલ એ સ્પષ્ટ કરે છે કે, જો કોઈ કાયદા દ્વારા સરકાર કોઈપણ લઘુમતી સંસ્થાની મિલકત ફરજિયાત હસ્તગત કરે તો પછી કાયદાકીય રીતે સરકારે આવી મિલકતોના સંપાદનના બદલામાં આવી લઘુમતી સંસ્થાઓને કિંમત ચૂકવવી પડશે.
અમારી વધુ તપાસમાં અમે સીધો જ સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ સાથે સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “સોશિયલ મીડિયા પર તેમનું કોઈ જ સત્તાવાર એકાઉન્ટ નથી.”
અમારી વધુ તપાસમાં અમને ટ્વિટર પર સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના નામે ઘણા નકલી એકાઉન્ટ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ બધા ફેક એકાઉન્ટ તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ દ્વારા જે ટ્વિટ કરવામાં આવ્યું છે એ તેમના ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવ્યું છે એવું રંજન ગોગોઈએ જણાવ્યું હતું.

Title:ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના ફેક ટ્વિટર એકાઉન્ટ પરની સાંપ્રદાયિક ટ્વિટ થઈ વાયરલ…
Fact Check By: Vikas VyasResult: False
