
Vatsal Pandya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “લાઈટ શો.. ઉમેદભવન પેલેસ.. જોધપુર.. એન્ટ્રી ફી જોવાનાં રૂપિયા ૩૦૦૦ /–નિહાળો vdo..૧૨૦સેકન્ડ.. ની ઝલક..ગમશે પ્રિય મિત્રો..” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 61 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. 12 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 25 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાજસ્થાનના જોધપુર શહેરમાં આવેલા ઉમેદપેલેસમાં લાઈટ શો યોજાઈ રહ્યો છે જેને નિહાળવાનો ચાર્જ એક વ્યક્તિના 3000 રૂપિયા છે.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, આ વિડિયો છે તો જોધપુરના ઉમેદભવન પેલેસનો પરંતુ લાઈટ શો અંગેની કોઈ માહિતી તેમાં આપવામાં આવી ન હતી. તેથી અમે ઉમેદભવન ની ઓફિશિયલ વેબસાઈટ શોધી હતી. તેમાં પણ લાઈટ શો અંગેની કોઈ માહિતી આપવામાં આવી ન હતી. તેથી અમે ઉમેદભવન પેલેસનો જે નંબર વેબસાઈટ પર આપવામાં આવ્યો છે. તેના પર ફોન કરી લાઈટ શોના ટાઈમ અને ચાર્જ અંગે પુછતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ લાઈટ શોનું આયોજન ઉમેદભવન પેલેસમાં કરવામાં આવતુ નથી.” તેથી અમે તુરંત જ બીજો સવાલ પોસ્ટમાં શેર કરવામાં આવેલા લાઈટશોના વિડિયો અંગે કર્યો હતો. તેના જવાબમાં તેમણે અમને જણાવ્યુ હતુ કે, “જે – તે સમયે તહેવારને લઈ અને આ પ્રકારે ઉમેદભવન પેલેસને લાઈટિંગ કરવામાં આવ્યુ હતું પરંતુ તે થોડા સમય માટે હતું અહિં દરરોજ લાઈટ શો થાય છે અને તેને જોવાની ફી 3000 રૂપિયા છે તે ખોટી વાત છે.”
જો આ પ્રકારે ક્યારેય લાઈટ શોનું આયોજન ભૂતકાળમાં પણ કરવામાં આવ્યુ હોય તો રાજસ્થાન ટુરિસમ ડિપાર્ટમેન્ટને તેની જાણ હોવી જ જોઈએ. તેથી અમે રાજસ્થાન ટુરિસમ ડિપાર્ટમેન્ટનો સંપર્ક સાધ્યો હતો અને હાજર અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, “જોધપુરમાં આવેલ ઉમેદભવન પેલેસ એ ખાનગી માલિકીનું છે. પરંતુ ત્યા કોઈ લાઈટ શો થતો હોય તેવું અમારા ધ્યાનમાં નથી આવ્યું.”
જો કે, તો આ પ્રકારે લાઈટ-શોનું આયોજન ક્યારે કરવામાં આવ્યુ હતુ તે જાણવું પણ જરૂરી હતું તેથી અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે શોધતા અમને જાણવા મળ્યુ હતુ કે, 3 માર્ચ 2018ના એક લગ્નના આયોજનના ભાગરૂપે dataton.com દ્વારા ઉમેદભવન પેલેસને લાઈટિંગ કરવામાં આવ્યુ હતુ. જેનો એક અહેવાલ અને સંપૂર્ણ વિડિયો તેમની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. જે તમે નીચે જોઈ શકો છો.
આમ, રાજસ્થાનના જોધપુર શહેરમાં આવેલા ઉમેદભવન પેલેસમાં કોઈ લાઈટ શો થતો ન હોવાનું સાબિત થાય છે. તેમજ પોસ્ટ સાથે જે વિડિયોમાં લાઈટિંગ જોવા મળી રહ્યુ છે તે 3 માર્ચ 2018માં એક લગ્નના આયોજનને લઈ કરવામાં આવ્યુ હોવાનું સાબિત થાય છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, રાજસ્થાનના જોધપુર શહેરમાં આવેલા ઉમેદભવન પેલેસમાં કોઈ લાઈટ શો થતો ન હોવાનું સાબિત થાય છે. તેમજ પોસ્ટ સાથે જે વિડિયોમાં લાઈટિંગ જોવા મળી રહ્યુ છે તે 3 માર્ચ 2018માં એક લગ્નના આયોજનને લઈ કરવામાં આવ્યુ હોવાનું સાબિત થાય છે.

Title:શું ખરેખર જોધપુરના ઉમેદભવન પેલેસમાં લાઈટ શો નિહાળાવાના 3000 રૂપિયા છે..? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
