શું ખરેખર આ વીડિયો સાબરકાંઠામાં આવેલા ચક્રવાતનો છે…? જાણો શું છે સત્ય....
બનાસકાંઠાનાં સમાચાર Banaskantha Samachar નામના ફેસબુક પેજ દ્વારા 2 ઓક્ટોમ્બર,2019 ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,
#સાબરકાંઠામાં વરસાદી માહોલ વચ્ચે ચક્રવાત ખેતરોમાં ફરી વળ્યું, તલોદ તાલુકાના વૃષભ કંપા અને કાલીપુરા સહિતના ગામડામાં દેખાયું ચક્રવાત. ઉત્તર ગુજરાતને મેઘરાજાએ ઘમરોળી નાંખ્યું હતું. દરમિયાન સાબરકાંઠાના તલોદ તાલુકાના વૃષભ કંપા, કાલીપુરા માં ચક્રવાત ખેતરમાં સર્જાયું હતું. મોટેભાગે સાયન્સ ટીવી ચેનલ્સમાં જોવા મળતો ટોર્નેડો સાબરકાંઠામાં મિનિ સ્વરૂપે દેખાયો હતો. જેને પગલે ખેતરોમાં નુકસાન નુકસાન પણ થયું હતું. વાઈરલ વીડિયોને સ્થાનિક લોકોએ મોબાઈલ કેમેરાથી શૂટ કર્યો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો સાબરકાંઠામાં આવેલા ચક્રવાતનો છે. આ પોસ્ટને 370 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 8 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. 33000 થી વધુ લોકો દ્વારા આ વીડિયોને જોવામાં આવ્યો હતો. તેમજ 64 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.
Facebook Post | Archive | Video Archive
સંશોધન
પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોની સત્યતા તપાસવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ સાબરકાંઠામાં ચક્રવાત સર્ચ કરતાં અમને દિવ્યભાસ્કર દ્વારા 2 ઓક્ટોમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં સાબરકાંઠામાં વરસાદી માહોલ વચ્ચે ખેતરોમાં સર્જાયેલા ચક્રવાતનો વીડિયો દર્શાવવામાં આવ્યો હતો, પરંતુ આ વીડિયો પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોથી અલગ જ હતો. જે તમે નીચે જોઈ શકો છો.
આ ઉપરાંત આ સમાચારને ઘણા બધા મીડિયા હાઉસ દ્વારા પ્રસારિત પણ કરવામાં આવ્યા હતા જે તમે નીચે જોઈ શકો છો. તેમાં પણ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અમને ક્યાંય જોવા મળ્યો ન હતો.
meranews.com | gujaratsamachar.com |
Archive | Archive |
ઉપરના પરિણામોમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો અંગે કોઈ ઠોસ પરિણામ ન મળતાં અમે આ વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ જાણવા મળ્યું હતું કે, વીડિયોમાં 0.31 મિનિટથી 0.34 મિનિટ વચ્ચે એક બોર્ડ દેખાઈ રહ્યું છે. જેને ધ્યાનથી જોતાં તેના પર શ્રી સમૌ જૈન તિર્થ, 0 કી.મી. એવું લખેલું સ્પષ્ટ જોઈ શકાય છે. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યાર બાદ અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે ગુગલ પર સમૌ સર્ચ કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, સમૌ એ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલું ગામ છે. અમે આ માટે ગુજરાત સરકારની વેબસાઈટ પરથી સમૌના પૂર્વ સરપંચ કિરીટભાઈ ચાવડાનો નંબર મેળવીને તેમની સાથે આ વીડિયો અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, "આ વીડિયો સાબરકાંઠાનો નહિ પણ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સમૌ અને બાજુના ગામ હરણાહોડાનો છે. 30 સપ્ટેમ્બર, 2019 ના રોજ હું મારા ખેતરમાં હતો ત્યારે બપોરે આ પ્રકારનું ચક્રવાત આવ્યું હતું. જેના કેટલાક વીડિયો મેં મારા મોબાઈલમાં પણ ઉતાર્યા છે. આ ચક્રવાતને લીધે હરણાહોડા ગામમાં ઘણા ઘરોના પતરાં ઉડી ગયા હતા તેમજ ઝાડ પણ પડી જવાથી ભારે નુકશાન થયું હતું."
અમે સમૌ અને હરણાહોડા ગામના સ્થાનિક લોકો સાથે પણ આ વીડિયો અંગે વાત કરતાં તેઓએ આ વીડિયો સમૌ અને હરણાહોડામાં ચક્રવાતથી થયેલા નુકશાનનો જ હોવાનું જણાવ્યું હતું. વધુમાં સમૌના પૂર્વ સરપંચ દ્વારા અમને આ ચક્રવાતના અન્ય વીડિયો પણ મોકલવામાં આવ્યા હતા જે તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો સાબરકાંઠામાં આવેલા ચક્રવાતનો નહીં પરંતુ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સમૌ અને હરણાહોડા ગામનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો મિશ્રિત સાબિત થાય છે કારણ કે, સાબરકાંઠામાં પણ આ પ્રકારે ચક્રવાત તો આવ્યું હતું પરંતુ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો સાબરકાંઠામાં આવેલા ચક્રવાતનો નહીં પરંતુ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સમૌ અને હરણાહોડા ગામનો છે.
છબીઓ સૌજન્ય : ગુગલ
Title:શું ખરેખર આ વીડિયો સાબરકાંઠામાં આવેલા ચક્રવાતનો છે…? જાણો શું છે સત્ય....
Fact Check By: Vikas VyasResult: Mixture