મોહમ્મદ આદિલ ચૌધરીના નામે SP નેતા વિપિન મનોથિયા વાલ્મિકીને મારતો વીડિયો વાયરલ…

Missing Context રાજકીય I Political રાષ્ટ્રીય I National

10 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું. તે દિવસે ઇન્ટરનેટ પર એક વિડિયો ફરતો થયો હતો. તેમાં એક માણસને લોકો દ્વારા મારવામાં આવી રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “દક્ષિણ મેરઠના સપા ઉમેદવાર મોહમ્મદ આદિલ ચૌધરી હિન્દુઓને ધમકાવી રહ્યા હતા અને હિન્દુઓએ તેમને માર માર્યો હતો.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, વાયરલ થઈ રહેલા વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો છે. આ વિડિયોમાં જે વ્યક્તિ સાથે મારપીટ થઈ રહી છે તે સપા નેતા વિપિન મનોથિયા વાલ્મિકી છે. એ વાત સાચી છે કે સપાના ઉમેદવાર આદિલ ચૌધરી પણ ત્યાં હાજર હતા પરંતુ વિડિયોમાં વિપિન મનોથિયા વાલ્મિકીને માર મારવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Hiren Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 ફેબ્રુઆરી 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “દક્ષિણ મેરઠના સપા ઉમેદવાર મોહમ્મદ આદિલ ચૌધરી હિન્દુઓને ધમકાવી રહ્યા હતા અને હિન્દુઓએ તેમને માર માર્યો હતો.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને અશરફ હુસૈન નામના પત્રકારના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવેલો આ જ વિડિયો જોવા મળ્યો. તેમાં તેણે કહ્યું છે કે આ વિડિયોમાં જે વ્યક્તિ સાથે મારપીટ થઈ રહી છે તે સપા નેતા વિપિન મનોથિયા વાલ્મિકી છે.

ત્યારબાદ અમે સપા નેતા વિપિન મનોથિયા વાલ્મિકીનો સંપર્ક કર્યો. તેણે અમને કહ્યું કે “આ વિડિયો મારો છે. આ મામલો દક્ષિણ મેરઠ વિધાનસભા વિસ્તારનો છે. ત્યાં અમારા ઉમેદવાર આદિલ ચૌધરી છે. હું મેરઠ જિલ્લાની સમાજવાદી પાર્ટીનો ઉપાધ્યક્ષ છું. અમને માહિતી મળી હતી કે બૂથ કેપ્ચરિંગ થયું છે અને ત્યાં ભાજપના લોકો બોગસ વોટિંગ કરાવી રહ્યા છે. તેથી જ હું અને આદિલ ચૌધરી તે બૂથ પર ગયા અને નકલી મતદાન બંધ કરાવ્યું. અમે બહાર આવ્યા કે તરત જ મારામારી થઈ. મેં આદિલ ચૌધરીને બચાવ્યા અને ભાજપના કાર્યકરોએ મને માર માર્યો. આ અંગે મે મેડિકલ કોલેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટના 10 ફેબ્રુઆરીની છે જ્યારે અહીં મતદાન થયું હતું.

આ પછી અમે દક્ષિણ મેરઠ સ્થિત મેડિકલ કોલેજ સ્ટેશનના ઈન્ચાર્જ સંત શરણ સિંહનો સંપર્ક કર્યો. તેમણે અમને કહ્યું કે “SP નેતા વિપિન મનોથિયા વાલ્મિકીને માર મારવામાં આવ્યો અને તેઓએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. અમે આ અંગે એફઆઈઆર નોંધી છે. વાસ્તવમાં આદિલ ચૌધરી તે વિસ્તારના ઉમેદવાર છે અને તેમને બૂથની અંદર જવા દેવામાં આવ્યા ન હોતા છતાં તેઓ ત્યાં ગયા અને ત્યાં વિવાદ થયો અને જેમ જેમ તેઓ બહાર આવ્યા ત્યારે લોકોએ ધક્કો માર્યો અને ઘર્ષણ થયું.

તપાસ દરમિયાન અમને આ મામલામાં મેરઠ પોલીસનું ટ્વિટ પણ મળ્યું જેમાં તેમણે કહ્યું કે વિપિન મનોથિયા વાલ્મિકી પર મારપીટનો કેસ મેડિકલ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.

દૈનિક ભાસ્કરમાં છપાયેલા સમાચાર અનુસાર, આ ઘટના 10 ફેબ્રુઆરીએ દક્ષિણ મેરઠના શાસ્ત્રીનગર સ્થિત સરકારી શિશુ મંદિરમાં મતદાન કેન્દ્રની બહાર બની હતી. વિપિન કહેતા હતા કે યોગી શાસનમાં કોઈ કામ થયું નથી અને તે સપાના શાસનમાં થયેલા કામોની ગણતરી કરી રહ્યા હતા. ત્યારબાદ ભાજપના કાર્યકરો અને તેમની વચ્ચે ઘર્ષણ થયું હતું. પહેલા વિપિન મનોથિયાને થપ્પડ મારવામાં આવી હતી, પછી જમીન પર પટકાવી દેવામાં આવ્યા હતા અને લાતો વડે માર માર્યો હતો. જેના પર વાલ્મિકી સમાજે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ભાજપના કાર્યકરોને સજાની માંગ કરી હતી.

પરિણામ

આમ, તથ્યો તપાસ્યા પછી, અમને જાણવા મળ્યું કે, વાયરલ થઈ રહેલા વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો છે. આ વિડિયોમાં જે વ્યક્તિ સાથે મારપીટ થઈ રહી છે તે સપા નેતા વિપિન મનોથિયા વાલ્મિકી છે. એ વાત સાચી છે કે સપાના ઉમેદવાર આદિલ ચૌધરી પણ ત્યાં હાજર હતા પરંતુ વિડિયોમાં વિપિન મનોથિયા વાલ્મિકીને માર મારવામાં આવી રહ્યો છે.

Avatar

Title:મોહમ્મદ આદિલ ચૌધરીના નામે SP નેતા વિપિન મનોથિયા વાલ્મિકીને મારતો વીડિયો વાયરલ…

Fact Check By: Yogesh Karia 

Result: Missing Context